હાલ પ્રસંગોની સીઝન પૂરજોશમાં છે ત્યારે, વિવિધ પ્રકારનાં ડિઝાઈનર કપડાં, મેક-અપમાં શોભતાં લોકોની સાથે જાતજાતનાં મેન્યુવાળા ફૂડ કાઉન્ટર પર મહાલતાં બાળકો જોઇને આનંદ થાય પણ, સાથે જ મનમાં એક સહજ પ્રશ્ન પણ ઉપજે કે, શું આ બાળકોને એ કોના પ્રસંગમાં આવ્યા છે કે શા માટે ત્યાં હાજર છે એનો અંદાજ પણ હોતો હશે? કોઈ વ્યક્તિગત અનુભવને કારણે આ પ્રશ્ન નીપજ્યો હોય તેવું નથી પરંતુ, આજકાલ જે જનરલ સિનારિયો છે તેનાથી સંબંધિત કે સ્ફુરિત જ છે. પોતાની સગી ફોઈને ‘મારા પપ્પાની બહેન’ કે મામાને ‘મમ્મીનાં ભાઈ’ તરીકે ઓળખતી એક નવી પેઢી ઉછરી(!) રહી છે. અને એમનાં આ પ્રકારનાં ઉછેરનાં દૂરગામી પરિણામ વિશે વિચારી શકે તેટલો સમય કે ક્ષમતા માતા-પિતા ગુમાવી રહ્યા કે ગુમાવી ચુક્યા હોય તેવું લાગે .
આ લખવાનો આશય કોઈને પણ દોષી ઠેરવવાનો કે પછી તેઓ કેવું જીવી રહ્યા છે તે પોઈન્ટ કરવાનો બિલકુલ જ નથી છતાં, જે આસપાસ દેખાય તેનાં વિશે એક સ્વસ્થ ચર્ચા કરીએ તો, પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી અને કશુંક નવું શીખી શકાય એમ હું માનું છું. આ ‘સોક્રેટીક મેથડ ઓફ લર્નિંગ’ એ કંઈ શીખવા માટેની મારી સૌથી પ્રિય પદ્ધતિ છે.
છેલ્લા દાયકામાં સમાજમાં એટલો બધો બદલાવ આવ્યો છે કે ત્રીસ થી ચાલીસની વયજૂથનાં લોકોમાં રીતસર બે અલગ વર્ગ છુટ્ટા તારવી શકાય તેટલો દેખીતો ફર્ક નોંધી શકાય છે. એક વર્ગ છે જે હજી પોતાનાં માતા-પિતાનાં જીવન વિશેના ખ્યાલોને સમજી, સ્વીકારી અને શક્ય તેટલા અંશે તેને અમલમાં મુકે છે. જયારે બીજો એ જ વયજૂથનો એક નવ-વિકસિત વર્ગ છે જેમને માતા-પિતાનું જીવન, તેમની જીવવાની પદ્ધતિ, તેમનાં વ્યવહારિક ખ્યાલો બધું જ સદંતર ખોટું અને બિનજરૂરી લાગવા માંડ્યું છે અને તેઓ જીવનને પોતાને માટે તેમજ પોતાની આવનારી પેઢીને માટે ફરીથી વ્યાખ્યાયિત કરવાની ઈચ્છા સાથે મચી પડ્યા છે. ‘મચી પડ્યા’ એટલે કહું છું કે તેઓને હજી પૂર્ણ સફળતા મળી શકી નથી કેમકે, તેઓ જે સમાજમાં જીવે છે એ સંપૂણ રીતે આ નાવીન્ય/ આધુનિકતાને ગ્રહણ કરી શક્યો નથી. પણ, મારું અંગત માનવું છે કે, હેતુ વગરની, દિશાહીન મહેનત આપણને કોઈ રીતે ઉપયોગી બનતી નથી. એટલે, મધ્યમ વયનાં આ આધુનિક વર્ગની દિશાહીન મહેનત એમને કે એમના બાળકોને તો કોઈ કામમાં આવતી નથી જ પણ, તેની સાઈડ-ઈફેક્ટ તરીકે એ ધીમે-ધીમે કૌટુંબિક અને સામાજિક માળખાને હચમચાવી ચોક્કસ રહી છે.
વાત થોડી વિસ્તારથી સમજીએ તો, આજકાલનાં વિભક્ત અને નાના કુટુંબોમાં હવે અગાઉની જેમ કાકા, મોટા બાપુ વગેરે કદાચ જ સાથે રહેતા હોય છતાં, દાદા-દાદી તો ચોક્કસ હોવાનાં જ. હવે જોવાની વાત એ છે કે, મોટા ભાગનાં ઘરોમાં એ પણ વધારાનાં સભ્યો કે લગભગ મહેમાન જ ગણાતાં થયા છે, જે ખરેખર અફસોસજનક અને ગંભીર બાબત નથી? અહીં એમાં પણ બે પ્રકારની પરિસ્થિતિની હું અંગત રીતે સાક્ષી છું. એક વડીલોનો એ વર્ગ છે જે હોંશભેર પોતાનાં દીકરા અને તેનાં પરિવાર સાથે રહેવા ઈચ્છે છે, સાથે આવે છે અને એમના મુજબ ગોઠવાઈ જવા સતત પ્રયત્નશીલ રહે છે અને છતાં, આવકાર પામતા નથી કે પછી સાથે રાખવા ફરજીયાત હોય તો, પરિવારનાં સભ્ય તરીકેનું સમ્માન, આત્મીયતા કે હુંફ પામતાં નથી. જયારે કે, બીજો બહુ ઓછો જાણીતો છતાં અસ્તિત્વમાં છે એવો વડીલોનો વર્ગ કે જે કોઈક છુપી અસુરક્ષા, ‘પારકી છોકરી’ સાથે પોતાનાં સંતાન પર પણ અવિશ્વાસ, સમાજમાં બનતા નકારાત્મક કિસ્સાઓને પોતાની સાથે સરખાવતા કે પછી પોતાની આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જવાનાં ખોટાં ભય હેઠળ, દીકરા કે તેનાં પરિવારને પૂરા મનથી સ્વીકારતા જ નથી એટલે મહેમાન તરીકે આવ-જા કર્યા કરે છે. આ પરિસ્થિતિ માટે એમની માનસિકતાની સાથે, સગાં-સંબંધીઓ અને પરિવારનાં બીજા નજીકનાં સભ્યો પણ તેટલા જ જવાબદાર હોય છે. આ બંને પ્રકારની પરિસ્થિતિ આજકાલ અતિસામાન્ય છે ત્યારે આપણે થોડું આગળનું વિચારી જોઈએ તો, જમાના પ્રમાણે ખુબ સહજ અને સગવડદાયક લાગતી આ આખી વ્યવસ્થા જાળવવા માટે જો કોઈ કિંમત ચૂકવે છે તો, એ છે પરિવારનાં બાળકો!! પોતે શું ગુમાવી રહ્યા છે તેનો તાગ ન મેળવી શકતા આજકાલનાં આધુનિક દંપતીઓ કે જે માતા-પિતા પણ છે, તેઓ નુકસાન કેટલું અને કેવડું થશે એ પણ કળી શકતા નથી જ.
પોતાનાં પરિવારમાં સગાં-સંબંધીઓ પાસેથી અપેક્ષિત વ્યવહાર ન મળતાં, મિત્રો કે પાડોશીઓ સાથે વધુ આત્મીય અને નજીકનાં સંબંધો કેળવતા થયા છીએ આપણે ત્યારે, એ ખુબ મહત્વની વાત આપણા ધ્યાન બહાર જ રહી જાય છે કે, આવનારી પેઢીને તમારી સાથેનાં પરિવારનાં સભ્યોનાં સંબંધોનું ગણિત હજી ખબર નથી હોતી અને તેમનાં મનમાં તમે ચાહે વાત દ્વારા કે ચાહે વ્યવહાર દ્વારા જે માહિતી ઠાલવો છો, એ જ એમનું સત્ય બની રહે છે. એટલે જ સગી ફોઈ કે કાકા, મામા, માસી હોવા છતાં, ઘણાં પરિવારોમાં બાળકો પપ્પા કે મમ્મીનાં મિત્રો અને તેમનાં પરિવારોને વધુ નજીકથી ઓળખતાં હોય છે અને તેમની સાથે વિશેષ જોડાણ અનુભવતા હોય છે. અહીં માત્ર માતા-પિતાનો જ દોષ હોય તેવું જરૂરી નથી. ઘણી વખત નજીકનાં સગાં-સંબંધીઓનો વ્યવહાર પણ આ આખી પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે છતાં, સરવાળે નુકસાનની ગણતરી કરવા બેસીએ ત્યારે બાળકો જ સૌથી વધુ ગુમાવતા હોય છે એ સમજાય છે. મારી આ વાત સાથે જે લોકો આવા વાતાવરણમાં ઉછર્યા છે એ કદાચ સહેમત ન થાય પરંતુ, પરિવારમાં પિતરાઈ ભાઈ-બહેનો અને તેમની હાજરીથી મળતાં આનંદ કે પછી ઝઘડાઓ અને ત્યારબાદની સુલેહ, સાથે મળીને કરેલી મસ્તી કે પછી સાથે અંજામ આપેલા કારનામા, આ બધું નાના-મોટાં છતાં ખુબ ઉપયોગી એવા નૈતિકતાનાં પાઠ શીખવે છે. એ સિવાય પરિવારનાં બહુ નજીકનાં સભ્ય પાસેથી મેળવેલ દગો પણ ક્ષમા કરવાની અને કાળજું કઠણ કરી ફરી ઉભા થઇ, આગળ વધવાની જે સમજ અને શક્તિ આપે છે એ કોઈ શૈક્ષણિક સંસ્થા કે ધાર્મિક સંપ્રદાય નથી જ આપી શકતાં, ખરું ને?
પરિવાર સાથે વિતાવેલ સમયની યાદગીરી એ મગજની સ્લેટ પર એવી રીતે અંકિત થતી જાય છે કે, જેનાં પર સમય કે સંજોગોની ધૂળ ચઢી શકે પરંતુ, તેની છાપ મિટાવી શકાતી નથી. આ યાદગીરી એ મોટા થયાં બાદ, જીવનની દોડમાં જીતવા માટે સતત દોડતાં હોઈએ અને થાકીએ કે ઘવાઈ જઈએ ત્યારે મલમનું કામ કરે છે એ આપણે સૌએ ક્યારેકને ક્યારેક તો અનુભવ્યું છે. આ જ પરિસ્થિતિની બીજી બાજુ ચકાસીએ ત્યારે, મન પર અંકિત થતી છાપ સારા અનુભવો જ હોય તે જરૂરી નથી પરંતુ, ઘણાં જીવનભર ન ભૂંસી કે ભૂલી શકાય તેવા નકારાત્મક અનુભવો પણ પરિવારની જ ભેંટ હોય છે. છતાં, જીવનનો અર્થ બધું સુંદર, સારું અને મધુર જ નથી માટે, મધુર હો કે કડવા દરેક અનુભવોની છાપ વ્યક્તિનાં સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બની રહે છે, જે મારો અંગત અભિપ્રાય છે. દરેક ઘર-પરિવાર કદાચ પોતાનાં સગાં-સંબંધીઓથી અળગા નથી રહેતા હોતાં છતાં, આપણે સૌએ આપણે જે કંઈ સારું કે સકારાત્મક મેળવીને મોટા થયા છીએ એ જ વારસો બાળકો માટે જાળવી શકીએ તેનાં માટે સતત અને સખત મહેનત કરવી પડે છે. વાત વાંચવામાં ખુબ સરળ અને સહજ લાગે પરંતુ, આમ કરવામાં ઘણું છોડવું અને ગુમાવવું પણ પડે છે. પરિવાર સાથે સદ્ભાવપૂર્ણ સંબંધો જાળવી રાખવા માટે સતત આપવાની અને કશું જ નહીં માગવાની વૃત્તિ કેળવીએ તો અને તો જ સંબંધો લાંબા ચાલે છે, આ યોગ્ય રીત છે એમ નહીં કહું પરંતુ, આજકાલ સંબંધો આમ જ ચાલે અને ટકે છે એ પણ હકીકત છે.
આપણા આ પ્રયત્નો બાળકો જુએ છે અને ધીમે-ધીમે વિચારતાં થાય છે. જરૂરી નથી કે આપણે જેમને ખુબ નજીકનાં ગણીએ બાળકો પણ એમની સાથે મનથી એટલા જ જોડાયેલા હોય કેમકે, એવું થવા માટે સામે પક્ષે પણ બાળકો માટે એટલો સહજ પ્રેમ કે સદ્ભાવ હોવો એ પૂર્વશરત છે. છતાં, આપણે પારિવારિક રીતે જે લોકો સાથે જોડાયેલા રહીશું, બાળકો કોઈક ને કોઈક રીતે તેમનાથી બંધાયેલા રહેશે જ! કામ લાગે તેવા વ્યાવહારિક સંબંધો કેમ બાંધવા અને ટકાવવા એ લગભગ બધા જાણતા થયા છે આજકાલ જેમાં, પોતાની જરૂરિયાત પ્રમાણે હળવા-ભળવાનું, ફરવા જવાનું, ભેંટ વગેરેની લેવડ-દેવડ વગેરે સામાન્ય હોય છે. આવા સંબંધો વિશે અને આ પ્રકારનાં વ્યવહારોનું ગણિત બાળકો આપણને જોઇને શીખી જ જાય છે. પરંતુ, દરેક સંબંધ આ જ ત્રાજવે ન તોળવાનાં હોય એ સ્પષ્ટતા કરવી એ પણ માતા-પિતાની જવાબદારી છે. અને આ સ્પષ્ટતા બોલીને કે સમજાવીને થઇ શકતી નથી તેના માટે તો, આપણે વર્ષો સુધી તટસ્થભાવે, અપેક્ષા વગર, સૌહાર્દપૂર્ણ સંબંધો નિભાવી બતાવવા પડે છે. કેમકે, જીવન એ ‘ગણિત’ નથી પણ, ‘બાયોલોજી’ છે! અને આ બાયોલોજીનો સૌથી મહત્વનો અને મોટો ગણી શકાય તેવો હિસ્સો મનોવિજ્ઞાન છે. બાળક મોટું થઈને એક સંતુલિત, સમદ્રષ્ટિયુક્ત, સહજ અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે કુટુંબ વ્યવસ્થાનો પાયો મજબૂત હોવો અત્યંત જરૂરી છે. અને કુટુંબ એટલે ગમતાં-અણગમતાં, દરેક પ્રકારનાં “લોકો” જે આપણે અવગણી ન જ શકીએ, બરાબર ને? એક વ્યક્તિ તરીકે મજબૂત મનોબળ અને સંતુલિત મનઃસ્થિતિ એ આંતરિક કે બાહ્ય વિકાસ માટે અનિવાર્ય છે.
દૈહિક અને ઐહિક સંબંધો બનાવવા અને નિભાવવા એ આવડત સમય સાથે માણસ કેળવી શકે છે પરંતુ, જીવન જીવતી વખતે પરિસ્થિતિઓની થપાટ લાગ્યા બાદ, મનને શાતા મળે તેનાં માટે એક પરિવાર હોવો એ બધાને માટે પાયાની જરૂરિયાત છે. બાળકો માટે જીવનમાં કેવા બનવું અને કેવા ન બનવું કે પછી કેવું જીવન ઘડવું કે ન ઘડવું, તેનાં પ્રત્યક્ષ ઉદાહરણો પરિવારમાં જ હાજર હોય છે અને એ ઉદાહરણ એમને કોઈ મોટીવેશનલ સ્પીકર એમને આપે તેનાં કરતાં વધુ સ્પષ્ટ અને પ્રત્યક્ષ જ્ઞાન આપી જતાં હોય છે. બસ, શરત એટલી જ છે કે આપણે માતા-પિતા તરીકે આપણા સગાં-સંબંધીઓને આપણા બાળકોનાં સગાં-સંબંધી પણ રહેવા દેવા પડે છે. સારો કે નરસો કોઈ પણ પ્રકારનો પરિવાર હોવો જરૂરી છે કેમકે, જીવન જીવવાની રીત થી લઈને મજબૂત મનોબળ, ઇચ્છાશક્તિ, વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની હિંમત, માફ કરી શકવાની ક્ષમતા અને લોકો અને પરિસ્થિતિઓ સમજી નિર્ણય લઇ શકવાની આવડત આ બધું જ પારિવારિક સંબંધોનાં ગણિતમાં ઇન્વેસ્ટ કરેલા સમય, લાગણીઓ અને પ્રયત્નોનું વ્યાજ છે. અને જયારે સાથે હોઈએ ત્યારે મળતો આનંદ, ખુશી, સહકાર અને સંતોષ એ તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ!! તો, ભારતીય અને તેમાં પણ ગુજરાતી હોવાને નાતે આપણે આ વ્યાજ જતું ન કરી શકીએ ખરું ને?? ?