તુલસીદાસજી અનુસાર સમગ્ર વિશ્વનું ‘કરણ’ અને ‘કારણ’ શ્રી રામ છે. જો ચાલક બળ અને તેનું પ્રયોજન ‘રામ’ એટલે કે અગ્નિ જેટલું શુદ્ધ હોય તો, મન હોય કે જગત એ સદા પવિત્ર, તેજસ્વી અને ઉજ્જવળ જ રહે!
રામનવમી, વિશ્વભરનાં હિંદુઓની આસ્થામાં રહેલ એક અસાધારણ રીતે સામાન્ય મનુષ્યરૂપી ભગવાનનો પ્રાગટ્ય દિવસ!
ખુબ લાંબું વાક્ય છે ને? પણ, શ્રી રામનાં પ્રાગટ્ય દિન જેવી વિરાટ ઘટના વર્ણવવા માટે તેનું કદ ઘણું નાનું કહેવાય.
ભારત દેશમાં રામ એ ઉચ્ચ મધ્યમ આય ધરાવતા, શિક્ષિત, નોકરિયાત વર્ગ કે અંગ્રેજી સંસ્કૃતિનાં નેજા હેઠળ મોટા થયેલા લોકો માટે આસ્થા કરતા વધારે રાજકારણ સાથે સંલગ્ન નામ હોવાની શક્યતા વધુ છે. છતાં, મધ્યમ વર્ગનાં, ધાર્મિક મુલ્યો ધરાવતા પરિવારોમાં અને ખાસ કરીને વયસ્ક, વડીલોની હાજરીમાં મોટા થયેલા મારા જેવાં મિડલ એજેડ લોકો માટે રામ શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું ઘણું જ છે… છે ને?
હવે ભગવાન રામ ખરેખર હતા કે માત્ર એક મહાકાવ્યનું પાત્ર જ છે એ ચર્ચા કરવાનો કાળ સમાપ્ત થઇ ગયો છે તેનાથી આપ અવગત જ હશો. (ન હો તો, પ્લીઝ થોડું વાંચવાનું રાખો!) આજકાલ તો એમની જન્મતારીખ, તેમનાં જન્મ સમયે ક્યા ગ્રહ-નક્ષત્રો કઈ રીતે ગોઠવાયેલા હતા એ બધું જ રીસર્ચ બાદ સાબિત થઇ ચુક્યું છે અને એ બધાનું દસ્તાવેજીકરણ પણ કરી નાખવામાં આવ્યું છે. એટલે શ્રી રામનાં હોવા ન હોવા વિશેની શંકા-કુશંકાઓ પર તો જાણે પડદો જ પડી ગયો છે જે સ્હેજ!
આજનો આ લેખ મારે માટે જીવનનાં અલગ અલગ તબક્કે રામની હાજરી અને તેની અભિવ્યક્તિ વિશે ભલે હોય પરંતુ, મને વાંચતા વાચક મિત્રોમાં પોતાનાં બાળકોને હું અહીં જે કહું છું તે પ્રકારની જાણકારી આપવામાં ખરેખર રસ ધરાવતા માતા-પિતાનો એક આખો વર્ગ છે. તો, એમને માટે થોડી માહિતી અને બાકી, આગળ મારી અભિવ્યક્તિ.. ચાલશે ને?
વિષ્ણુ ભગવાનનાં સાતમા અવતાર ગણાતા શ્રી રામ, સૂર્યવંશનાં કુલ ૧૪૩ રાજાઓમાં ૬૨મા રાજા હતા (અહીં ઘણા જ મતભેદ છે ઘણા તેમને ૮૧મા રાજા પણ ગણે છે, કુલ રાજાઓની સંખ્યામાં પણ મતમતાંતર છે). થોડું આગળ જોઈએ તો, સૂર્યવંશ એ કુલ ૧૪ મનુઓમાં ૭મા મનુ વૈવસ્વત મનુનાં પિતા વિવસ્વાન (૧૨ આદિત્યોમાંથી એક – ટૂંકમાં સૂર્ય)દ્વારા સ્થાપિત કરવામાં આવેલો. વૈવસ્વત મનુનાં પુત્ર ઈક્ષ્વાકુ એ પિતા સાથે મળી, કોસલ પ્રદેશમાં સાકેત નગરીની સ્થાપના કરી અને આમ આજની અયોધ્યાનો પાયો નખાયો. આ જ વંશનાં એક વંશજ રાજા રઘુ ના નામ પરથી આગળ જતાં સૂર્યવંશ કે ઈક્ષ્વાકુ વંશ એ રઘુવંશ તરીકે પણ ઓળખાયો. મહાકવિ કાલિદાસનાં ‘રઘુવંશમ’ માં આ રઘુવંશી રાજાઓનું મહિમા મંડન છે.
આ રઘુવંશી રાજાઓમાં માંધાતા, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, દિલીપ, રઘુ, અજ, દશરથ અને રામ જેવાં અતિમાનવ કક્ષાનાં રાજાઓ સમાવિષ્ટ છે. (આ જેટલાં નામો લખેલા છે તેમની દરેકની વિશિષ્ટ ગાથાઓ છે.. એ પણ લાવીશ ધીમે-ધીમે પણ, આજે માત્ર ને માત્ર શ્રી રામ વિશે જ!) ભગવાન શ્રી રામ વિશે દુનિયાને જાણ થઇ મહર્ષિ વાલ્મીકીની રામાયણ દ્વારા. હવે, વાલ્મીકી એક વિદ્વાન મહર્ષિ હોવાને નાતે તેમણે રામ જન્મ વિશે (એ સિવાયની પણ રામાયણની દરેક મોટી ઘટનાઓ વિશે પણ) એ દિવસની ગ્રહ-નક્ષત્રોની ગોઠવણ સહીતનું વર્ણન કર્યું છે. જેના આધારે I-SERVE : Institute of scientific Research on Vedas સંસ્થાની મદદથી NASA એ સંશોધિત કરીને શ્રી રામનાં જન્મની ચોક્કસ તારીખ શોધવામાં સફળતા મેળવી.
અંગ્રેજી કેલેન્ડર અનુસાર એ તારીખ હતી ઈ. સ. પૂર્વે ૧૦મી જાન્યુઆરી ૫૧૧૭! ભારતીય કેલેન્ડર મુજબ એ દિવસ હતો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથી એટલું જ નહીં બપોરે ૧૨ થી ૧ વચ્ચેનો સમય પણ નિર્દેશિત કરવામાં આવ્યો છે. ભારતીય લેખક પુષ્કર ભટનાગર દ્વારા લિખિત પુસ્તક ‘ડેટિંગ ધ એરા ઓફ લોર્ડ રામ’ આ આખી વાતનું લેખિતમાં સમર્થન પણ કરે છે. શિક્ષિત હિંદુઓને ધર્મની વાતમાં તર્કસંગત બનવાની ટેવ છે (અને એ ટેવ ખોટી પણ નથી કેમકે, આપણો ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે) એટલે, આ વૈજ્ઞાનિક પૂરાવાઓ કદાચ આપણી એ બુદ્ધિગમ્ય તૃષા માટે જરૂરી તેમજ પૂરતા પણ થઇ રહેશે. બાકી, જ્યાં લાગણીઓ સીધી સંકળાયેલી હોય ત્યાં તર્ક, વિજ્ઞાન કે ધર્મ કશું જ જરૂરી નથી. મારી જેમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માટે આવું વિચારનારા પણ ઓછા તો નથી જ, ખરું ને?
બહુ નાનપણથી દાદીમા પાસેથી સાંભળેલી પૌરાણિક વાર્તાઓમાં મહાભારત તો બહુ પાછલી ઉંમરે સાંભળ્યું. સૌથી પહેલા જે સુપર હીરો સાથે ઓળખાણ થઇ હતી એ હતા ભગવાન શ્રી રામ! રામ મારે માટે ઉંમરનાં અલગ અલગ તબક્કે અલગ અલગ વ્યક્તિત્વ તરીકે મારા માનસ પટલ પર અંકિત થતા રહ્યા છે. તેમાં વાચ્ય-શ્રાવ્ય વાર્તાઓનો ફાળો તો ખરો જ. પણ, જે વાતે રામને મારા જીવનમાં ગૂંથ્યા, એ હતું અને છે સંગીત!! સવારે ઉઠીએ ત્યારે રેડિયો કે ટેપ-રેકોર્ડર પર વાગતા ગાયનોથી લઈને, રસોડામાં ગાતી મમ્મી દરેકમાં રામ ક્યાંકને ક્યાંક પ્રગટ થતા રહેતા. વધતી ઉંમર સાથે એ ગાયનો સમજાતાં, એ છબી ઊંડે ઉતરતી રહી અને છેવટે તેની વિરાટ છાયા મારી દીકરીનાં હાલરડા સુધી પ્રસરી રહી. આ વાંચી તો ગયા પરંતુ, એ કઈ રીતે બન્યું એ મારી સાથે અનુભવો તો જ તેની મજા છે.
ચાલો મારા જીવનનાં, મારા શ્રી રામ સાથે નાનકડી મુલાકાત કરાવું… કોઈ પણ ઋતુ હોય મારા ગામની સવાર હંમેશા શીતળ, શાંત અને સોહામણી રહી છે. આવી જ કોઈ સુંદર સવારે મમ્મી એ પંખાની સ્વીચ બંધ કરીને જગાડવાનો એક નિષ્ફળ પ્રયત્ન કરી લીધો હોય ત્યારે, આ ભજન આંખ ખોલવામાં મદદ કરતું.. બાળક તરીકે તેનો અર્થ નહોતી સમજી શકી ત્યાં સુધી અહોભાવ નહોતો જ. પણ, આજે મારે માટે એ શું છે એ આપ પણ કદાચ અનુભવી શકો….
राम का गुणगान करिये, राम का गुणगान करिये। राम प्रभु की भद्रता का, सभ्यता का ध्यान धरिये॥
પસાર થતાં સમય સાથે, સ્ત્રી-પુરુષનાં જીવનમાં તેમનાં કાર્યો, તેમનાં અધિકારો, તેમની જવાબદારીઓ આ બધા વિશેનાં ખ્યાલો કે માત્ર ધારણાઓએ મનમાં જગ્યા બનાવવાનું શરુ કર્યું. એ વર્ષોમાં નારીવાદી હોવું એ ગૌરવ ગણાતું હોવાથી, કોઈ જ સમજણ વિના શ્રી રામ અને સીતાજીની સરખામણી કરતા આ ગીતને પોતાની ધારણાઓની પુષ્ટિ કરતું સાધન માની, લાંબો સમય રામનાં મર્યાદા પુરુષોત્તમ હોવા વિશે રોષ અને શંકા પણ રહ્યા છે!
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇને છો ને ભગવાન કેવરાવો,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો!
સોળે શણગાર સજી, મંદિરને દ્વાર તમે ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો!
આ રોષ ઓછો થતાં એટલા જ વર્ષો લાગ્યા કે જેમાં મેં અલગ અલગ સાહિત્ય વડે શ્રી રામનો પરિચય કેળવ્યો. ત્યારબાદ બદલાયેલી લાગણીઓ સાથે ગાયનો પણ ચોક્કસ બદલાયા જ વળી.. જેમાં આ સૌથી આગળ રહ્યું કદાચ..
राम भजन कर मन, ओ मन रे कर तू राम भजन।
सब में राम, राम में है सब, तुलसी के प्रभु, नानक के रब्ब- राम रमईया घट घट वासी, सत्य कबीर बचन॥
રામ સાથે કોઈ પણ પ્રકારનો સીધો સંબંધ ન ધરાવતી અમર કવિ રાવજી પટેલની આ કવિતા ‘રામ-જાણે’ કેમ પણ મને આ લીસ્ટનો જ એક ભાગ લાગી છે! પ્રેમનાં એક અલગ જ સ્તરને પ્રસ્તુત કરતી આજે જટિલ લાગતી સ્થાનિક બોલી (dialect)માં લખાયેલી, આ અદ્ભુત રચનાની માત્ર એક જ લીટીમાં રામ છે પરંતુ એ શ્રેષ્ઠતાનાં સીમાચિન્હ તરીકે, એક સરખામણી તરીકે ત્યાં છે એ સમજતા થોડાં વર્ષો અને ગુજરાતીનાં પ્રોફેસર રહેલા પપ્પાની મદદ બંને લાગ્યા…
તમે રે તિલક રાજા રામનાં અમે વગડાના ચંદન કાષ્ઠ!
તમારી મશેના અમે સોહિયા કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યા, કહોને દખ સાજણ કેવા સહ્યા…
તમે રે તિલક રાજા રામનાં!
તમે રે અક્ષર થઇને ઉકલ્યા, અમે પડતલ મુંઝારા ઝીણી છીપના.
તમારી મશેના અમે સોહિયા કહો ને કહો ને દખ કેવાં પડ્યાં, કહોને સાજણા દખ કેવાં પડ્યાં…
તમે રે તિલક રાજા રામનાં!
અને છેલ્લે એ રચના કે જેણે મને એક મા તરીકે પોષવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો. સોળમી સદીનાં આળેગાળે લખાયેલી, સંસ્કૃત અને અવધીનાં મિશ્રણવાળી, ગોસ્વામી તુલસીદાસજી લિખિત આ આરતી મારી દીકરી માટે રામનામ અને તેનાં પ્રભાવની સૌથી પહેલી ઓળખાણ છે. તેનાં માટે હાલરડા તરીકે આ ગાતી વખતે હું અને એ બંને સમૃદ્ધ બનતા રહ્યા છીએ. આપ પણ પ્રસન્નતાનાં આ ખજાનાનો એક ભાગ લુંટવા ઈચ્છો છો?
श्री रामचन्द्र कृपालु भजुमन हरण भवभय दारुणं । नव कञ्ज लोचन कञ्ज मुख कर कञ्ज पद कञ्जारुणं ॥
कन्दर्प अगणित अमित छवि नव नील नीरद सुन्दरं । पटपीत मानहुँ तडित रुचि शुचि नौमि जनक सुतावरं ॥
આપને આ આખી યાત્રા અનુભવીને મારા જેટલો જ આનંદ થયો હશે એ આશા રાખું છું. શું રામ શબ્દ આપનાં મન, શરીર કે આત્માને શાંતિ તરફ દોરી જતું ચાલક બળ છે??
ગત વર્ષનાં મારા શ્રી રામ વિશેનાં લેખ રામ એટલે? માં કહ્યા મુજબ રામ એ આપણી અંદરનો પ્રકાશ છે.
તો, આપ સદાય પ્રકાશિત, પ્રફુલ્લિત, સ્વસ્થ અને શાંત રહો તેવી કામના સાથે આપ સૌને રામનવમી નિમિત્તે અનેક શુભેચ્છાઓ!
લાગણી સભર, સંગીત મય રજૂઆત. ખૂબ સુંદર.
દિલ ખૂશ થઈ ગયું.
મમ્મી પપ્પા.???
આપ બંને માટે ‘त्वदीयं वस्तु तुभ्यमेव समर्पये!’ ??