આપણી અંદર રહેલો પ્રકાશ! પેલું કહે છે ને કે, સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે. બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે, જયારે કે આત્મા એ રામ છે. આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…
હમણાં જ ગયેલી રામનવમી પર શુભકામનાઓનાં માવઠામાં ભીંજાયા બાદ, આ લખવાનું થયું. હું અંગત રીતે અનુભવતી આવી છું કે, આપણે ત્યાં રામને પણ ગાંધીજીની જેમજ સતત underestimate કરવામાં આવ્યા છે. રામની જનસામાન્યમાં ઓળખાણ જોઈએ તો, એ કોઈ યુગ (હવે એ પણ ખબર નથી હોતી કે ક્યા યુગમાં, એ તો ઠીક, પણ કેટલા યુગ છે એ ખબર છે?? અરે, અરે ભાગો નહીં.. કન્ફયુઝ નથી કરતી, Google કરી લેજો જો રસ હોય તો… અહીં તો બીજી જ વાત કરવી છે મારે..) એટલે ફરીથી, રામ એ કોઈ એક યુગમાં થઇ ગયેલા કોઈક રીતે ભગવાન ગણાયેલા એક પુરુષ છે અને ટેલીવિઝનનાં પ્રતાપે લોકો તેમનાં પરિવારથી અવગત છે!! હિન્દુસ્તાનમાં એક મોટા વર્ગમાં તેમને પેઢીઓથી ભગવાન માનવામાં આવતા હોવાથી તેમજ નવી પેઢી પણ તેમને ફોટો કે મંદિરોમાં જોયેલા હોવાને કારણે ભગવાન ગણે છે. તદુપરાંત, રાજકારણીઓની કૃપાથી તેઓ દેશ માટે પણ કોઈકને કોઈક રીતે ‘happening’ રહ્યા છે. ચાહે પછી એ તેમનાં નામે ગૌરવ પ્રદર્શિત કરવાની વાત હોય કે કોઇથી પ્રેરિત અંગત સમસ્યાને મુદ્દો બનાવી રક્તપાત કરવાની વાત હોય, આપણે રામને ક્યાંકને ક્યાંક સાંકળી લઈએ છીએ. થોડી ઉજળી બાજુ દેખાડું તો, આજની પેઢીમાં તેઓ એક પોસ્ટર બોય કે પછી એક એનીમેટેડ પાત્ર તરીકે લોકપ્રિય છે!! (હે રામ!!)
આજનાં વ્યસ્ત જમાનામાં અતિવ્યસ્ત પેરેન્ટ્સ રામની આનાથી વિશેષ ઓળખાણ કરાવી શકતા નથી. હા, થોડાં પ્રોગ્રેસીવ માતા-પિતા તેમનાં બાળકોને રામાયણ વિશેનાં પુસ્તકો ચોક્કસ અપાવે છે. હું તેમનો આભાર માનું છું કેમકે, કોઈ પણ પુસ્તક કદી વેડફાતું નથી પછી ભલે એ વંચાયા વિના જ તમારા ઘરની શોભા કેમ ન બની રહ્યું હોય! તો આ પુસ્તકોના પ્રતાપે લોકો એટલું તો ચોક્કસ જાણે છે કે તે એક રાજા બનવાના હતા, તેમને કોઈ કારણે વનવાસ મળ્યો, તેમની પત્નીનું અપહરણ થયું, તેમને હનુમાન નામનાં મિત્ર મળ્યા (ભક્ત આજે એક બ્રાંડ વેલ્યુ ધરાવતો શબ્દ છે, બહુ પૈસાપાત્ર કે બહુ ગરીબ લોકો જ તે સમજે છે અને પુસ્તકો મધ્યમ-વર્ગીય માતા પિતા જ ખરીદે છે તેમને આ શબ્દ લાગૂ પડતો નથી!) અને છેલ્લે કે , તેમણે દરેક વાર્તામાં બને છે તેમ રાવણ નામનાં વિલનને માર્યો!!
પરંતુ, રામ વિશે જાણવા માટે આટલું પૂરતું છે? એનાથી પણ આગળ હજી બીજો સવાલ એ છે કે શું રામ વિશે જાણવા જેવું ફક્ત આટલું જ છે?
તો રામ એટલે??
તો, શરૂઆતમાં જ રામ એટલે શું નહીં તે પહેલા ચોખવટ કરી દઉં. રામ એ મૃત્યુ સમયે લેવાનું એક નામમાત્ર નથી કે નથી એ પાપ કે દોષમાંથી મુકત કરાવતી ટીવી પર યંત્રરૂપે વેંચાતી કોઈ દવા અને મોટી ઉંમરે માળા ફેરવતા ધ્યાન બીજે ભટકી જતું હોય ત્યારે જાતને ધરાર કાબુમાં રાખવા માટેનો મંત્ર તો એ ચોક્કસ નથી જ!!!
આપણે અહીં શબ્દ ‘રામ’ નાં અર્થ તરફ નહીં જઈએ પરંતુ, એક વ્યક્તિ તરીકે રામ એટલે શું અને તેને આપણી સાથે કેટલી નિસ્બત એ વાત ચોક્કસ કરવી છે. એ વાત તો મારે અને તમારે બંનેએ સ્વીકારવી જ પડે કે, વ્યક્તિ તરીકે તેમનામાં કંઇક તો ચોક્કસ હશે કે જેનાં કારણે આટલા સમય બાદ પણ તેમનો આવો સકારાત્મક પ્રભાવ આજે પણ છે! મારી દ્રષ્ટીએ રામ એટલે એ બધું જ કે જે આજનાં સમાજમાં નથી અને એક વ્યક્તિ તરીકે કે પછી એક જનસમૂહ તરીકે જે આપણા માટે ઓક્સીજન કે સૂર્યપ્રકાશ જેટલું જ અનિવાર્ય છે. અહીં સૌથી પહેલા એ પણ સમજી લેવું જરૂરી છે કે રામ પર વ્યક્તિ તરીકે કોઈ જાતિ કે ધર્મ વિશેષની માલિકી ન હોઈ શકે (બુદ્ધ અને મહાવીર વિશે પણ તે એટલું જ સાચું છે!) કેમકે, તે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગગન વગેરે જેટલા જ શાશ્વત છે.
બહુ થોડામાં કહું તો, સાતત્ય, સાહસ, સહજતા, સૌજન્ય, સૌમ્યતા, સહિષ્ણુતા, ક્ષમતા (-આશા ટકાવી રાખવાની, -હારીને ઉભા થઇ શકવાની, -સારાસારનો ભેદ સમજી શકવાની), સહનશીલતા, સમર્પણ, શ્રદ્ધા, સંતુલન અને ક્ષમા આ બધા જ ગુણોનો એક સંપૂર્ણ સમન્વય એટલે શ્રી રામ!! આટલા ગુણો મારા કે તમારામાં હોય તો આપણા ગયા બાદ લોકો ‘શ્રી’ લગાડવા ચોક્કસ મજબૂર બને જ!!
સમયાંતરે લખાયેલી દરેક રામકથા કે રામાયણમાં આ બધા જ ગુણો તમને દ્રષ્ટાંતો સહીત ફલિત થતા જોવા મળશે જ. દરેક કિસ્સા કે કથામાં તેમનો વ્યક્તિ તરીકેનો વિકાસ, સંઘર્ષ, તેમની નબળાઈઓ તેમજ તેમાંથી બહાર આવી, આગળ વધવાના તેમનાં પ્રયત્નો પરિણામ સહીત જોઈ શકાશે. ( મારો ખ્યાલ છે કે તમે રામાયણ આ સંદર્ભમાં કદી નથી વાંચી… તો શું? હવે કરી જુઓને)
રામે કદી ભગવાનવાળી પૂર્ણતા સાબિત કરી જ નથી પરંતુ, તેમની મનુષ્ય તરીકેની મર્યાદાઓ ( અહીં limitation જ સમજવાનું છે! ચારિત્ર્ય સાથે આ શબ્દને કંઈ જ લાગતું વળગતું નથી) ને સાથે રાખીને તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને “પુરુષોત્તમ” ચોક્કસ બન્યા. એ આપણે પણ ચોક્કસ કરી શકીએ… ફક્ત ‘સ્વીકાર’ એ સૌથી પહેલી અને સૌથી અઘરી શરત છે!!
આજે ગાંધીજી અને રામને નીડર થઈને બૌદ્ધિક હોવાની સાબિતી તરીકે છડેચોક નિર્માલ્ય કહેવાવાળો કે તેમ માનવા છતાં સામાજિક/ધાર્મિક માન્યતા કે ડરને લીધે સ્પષ્ટ રીતે તેનો ઉલ્લેખ ન કરનારો એક બહુ મોટો કુલીન(!) વર્ગ છે. અહીં તમને ચોક્કસ વિચાર આવશે કે રામ સાથે ગાંધીજીને શા માટે આટલો ઉંચો દરજ્જો આપી રહી છું? તો, બહુ જ સહજ કારણ એ છે કે તેમણે રામનાં કેટલાક ગુણો સ્વીકારીને આજીવન તેમનું પાલન કર્યું અને તેનું પરિણામ પણ સ્વીકાર્યું… (ફક્ત એક જ અઠવાડિયું માત્ર ને માત્ર ‘સત્ય’ બોલી બતાવો.. અને ‘ક્ષમા કરવા’ વિશે ઘરના સભ્યોથી જ વિચારવાનું શરુ તો કરો.. ગાંધીજી વિશે પછી જ કંઈ બોલવાનો પ્રયત્ન કરવો વ્યાજબી રહેશે!!)
તો, આ ખાસ વર્ગ જ નહીં પરંતુ, વર્ણ, જાતી કે લિંગનો ભેદ રાખ્યા વિના સમાજનાં દરેક ‘વ્યક્તિ’ને પૂર્ણ ‘રામ’ ન બની શકો તો કંઈ નહીં પરંતુ, એકાદ ગુણ સ્વીકારી તેનું આજીવન પાલન કરવાનો આગ્રહ તો હું કરી જ શકું ને?? (આને ‘સાહસ’ નહીં પરંતુ ‘સૌજન્ય’ ચોક્કસ ગણવું!!)
અને છેલ્લે, શું સમયાંતરે આપણને સાંભળવા મળતા શબ્દ ‘આતમરામ’ નો સ્વીકાર એટલે આ સદ્દગુણો રૂપી રામનું આત્માથી ગ્રહણ એવો કરી શકાય??
વિચારીને કહેજો…