સારું-ખરાબ, શુદ્ધ-અશુદ્ધ, પાપ-પુણ્ય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ જ રીતે, રામરૂપી પવિત્રતા અને રાવણરૂપી દુષ્ટતા એ પણ એક જ વ્યક્તિનાં મનનાં ભાવો છે.તમે કોને વ્યક્ત થવા દેશો એ તમારા પર નિર્ભર કરે છે.
દુનિયાનાં સમસ્ત દ્વન્દ્વોનું આ છે એક જ કારણ.
અંતરપટલ પર રહે ઊભરતાં કદી રામ કદી રાવણ.
રામ છે ઉજ્જવળ આતમ મારો, કલુષિત કલેવર રાવણ,
દૂષિત કાયા માયાની ને રામ છે એનું ખાંપણ.
જીવનનું સર્વ શિવ(પવિત્ર) છે રામ ને, સર્વે અશુધ્ધિ રાવણ,
વૃત્તિઓનાં વિસ્તરતા તમસનું રામ છે માત્ર નિવારણ.
રામ વરસતા મેઘનું અમૃત, અગન શલાકા રાવણ,
વૃત્તિજન્ય જે અનલ દઝાડે, રામ છે એનું ઠારણ.
માયા અનેરી કુદરત કેરી, થાય જો મનનું શારણ,
એક જ તત્વનાં બંને મુખોટા, તું જ રામ તું રાવણ.
જીવન કેરો સાર દ્વંદ્વ આ, દ્વંદ્વ જ એનું તારણ,
તેથી જ,
અંતરપટલ પર રહે ઊભરતાં કદી રામ કદી રાવણ.
*કલુષિત = મેલું, કલેવર = કાયા, ખાંપણ = કફન, અનલ = અગ્નિ, શારણ = શાર પાડવો, ખોદવું