આપણે બાળકોને કેળવવાનો મૂળ હેતુ ભૂલી રહ્યા છીએ એટલે જ કદાચ માર્ગ શોધવા પડે છે. જો સ્વીકારી લઈએ કે આપણી કેળવણી એ બાળકોનાં જીવનમાં માત્ર મૂળાક્ષરો જ રહેશે બાકીની ગાથા તેમણે જાતે જ લખવાની થશે તો, એમને શું શીખવવું એ નક્કી કરવાનું સરળ થઇ જશે. બાળકને ભવિષ્ય માટે તૈયાર કરવા એ જવાબદારીનાં બોજા હેઠળ કચડાવાને બદલે તેમને વર્તમાનમાં જીવવા માટે જરૂરી તેવું તમામ જાતે જીવીને શીખવીએ કે પૂરું પાડીએ એ એમના અને આપણા માટે એક સ્વસ્થ, આનંદમય જીવનનાં ઘડતરનો એકમાત્ર ઉકેલ છે, ખરું ને? આપનાં પ્રતિભાવો ચોક્કસ લખી જણાવશો.
તમે પણ કદાચ મારી જેમ નોંધ્યું હશે કે આધુનિક માતા-પિતા, પહેલાનાં માતા-પિતાની સરખામણીએ બાળઉછેર પ્રત્યે વધુ પ્રયત્નશીલ, ઉદ્યમશીલ દેખાય છે. બાળકોનો ઉછેર હોય, તેમણે કરવાની પ્રવૃત્તિઓ હોય કે પછી એમનાં ભવિષ્ય વિશે, દરેક બાબતે આજકાલ માતા-પિતા પાસે યોજનાઓ હોય છે. સરાહનીય વાત છે પણ, કોઈ પણ વાતે ‘અતિ’ થાય ત્યારે વાત વણસે છે.
બાળક જન્મે ત્યારથી જ હવે આ ‘અતિ’ જીવનમાં પ્રવેશતું જોઈ શકાય છે. જન્મતાં વેંત જ બાળકનો ફોટો કે વિડીયો ફરજીયાત બન્યા છે, નવી માતા બનેલી સ્ત્રીને કુલ ૪-૫ કલાકનો પણ આરામ ન મળે ત્યાં તો સગાં-સંબંધી સીધા એમનો જ સંપર્ક કરીને વિડીયો કૉલ દ્વારા બાળક-દર્શન કરાવવાનો આગ્રહ કરતા થયા છે. અને મોટે ભાગે એ સ્વીકારવામાં પણ આવે છે કેમકે, તાળી બે હાથે જ વાગે ને? ત્યારબાદ, બાળક મોટું થતું જાય એમ દરેક મહિનાનો એક ફોટો કે આખું આલ્બમ યથાશક્તિ, છતાં ફરજીયાત!
પછી આવે હાફ બર્થ-ડે (તેમાં અર્ધી કેક ફરજીયાત!? ) આમ કરીને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના હાથમાં અવનવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આવી ગયા હોય. ઈલેક્ટ્રોનિક રમકડાં તો બાળક આમ સ્ટડી કરી, તોડી-ફોડી ફગાવી દે તો જ એ સ્માર્ટ કહેવાય. જમવાનું પીરસો અને યુ-ટ્યુબ વિડીયો ન ચલાવો તો બાળક જમતું જ નથી એવું કહેતી ઘણી માતાઓને આપ અંગત રીતે ઓળખતા હશો. એક વર્ષનું બાળક એને ગમતાં વિડિયો કે કાર્યક્રમો ક્યા એ નક્કી કરી શકે અને જીદ કરી આપની પાસે એ જોવાનો પ્રબંધ કરાવે એ જ આજનું નોર્મલ બાળક કહેવાય છે. મારી આસપાસ આવા અનેક બાળકો અને તેમનાં માતા-પિતા દરરોજ નોટીસ કરી શકું છું. આ અહીં નોંધેલી પ્રવૃત્તિઓ આપને કદાચ વાંધાજનક ન લાગે અને મનમાં તેને સમય, સંજોગો પ્રમાણે યોગ્ય પણ ઠેરવતા હો તો, એક મિનીટ જેટલો વધુ સમય કાઢી તેનાં અનુગામી પરિણામો વિશે પણ વિચારી જુઓ ને મારી સાથે.
બીજા કોઈની વાતને એટલી માનવા યોગ્ય ન ગણી શકતા સુજ્ઞ વાચકો કદાચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની વાતનું વજન માપી અને માની શકે તો, WHO નાં એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ સાવ નાના બાળકોને ક્યારેય પણ કોઈ ઈલેક્ટ્રોનિક સ્ક્રીનનાં સીધા સંપર્કમાં આવવા દેવા એ સુરક્ષિત નથી. આ રીપોર્ટમાં તો થઇ વૈજ્ઞાનિક તથ્યોની વાત. પરંતુ, એ સિવાય પણ બાળકનાં સ્વભાવમાં કે વ્યક્તિત્વમાં જે બદલાવ આવે છે એ આપણને ખબર પણ નથી રહેતી અને બાળક ખુબ એટેન્શન સિકીંગ એટલે કે દરેક પ્રસંગ કે ઘટનાનાં કેન્દ્રસ્થાને પોતાને જ જોતું થઇ જાય છે. અને એમ ન થાય તો તેની માનસિક સ્વસ્થતા પર પણ અસર થતી જોવા મળે છે.
ઘરનાં દરેક વ્યક્તિના જીવનનાં કેન્દ્રમાં પોતાને જોવા ટેવાયેલું બાળક બહાર ભણવા માટે કે રમવા માટે નીકળે ત્યારે પણ પોતાને જ સર્વોપરી ગણવું તેવી અપેક્ષા કરતું થાય છે અને મેં ઘણાં માતા-પિતાને એવું કરાવતાં પણ જોયા છે. એમનાં બાળકને યોગ્યતાને આધારે કોઈ ચેલેન્જ કરે એ બાળક કે માતા-પિતા કોઈનાથી સહજ ગ્રાહ્ય રહેતું નથી. દરેકને પોતાનું બાળક ‘રાજા બેટા’ જ લાગે પરંતુ, બહારની દુનિયા પણ તેને એમ ગણીને જ વ્યવહાર કરશે એવું ન પણ થાય એ બાળકને ઘરેથી જ શીખવવું પડે. લાઇમલાઇટમાં રહેવા કે રાખવાની હોડમાં આ ખુબ મહત્વની વાતની અવગણના થઇ જતી હોય છે અને છેવટે બાળકનાં ન હોવા જોઈએ છતાં વિકસિત થઇ ગયેલ અહંકારને ચોટ પહોંચે છે. આ બાળક આગળ જતાં જીવનની અનેક ઘટનાઓમાં અહંકાર બાજુ પર મૂકી નિર્ણય લેવા પડે એ વાત સમજવા પણ તૈયાર થઇ શકે ખરા?
પછીનો પડાવ છે બાળકની ખાવા-પીવાની આદતો.
પૃથ્વી પર અવતર્યાને એકાદ મહિનો પણ માંડ થયો છે એવા જીવને, પૃથ્વી પર હયાત દરેક જીવથી વિશેષ બુદ્ધિમાન કે બળવાન બનાવવા ઈચ્છતી માતા-પિતાની આ આધુનિક પેઢી અમુક સમયે તો ભાન ભૂલી જતી પ્રત્યક્ષ જોઈ છે મેં. દૂધ પણ ઠીકથી પીવાનું ન શીખી શકેલા બાળકોને સુકા મેવા, કેક, કૂકીઝ જેવો ભારે ખોરાક કે પછી ચીઝ, ચોકલેટ કે પેકેજ્ડ ફૂડ આપતી વખતે એક પણ વખત વિચાર નથી આવતો એમને કે જે વસ્તુઓ મોટા લોકો માટે સ્વાસ્થ્યપ્રદ ગણીએ છીએ એ જ બાળકો માટે સુપાચ્ય કે યોગ્ય ન પણ હોય.
અહીં ખાસ નોંધવું રહ્યું કે આ જ આધુનિક માતાઓના મતે શીરો, લાડુ, લાપસી વગેરે જેવી દેસી મીઠાઈઓ અસ્વાસ્થ્યપ્રદ છે કેમકે એમાં ઘી અને ગળપણ હોય છે! પણ, વિવિધ મીડિયાની અસર અને ખરા શિક્ષણની ગેરહાજરીમાં બાળક નાનપણથી જ ખાવા-પીવાની અયોગ્ય રીતભાતનો શિકાર બને છે. બાળક ફળ આખા ખાય એ કોન્સેપ્ટ જ ધીમે ધીમે નષ્ટ થઇ રહ્યો છે. પાશ્ચાત્ય દુનિયામાં જ્યાં સમય નથી એમનું વગર કારણનું અનુકરણ કરી આપણે ત્યાં પણ બાળકોને ફળોનાં તૈયાર રસ અને મિલ્કશેક આપવાનું ચલણ વિકસી રહ્યું છે. એ તો ઠીક પણ બહુ નાના કે જેમણે શાળાએ જવાની શરૂઆત જ કરી છે એવા બાળકોને લંચ બોક્સમાં પ્રોસેસ્ડ ખોરાક આપવો એ ફેશન બનતી જાય છે. અને અમુક વખતે તો મેગી કે સુકા નાસ્તાનાં પેકેટ્સ જ આપી દેવામાં આવે છે.
બહાર ખાવું આજકાલ સામાન્ય કહેવાય પણ શું ખુબ એસીડીક એવા કેફિન અને કાર્બન ડાયોક્સાઈડયુક્ત પીણાં બાળકોનાં પેટમાં જવા દેવા પણ ફરજીયાત છે? અમુક કિસ્સાઓમાં મારા અમુક અંગત જાણીતાને મેં કહેતા સાંભળ્યા છે કે, ‘અમારા બાળકને તો ફલાણા – ઢીંકણા કોલ્ડ-ડ્રીંક વિના ચાલે જ નહીં!’ બહાર હોટેલોમાં મેનુમાં વાનગી કે કોલ્ડ-ડ્રીન્કસ પસંદ કરવાને પણ સ્ટેટસ સાથે સાંકળતા થયા છે લોકો. ત્યારે સહજ જ વિચાર આવે કે શારીરિક બાંધો વિકસિત કરવાની ઉંમરે જ આવા અયોગ્ય ખોરાકનાં બંધાણી બની જતા બાળકો વ્યાવસાયિક કે અંગત જીવનમાં શારીરિક ઘસારો લઇ કે ખમી શકે ખરા?
આ તો થઇ વાત રોજબરોજનાં જીવનની, આ સિવાય પોતાનાં બાળકને કોઈ અજ્ઞાત હરીફાઈનો હિસ્સો માનતા માતા-પિતા, બાળકોની કાચી ઉંમરે જ ‘તૈયારી જીત કી’ માટે એમને સજ્જ કરવા લાગી પડે છે. અહીં ‘લાગી પડે છે’ શબ્દ બહુ સમજીને જ વાપરું છું કેમકે, દિવસનાં અંતે તેમાંથી ખરેખર કંઈ નીપજે છે કે નહીં એ સમજવા માટે તેઓ એક પળ પણ રોકાતા નથી. સતત મહેનત સારી વાત છે પણ, એ સાચી દિશામાં થાય એ વધુ મહત્વનું છે.
સતત જીતવા માટે જ પ્રેક્ટીસ કરાવી રહેલા માતા-પિતા, સતત જીતવું એ શક્ય જ નથી તેવું સમજી શકે તો જ બાળકોને પણ સમજાવી શકે એ સાચું કે નહીં? શાળાની પરીક્ષામાં ધાર્યા કરતાં બે-પાંચ માર્ક્સ ઓછા આવે એટલી નિષ્ફળતા સહન નહીં કરી શકતા માતા-પિતા, એમના બાળકોને જીવનની મોટી નિષ્ફળતાઓ પચાવતા ક્યાંથી અને કેવી રીતે શીખવી શકતા હશે એ વિચાર માગી લે છે. એક એવી લાંબી સફર છે જીંદગી કે જ્યાં દરેક વખતે ધાર્યું જ થશે કે મનગમતું પરિણામ જ આવશે એ જરૂરી નથી કે શક્ય પણ નથી.
એક સકારાત્મક, સંતોષપ્રદ અને સ્વસ્થ જીવનનાં ઘડતર માટે આ વાસ્તવિકતાથી બાળકોને અવગત કરાવવા ફરજીયાત છે. આ વાત જેમનાં માતા-પિતાએ સમજાવી હોય એ જ કદાચ રૂ. 90 કરોડનું દેવું ચૂકવી ફરી ઉભા થઇ આકાશ આંબવાની હિંમત દાખવી શકે. હા, હું અમિતાભ બચ્ચનની જ વાત કરું છું. એ એક એવું સામાન્ય ઉદાહરણ છે જેમનાં વિશે લગભગ દરેક સાધારણ માણસ જાણતો હોય. એમણે એક ઈન્ટરવ્યુમાં તેમનાં પિતા શ્રી હરિવંશરાય બચ્ચનની એક શીખ વિશે બહુ સરસ વાત કરી છે કે, જીવનમાં ધાર્યું થાય તો સારું પણ, જો ન થાય તો વધુ સારું કેમકે એ જે થઇ રહ્યું હશે એ કોઈ દિવ્ય શક્તિની ઈચ્છા મુજબનું હશે.
બહુ સાધારણ વાત છે, આજકાલનાં સોશિયલ મિડીયાથી પરિચિત એવા લગભગ દરેક વ્યક્તિને આ વાતની જાણ કોઈક ને કોઈક રીતે છે જ. પરંતુ, આ જ વાત સમજી, સ્વીકારી, વર્તનમાં ઉતારી અને બાળકોને શીખવવાની આપણી તૈયારી છે? જો ન હોય તો આપણે એ વિચારવું જ રહ્યું કે, રોજબરોજની વિવિધ સ્પર્ધાઓમાં ખરા ઉતરવાની પ્રેક્ટીસ કરતા બાળકો, માતા-પિતા પાસેથી ધીરજ, નિષ્ફળતા પચાવવાની તાકાત, ફરી ઊભું થઇ આગળ વધવાની હિંમત વગેરે શીખી જીવનની વાસ્તવિક પરીક્ષાઓ માટે તૈયાર થશે ખરા?
અહીં કોઈને દોષી ઠેરવવાનો કે આજકાલ માતા-પિતા કશું કરતા જ નથી એમ કહેવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. ઘણી વખત સારું કરવાની નિયત હોવા છતાં, શું અને કેવી રીતે કરવું તેની સાચી જાણકારી જ નથી હોતી એ પણ એટલું જ સાચું છે. તો, જયારે આપણને ખરું માર્ગદર્શન આપી શકે તેવી કોઈ વ્યક્તિ ન મળે જીવનમાં તો, એવા સમયે પુસ્તકો ભોમિયો બને છે એ મારો અંગત અનુભવ છે. નીચેની સૂચી મારી જેમ કદાચ આપને પણ મદદરૂપ બને તેવી આશા રાખું છું.
૧. મેં સૌથી પહેલા વાંચવાની જ્યાંથી શરૂઆત કરી એ હતો અબ્રાહમ લિંકનનો પત્ર – Abraham Lincoln’s letter to his son’s teacher. ખુબ પ્રખ્યાત છે. એમણે બહુ નાની નાની વાતોનું જીવનમાં મુલ્ય અને તેનાં દ્વારા ચારિત્ર્ય ઘડતર પર ભાર આપ્યો છે. અહીં જે મુલ્યોની વાત છે એ માનવ-જાત, માતા-પિતા અને બાળકો છે ત્યાં સુધી સનાતન રહેવાનાં છે.
૨. સુધા મૂર્તિ એ શિક્ષિત લોકોમાં ખુબ જાણીતું નામ છે. એક સ્ત્રી, માતા અને વ્યક્તિ તરીકે ખુબ ઉમદા એવા સુધા મૂર્તિની વાત આધુનિક માતા-પિતા સહર્ષ અને સહજ રીતે સ્વીકારતા થયા છે એ જોયું છે મેં. એમનો આ પેરેન્ટિંગ ટીપ્સ તરીકે પ્રકાશિત ઈન્ટરવ્યુ વાંચેલો જે ઘણો રસપ્રદ અને તાર્કિક છે. જે આપને પણ વાંચવો ગમશે.
૩. અંગ્રેજી એટલે જ સારું એવું પ્રસ્થાપિત કરવાનો કોઈ ઈરાદો નથી કેમકે, આપણી પાસે પણ બાળકોની કેળવણી અંગે ખુબ અનુભવી એવા પ્રબુદ્ધ લેખકોની કલમે લખાયેલા પુસ્તકો છે. જેમાં શ્રી ઉમાશંકર જોશીનું આ પુસ્તક ‘કેળવણીનો કીમિયો‘ મોખરે છે.
૪. આધુનિક સમયમાં પેરેન્ટિંગ વિશે લખવા-વાંચવાવાળા લોકોની કમી નથી. સાંપ્રત ઉકેલો સાથે ડૉ. રઈશ મણીયારનું આ પુસ્તક ‘બાળઉછેરની બારાખડી‘ પણ ઘરમાં વસાવવા કે નવા બનેલા માતા-પિતાને ભેંટ આપવા યોગ્ય છે.
બાકી, બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે પહેલા વર્તમાનમાં જીવતા શીખવવું પડશે એ તો આપ પણ સહેમત થશો, ખરું ને? અને વર્તમાનમાં જીવવા માટે દુનિયાનાં કોઈ પણ ખૂણે અને કોઈ પણ વર્ગનાં બાળક માટે શીખવાનાં મૂળભૂત મુલ્યો લગભગ સમાન જ રહે છે. માતા-પિતા તરીકે આપણે સફળ એટલે જ સારું એમ નહીં એ હકીકત સ્વીકારી, બાળકોને “સફળ જીવન” માટે તૈયાર કરવાને બદલે એક “સરળ કે સહજ જીવન” માટે તૈયાર કરીએ તો કેવું?
અહીં આપને વિચારતા કરવા એ મૂળ હેતુ છે, બાકી સૌ પોતાની જરૂરિયાત મુજબ અને અનુકુળતા મુજબ બાળકને સાચી દિશામાં કેમ વાળવા એ માર્ગ જાતે જ કાઢી શકે તેટલા સક્ષમ તો હોય છે કેમકે, આખરે માતા-પિતા બનતી વખતે કુદરત આપણને ધીરજ, સંયમ, પ્રેમ, કરુણા, સદ્ભાવ, હિંમત, વિશ્વાસ વગેરે જેવા બુનિયાદી ગુણો જાતે જ બક્ષી દે છે. આપણે બસ તેને મહેનતપૂર્વક કેળવવાનાં જ હોય છે. પછી તો, બાળકોનો વ્યવહાર એ માતા-પિતાનાં વર્તનનો અરીસો છે એ ન્યાયે આપણે સુસજ્જ એટલે આપોઆપ જ બાળક પણ તૈયાર!
આજના માતા પિતા ને ખરેખર વિચારવા જેવું છે .
ખુબ સરસ લેખ…