Looking for Gujarati stories for babies? You’ll love this one. I translated it in English language too.
એક વખત એક જંગલ હતું. આસપાસમાં નાની પહાડીઓ અને ખીણથી ઘેરાયેલું આ જંગલ ખુબ ગાઢ હતું. તેમાં એક નાની નદી પણ વહેતી હતી. આ જંગલમાં એક વરુ રહેતું હતું.
એક સવારે, આ વરુ કોઈ નાના એવા ઝરણામાંથી પાણી પી રહ્યું હતું. અચાનક તેનું ધ્યાન પડ્યું તો, એક સુંદર મજાનું, ગોળ-મટોળ, સફેદ રૂનાં પોલ જેવું ઘેંટાનું બચ્ચું પણ આ જ ઝરણામાં થોડે દૂર, નીચાણવાળા ભાગમાં પાણી પી રહ્યું હતું.ઘેંટાનાં બચ્ચાને જોતાં જ ચાલક વરુ મગજમાં કોઈક યુક્તિ વિચારવા લાગ્યું કે જેથી કરીને એ આ બચ્ચા પર હુમલો કરી અને તેને પોતાનું બપોરનું ભોજન બનાવી શકે.
તેણે જોરથી બૂમ પાડી કહ્યું, “એય ઘેંટાના બચ્ચા! મારું પાણી એંઠું કરવાની તારી હિંમત કેવી રીતે થઇ? શું તું જોતો નથી કે હું અહીં પાણી પી રહ્યો છું.”
બિચારું ઘેટું તો વરુનો આવો ઉંચો અવાજ સાંભળી હેબતાઈ જ ગયું. માફી માંગતા તેણે કહ્યું કે, “તમારી કંઇક ભૂલ થતી હોય એમ લાગે છે, સાહેબ! હું તમારું પાણી કેવી રીતે એંઠું કરી શકું? આમ જુઓ, તમે ત્યાં ઉંચાઈ પર છો અને હું અહીં નીચે, આ પાણી તો તમારી તરફથી વહીને મારી તરફ આવે છે.”
વરુ સમજી ગયું કે, આ ઘેંટાનું બચ્ચું કંઈ એમ જ ભોળવી શકાય તેવું મુર્ખ નથી. હવે, તેણે નવી યુક્તિ વિચારવાનું શરુ કર્યું. વરુને કોઈ પણ પ્રયુક્તિ કરીને ઝગડો કરવો હતો, આમ કરે તો જ આ ઘેંટાને મારી નાખવાનું યોગ્ય કારણ મળે અને એ તેનાં સ્વાદિષ્ટ માંસની જયાફત ઉડાવી શકે.
“તને યાદ છે, હજી એક વર્ષ પહેલા જ તેં મને કેટકેટલી ધમકીઓ આપેલી અને મારે માટે કેટલા અપશબ્દ ઉચ્ચારેલા?” ભોળા બચ્ચાને ડરાવતા વરુ બોલ્યું.
આશ્ચર્ય સાથે મોટી-મોટી આંખો વડે વરુ તરફ તાકતા ઘેંટાનું બચ્ચું બોલ્યું, “એ કેવી રીતે શક્ય બને? હજી એક વર્ષ પહેલા તો મારો જન્મ પણ નહોતો થયો.”
“બકવાસ ના કર મૂર્ખ! વરુએ ત્રાડ પાડી કહ્યું. “શું તું મને મુર્ખ સમજે છે? મને બરાબર યાદ છે, તું કહે છે કે એ તું નહોતો, તો એ સમયે મને અપશબ્દ કહેનાર ચોક્કસ તારા પિતા જ હશે.”
ડરનું માર્યું થર-થર ધ્રુજતું, ઘેંટાનું ભોળું બચ્ચું વિનંતી કરતા બોલ્યું, “ઓહો! તો, તો મારા પિતાનાં આવા ગેરવર્તન બદલ હું દિલગીર છું. બાકી, બહુમાં બહુ તો હું તમારી માફી માંગી શકું, એનાથી વધારે તો અત્યારે હું શું કરું?” ગભરાયેલું, બિચારું નાનકડું બચ્ચું વરુની ચાલમાં બરાબર ફસાઈ ગયું હતું.
વરુએ કહ્યું, “મને લાગે છે કે, તું અને તારા પિતા એક નંબરનાં બદમાશ છો. તમે પહેલા ખોટા કામો કરો છો અને પછી મારા જેવું સજ્જન કંઈ કહે તો, તેની સાથે દલીલો કરી પોતાનો દોષ માનવાને બદલે તેમાંથી છટકવાનો પ્રયાસ કરો છો. મને લાગે છે કે, તારા અને તારા પરિવાર જેવા દુષ્ટોને મારે પાઠ ભણાવવો જ પડશે!”
બિચારું ઘેંટાનું બચ્ચું વરુની આ લવારી સાંભળી દંગ રહી ગયું અને શું થઇ રહ્યું છે એ વિશે કંઈ સમજે એ પહેલા જ ધૂર્ત વરુ તેના પર ઝપટ્યું અને એક જ વારમાં એ નાનકડા ભોળા-ભટાક બચ્ચાનો કોળીયો કરી ગયું…
The End.
I found few more Gujarati stories for Kids in Toronto Public Library.