હું અને તમે જો માનીએ છીએ કે શ્રી રામ આપણે માટે સર્વોપરી છે તો છે જ! તેમાં કોઈ શંકાને સ્થાન ન જ હોય. ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાઓનો સેતુ જ હોય, પુરાવા, સાબિતી કે શરતો ન હોય અને પ્રભુ શ્રી રામથી વિશેષ સેતુ તો કોઈએ રચ્યો હોવાનું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી, સાચું ને?
શ્રી રામ વિશે લખવાની તક મળતી હોય અને એ હું જતી કરું એ તો કેમ બને? જેમના માનમાં શાળાઓ તેમજ ઘણી ઓફિસોમાં રજા મળે છે એમનાં વિશે જાણવું તો જોઈએ, બરાબર ને? તો મારા અગાઉનાં એક લેખ ‘રામ એટલે?’ માં જો ન વાંચ્યું હોય તો પણ ટેલીવિઝન, રાજકારણ તેમજ શોખ કે ફેશનને લીધે ખરીદાયેલા પુસ્તકોમાંથી શ્રી રામ વિશે પ્રાથમિક માહિતી તો હશે જ એમ માની લઈએ.
આજ સુધીનાં મારા લેખ કે કવિતા જેવા કે, ‘મારી વ્યક્તિગત વિભાવનાઓનાં રામ’ કે ‘રામ-રાવણ’માં શ્રી રામ વ્યક્તિ તરીકે શું હતા કે એ મનુષ્ય જીવનને સાર્થક બનાવવામાં કઈ રીતે મદદગાર છે એ વ્યક્ત કર્યા બાદ, રામ શબ્દને માત્ર મર્યાદા સાથે જ જોડીને જોઈ શકતા લોકો માટે આજે શ્રી રામ એટલે એમનામાં અન્યોન્ય વિશ્વાસ રાખી શકતી મનુષ્ય જાતિ માટે તોષક (સંતુષ્ટિ આપનારું) કે પોષક જ નહીં પણ, ઇષ્ટત્તમ રક્ષક નામ પણ છે, એ વાત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કરું છું, આપને ગમશે.
આપણે સૌ વાલ્મીકી રામાયણ કે તુલસીદાસજી કૃત શ્રી રામચરિતમાનસ વિશે જાણતા જ હોઈએ એ સહજ છે. (ન જાણતા હોય એમને માટે ઓનલાઈન ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તો, સમય અને અનુકુળતા અનુસાર અહીં આપેલી લિંક પર મુલાકાત લેશો.) પરંતુ, આ બંને સિવાય પણ શ્રી રામ વિશે જાણવાનો એક અનુપમ સ્રોત એટલે ‘શ્રી રામ રક્ષા સ્તોત્ર’
રામ રક્ષા સ્તોત્ર પૂર્વભૂમિકા –
ઋષિ બુધ કૌશિક એટલે કે, બ્રહ્મર્ષિ વિશ્વામિત્રને મહાદેવ દ્વારા સ્વપ્નમાં પ્રેરણા મળવાથી જે અદ્ભુત, અતુલ્ય કૃતિની રચના થઇ એ છે ‘ શ્રી રામ રક્ષા સ્તોત્ર’ આ સથે એક નાનકડી વાત ઉમેરીશ કે, ઋષિ બુધ કૌશિક એટલે ઓનલાઈન ઘણી સાઈટ્સ પર વાલ્મીકી દર્શાવ્યું જે તર્કસંગત લાગતું નથી. વિશ્વામિત્ર ઋષિ બન્યા પહેલા એટલે કે પૂર્વજીવનમાં રાજા કૌશિક હતા. ત્યારબાદ, જીદ વશાત્ જ ભલે પણ કઠોર તપ વડે બ્રહ્મર્ષિ પદ પામ્યા અર્થાત જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેથી જ ‘બુધ કૌશિક’ એટલે કે જ્ઞાની કૌશિક કહેવાયા એમ કહી શકાય.
બીજું, વિશ્વામિત્ર રામાયણનાં ‘બાલ-કાંડ’ માં પણ શ્રી રામનાં અન્યોન્ય પરાક્રમના સાક્ષી રહેલા હોવાથી પણ તેઓ રામ વિશે આ અદ્વિતીય સ્તોત્ર લખે જે સહજ માની શકાય. હા, સહજ જ માનવું પડે કેમકે, આપણે જો નિલ્સ બોહર દ્વારા અણુની સંરચના (the structure of an atom), દિમિત્રી મેન્ડેલીવ દ્વારા સામયિક કોષ્ટક (the periodic table), ડૉ. જેમ્સ વોટ્સન દ્વારા ડીએનએ ની ગૂંચળાકાર સંરચના (the double helix spiral structure of DNA) અને એટલું જ નહીં લેરી પેઈજ દ્વારા GOOGLE ની શોધ પણ સ્વપ્ન પ્રેરિત છે તેમ માની લઇ શકતા હોઈએ તો, આ તો હજારો વર્ષો પહેલા લખીને આપણને સોંપાયેલું છે એટલે સ્વીકારવું જ રહ્યું!!
શ્રી રામ ને માનતા મારા-તમારા જેવા ભાવિકોને પાશ્ચાત્ય વિશ્વ એપ્રૂવ કરે તેવી રાહ જોવાની જરૂર પડતી નથી છતાં, આ તો જેઓ આપણે ત્યાં ઉજ્જૈન ખાતે ખગોળશાસ્ત્રીય વેધશાળાના વડા રહી ચુકેલા શ્રી બ્રહ્મગુપ્ત ને બદલે આઈઝેક ન્યુટન ને ગુરુત્વાકર્ષણના શોધક માને છે એમને આવી સાબિતીઓની જરૂર પડી શકે છે. તા. ક. બ્રહ્મગુપ્ત કોણ હતા અને વિશ્વને ગણિત, ભૌતિકશાસ્ત્ર તેમજ ખગોળશાસ્ત્રમાં શું આપતા ગયા છે એ જાણવા એમનાં દ્વારા લિખિત ‘બ્રહ્મસ્ફૂટસિધ્ધાંત’ વાંચવાની છૂટ!!
તો વિષય પર પાછા ફરીએ?!
હિંદુઓ કહે કે માને એ દરેક વાત પર આશંકા વ્યક્ત કરવાનું ચલણ બનતું જાય છે એવા સમયે શ્રી રામ રક્ષા સ્તોત્ર વિશ્વ માટે એક લેખિત ગેરંટી છે કે રામનું નામ હૃદયનાં ઊંડાણથી, પૂર્ણ શ્રદ્ધા સાથે લેવાય છે ત્યારે ઢાલ બનીને એ નામ લેનારની રક્ષા કરે છે.
શ્રી રામ રક્ષા સ્તોત્રના કેટલાક ખાસ શ્લોક –
(શ્રી રામ રક્ષા સ્તોત્ર શ્લોક – 11)
પાતાલભૂતલવ્યોમચારિણશ્છદ્મચારિણઃ।
ન દ્રષ્ટુમપિ શક્તાસ્તેરક્ષિતં રામનામભિઃ॥
અર્થ –
શ્રી રામચંદ્રજીના નામથી જેને જેને રક્ષા પ્રાપ્ત થઇ હોય, તેને પાતાળમાં, પૃથ્વી પર અને આકાશમાં ફરતા દૈત્યો ,
(હેરાન તો શું કરે?) એ જોવાને પણ સમર્થ થતાં નથી.
(શ્રી રામ રક્ષા સ્તોત્ર શ્લોક – 36)
ભર્જનં ભવબીજાનાં અર્જનં સુખસમ્પદામ્।
તર્જનં યમદૂતાનાં રામ રામેતિ ગર્જનમ્||
અર્થ –
રામ નામનો ઉચ્ચાર કરવો તે સંસારના બીજને ભૂંજી (શેકી) નાખનારો છે એટલે કે જન્મ-મરણના કારણનો
નાશ કરનારો છે. સુખ-રૂપ-સંપત્તિઓને શુદ્ધ કરનારો છે અને યમના દૂતોને તરછોડી નાખનારો છે.
(શ્રી રામ રક્ષા સ્તોત્ર શ્લોક – 22, 23, 24)
રામોદાશરથિઃ શૂરોલક્ષ્મણાનુચરોબલી ।
કાકુત્સ્થઃ પુરુષઃ પૂર્ણઃ કૌસલ્યેયોર રઘૂત્તમઃ||
વેદાન્તવેદ્યોયજ્ઞેશઃ પુરાણપુરુષોત્તમઃ ।
જાનકીવલ્લભઃ શ્રીમાન્અપ્રમેય પરાક્રમ:||
ઇત્યેતાનિ જપન્નિત્યં મદ્ભક્તઃ શ્રદ્ધયાન્વિતઃ ।
અશ્વમેધાધિકં પુણ્યં સમ્પ્રાપ્નોતિ ન સંશય:||
અર્થ –
દશરથ રાજાના શૂરવીર પુત્ર,લક્ષ્મણ જેમની સેવા કરે છે એવા, બળિયા, કાકુત્સથ કુળમાં જન્મેલા, સર્વકામનાથી પૂર્ણ, કૌશલ્યાના પુત્ર, રઘુકુળમાં ઉત્તમ, વેદાંતથી જાણી શકાય તેવા, યજ્ઞોના ઈશ્વર, પુરાણ પુરુષમાં ઉત્તમ (પુરુષોત્તમ), જાનકીજીના પતિ, શોભાયમાન, જેમનું પરાક્રમ જાણી ન શકાય તેવા શ્રી રામચંદ્રજી ભગવાનનાં આટલા નામ, ભક્તે શ્રદ્ધા રાખીને વાંચવાં અથવા તો આ સ્તુતિનો પાઠ કરવાથી તે ભક્ત, અશ્વમેઘ યજ્ઞ કરવાના પુણ્યથી વધારે પુણ્યને પામે છે તેમાં સંદેહ નથી.
પરંતુ, આજકાલ જયારે બધું જ તર્કની એરણ પર ચઢાવીને જોવાનું જરૂરી બનતું જાય છે ત્યારે વિજ્ઞાન પણ આ વાતને તથ્યપૂર્ણ માને છે.
રામ નામ અને ઊર્જા ચક્રો વચ્ચેનો સંબંધ –
રક્ષા કરવી એટલે કોઈ સાથે મારામારી કરવી એટલો છીછરો અર્થ ન કાઢીએ એટલે સમજાય કે રામ રક્ષા સ્તોત્ર આપણા આંતરિક એટલે કે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરી આપણને દુઃખ, પીડા, ભય વગેરેથી બચાવે છે.
શરીરની રચનામાં ચેતા તંત્ર અને તેમાંની નાડીઓ સમગ્ર શરીરમાં ફેલાયેલી છે, જેનાથી આપણે સૌ અવગત છીએ. આ નાડીઓ શરીરમાં વિવિધ ચક્રો સાથે સંકળાયેલ હોય છે. આપણે શરીરને માત્ર ભૌતિક સ્તર પર ન જોતાં, તેનાં સુક્ષ્મ સ્વરૂપને પણ સ્વીકારીએ છીએ ત્યારે નાડીઓ ભૌતિક સ્વરુપ છે અને ચક્રો તેનું આધ્યાત્મિક કે માનસિક સ્વરૂપ છે તેમ સ્વીકારીએ છીએ. ભૌતિક તેમજ સુક્ષ્મ બંને શરીર ઊર્જા થકી જ કામ કરે છે ત્યારે આ ઊર્જા સંતુલિત હોય તો અને તો જ શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
આપણા પૂર્વજો ચક્રોના માધ્યમથી આ ઊર્જાને સંતુલિત કરવાની રીત લખીને ગયા છે. આપણે જાણતા નથી કે જાણવાનો પ્રયત્ન કરતા નથી એ અલગ વાત છે. શરીરનાં સાત ચક્રોની ઊર્જા સંતુલિત કરવા માટે સાત અલગ અલગ બીજ મંત્રો એટલે કે અવાજનાં સ્પંદનો સૂચિત કરવામાં આવ્યા છે.
1. મૂલાધાર ચક્ર માટે – લં/ લામ
2. સ્વાધિષ્ઠાન ચક્ર માટે – વં/ વામ
3. મણિપુર ચક્ર માટે – રં/ રામ
4. અનાહત ચક્ર માટે – યં/ યામ
5. વિશુદ્ધ ચક્ર માટે – હં/ હામ
6. આજ્ઞા ચક્ર માટે – ૐ /ઓમ
7. સહસ્ત્રાર ચક્ર માટે – મૌન / કોઈ અવાજ નહીં માત્ર શ્રવણ
આંતરિક રીતે આપણું શરીર આ સ્પંદનો નોંધીને ગ્રહણ કરી શકતું હોવાથી, અવાજનાં આ સ્પંદનો મન તેમજ મસ્તિષ્કની સંવેદનાઓનું વિસ્તરણ કરવામાં મદદરૂપ બને છે. શરીરનાં અંગોથી મસ્તિષ્ક તરફ અને મસ્તિષ્કથી અંગો તરફ સંદેશાનું વહન કરતી નાડીઓનું નેટવર્ક પેટનાં આગળ તેમજ પાછળનાં ભાગેથી જ પસાર થતું હોવાથી મણિપુર ચક્ર અંગો અને મસ્તિષ્ક બંનેને જોડતી કડી બને છે. એટલું જ નહીં, સુક્ષ્મ સ્તરે શરીરનાં દરેક કોષ વચ્ચે એક અર્ધજાગૃત સંચાર એટલે કે વિજ્ઞાન જેને Subconscious communication કહે છે એ પણ મણિપુર ચક્રની ઊર્જા વડે પ્રભાવિત થાય છે. રામ રક્ષા સ્તોત્રનો વારંવાર પાઠ કરવાથી મણિપુર ચક્રની ઊર્જા જો ક્ષીણ હોય તો તેને સક્રિય કરે છે અને જો તેમાં વધારે ઊર્જા હોય તો તે ચક્રને સંતુલિત કરે છે.
આ તો થઇ જે લોકોને માટે જીવનમાં તર્ક સૌથી ઉપર છે એમને માટેની થોડી વિસ્તૃત જાણકારી.
સ્તોત્રમાં મહાદેવ રામનામ નો મહિમા વર્ણવતા દેવી પાર્વતીને કહે છે કે,
(શ્રી રામ રક્ષા સ્તોત્ર શ્લોક – 38)
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે।
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને॥
અર્થ –
વારંવાર શ્રી રામનું નામ જપતો હું મનોહર રામમાં જ રમું છું.
હે પાર્વતી, એક રામનામ એ (વિષ્ણુનાં) બીજા હજાર નામ તુલ્ય/બરાબર છે.
બાકી, શ્રદ્ધા કોઈ પુરાવાની તાબેદાર નથી જ હોતી. કાં તો એ હોય અથવા ન હોય!! હું અને તમે જો માનીએ છીએ કે શ્રી રામ આપણે માટે સર્વોપરી છે તો છે જ! તેમાં કોઈ શંકાને સ્થાન ન જ હોય. ભક્ત અને ભગવાન વચ્ચે ભાવનાઓનો સેતુ જ હોય, પુરાવા, સાબિતી કે શરતો ન હોય અને પ્રભુ શ્રી રામથી વિશેષ સેતુ તો કોઈએ રચ્યો હોવાનું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી, સાચું ને??
આજનાં રામનવમીના આ પાવન અવસરે સૌને શુભેચ્છા સહ જય શ્રી રામ!!