વૈવાહિક સંબંધોની આવરદા ઘટી છે?

Marriage in trouble image for article in Gujarati by indian writer Swati Joshi

સંબંધોનું ખેતી જેવું છે, ખુબ મહેનત, દરકાર અને જાળવણી માંગી લે છે અને આટલું કર્યા પછી પણ ગમતું પરિણામ લણી શકશો એની કોઈ ખાતરી ન આપી શકે. લગ્નો ભાગ્યથી નક્કી ચોક્કસ થતા હશે પરંતુ,નીભાવવામાં નવ નેજા પાણી ઉતરે એ પણ એટલું જ સાચું છે.

This is a first article in an ongoing series of articles called – With Love, Swati. If you prefer to read it in English, Click Here.

“ભારતીય સમાજ માં સંબંધો, તેની વ્યાખ્યાઓ, તેને નિભાવવાનાં નિયમો વગેરે ખૂબ નાજુક અને સંવેદનશીલ વિષય છે.આજકાલ તકલાદી બનતા જતા સંબંધો આસપાસમાં જ જોઈએ, સાંભળીએ કે અનુભવીએ છીએ.

સંબંધોમાં પણ જો વર્ગીકૃત કરીને લગ્ન વિશે વાત કરીએ તો, નવા લગ્નો કે જૂજ વર્ષોનાં લગ્નજીવનમાં પણ અરસ-પરસ વિશ્વાસ, આધાર કે સહયોગ કેળવવામાં ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં એ સાયુજ્ય ના સ્થાપી શકાયું હોય એવા કિસ્સાઓ અતિ સામાન્ય બન્યા છે. ઘણી વખત સંબંધોમાં વર્તાતા દબાણ કે ખેંચાણને લીધે, વ્યક્તિને એવું લાગવા માંડે છે કે હવે આ મારાથી નહીં જ થાય અને થોડું એ જ દિશામાં આગળ વિચારતા એવું સમજાય છે કે, જો સંબંધમાં બંનેમાંથી કોઈ એક પણ પક્ષ ને ફાયદો ન હોય (અહીં ફાયદો એટલે આનંદ, ખુશી, સદભાવ, પ્રેમ, સુરક્ષા વગેરે ગણી શકાય), તો તેને આગળ ખેંચવાનો કે વેંઢારવાનો કોઈ અર્થ રહેતો નથી અને વ્યક્તિ પછી પૂર્ણવિરામ માટે વિચારવાનું શરૂ કરે છે. પણ, આવા દબાણ કે ખેંચાણના પ્રભાવ હેઠળ લેવાયેલા નિર્ણયો સાચા જ હોય છે? 99% કિસ્સાઓમાં, ના.આપણે કેટલા પણ આગળ કેમ ન વધી જઈએ, મનથી રહેવાના ભારતીય જ! અહીં આપણે ત્યાં,સંબંધોમાં આગળ વધી જવું એ છેલ્લો વિકલ્પ રહેતો હોય છે.

ઘણી વખત વાત ખૂબ નાની હોય છે પરંતુ સ્વભાવગત પ્રતિક્રિયાઓથી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આવા કિસ્સાઓમાં થોડા સમય માટે જો ધીરજ રાખવાનું કેળવી શકાય, તો ચમત્કારિક પરિણામો નીપજે છે. હા, પણ શરત એટલી કે બંને પાત્રો ફક્ત પોતાના માટે ન વિચારી, સાથે જોડાયેલા પાત્રોનો પણ વિચાર કરે તો અને તો જ.

આપણે ત્યાં સંબંધો એ સામાજિક માળખાની ઈંટો છે એટલે બે ઈંટો પણ આમથી તેમ ગોઠવાય તો, માળખું આખું બદલવું પડે જેની આપણી માનસિક કે શારીરિક તૈયારી હોતી નથી.દરેક બદલાવ પોતાની સાથે જવાબદારી લાવે છે અને તેનો નિભાવ ખૂબ શક્તિ અને સમય માગી લે છે. જો આ સમય અને શક્તિ ત્યાં એટલે કે, નવું માળખું બનાવવામાં ખર્ચવાની તૈયારી આપણે બતાવી શકતા હોઈએ તો, જે પહેલેથી જ બનેલું છે તેને જાળવવા માટે પ્રયત્ન તો કરી જ શકીએ.

કોઈ પણ બંધન( જોડાણ) બંને તરફથી સતત ખેંચીએ તો તૂટે જ એટલે, ક્યારેક એક છેડો છોડવો હિતાવહ રહે છે અને જો આપણને આ વાત સમજાતી હોય તો આપણે જ સરળતાથી એ કરી શકીએ, ખરું ને?(દરેક વખતે આપણે જ એવું કરવાનું કે નહીં એ પાછો અલગ ચર્ચાનો વિષય છે.) સમયસર અને ધીરજપૂર્વકના પ્રયત્નો દરેક સંબંધને ખીલવવા માટેનું અકસીર ખાતર છે અને ફળસ્વરૂપે શાંતિ મળશે તેની પણ ગેરંટી… પ્રયત્ન તો કરી જ શકાય ને?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 4 Comments
    1. આ સંબંધ બે વ્યક્તિ વચ્ચે ના તૂટે તો કદાચ તેઓ ને જ નુકસાન થાય છે. પણ જો બાળકો પણ હોય તો તેમના ભવિષ્ય ની ચિંતા કોઈ કરતું નથી. સલાહ કોઈ ને આપી શકાય તેમ નથી. આ વાત બંને વિચારે તો રસ્તો જરૂર નીકળી શકે.

    2. સાચી વાત છે. જ્યાં સુધી સાથે જોડાયેલા લોકો અંગત સ્વાર્થ થી ઉપર ઉઠીને પરિસ્થિતિ નો સામનો કરવાનો કે સમસ્યા નો નિવેડો લાવવાનો નિર્ણય ન લે, ત્યાં સુધી કોઈ સલાહ પણ કામ કરતી નથી.

    3. “ઘણી વખત વાત ખૂબ નાની હોય છે પરંતુ સ્વભાવગત પ્રતિક્રિયાઓથી ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. ”

      બહુ સચોટ વાત કરી છે. બંને પક્ષે સભાનતા પૂર્વક વિચાર કર્યો હોય કે તેઓ જે પ્રતિક્રિયા આપે છે એ સ્વભાવ ગત અતિ તો નથી ને? તો મોટા ભાગ ના પ્રશ્નો પ્રશ્ન રહે જ નહિ.

      અદભુત સ્વાતિ ????

      1. ધન્યવાદ!

        આપે જે કહ્યું તેમ, પ્રતિક્રિયા આપતા પહેલા વિચારવા માટેની સભાનતા બહુ મહેનત પછી જ કેળવી શકાય છે અને સાધારણ રીતે લોકો એટલી મહેનત પોતાને કેળવવામાં નથી કરતા જેટલી બીજાનું મૂલ્યાંકન કરવામાં કરે છે!

        વાંચતા રહો, પરત લખી, મને પ્રોત્સાહિત કરતા રહો…

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal