તમારી લાઈફગાર્ડ જેવી કોઈ કવિતા છે?

07-with-love-featured image

વીતેલી ક્ષણો, અનુભવેલી લાગણીઓ, ઉગતા લોહીની ગરમી કે અનુભવોની કરચલીઓ, આશાનો ઉજાસ કે વેદનાનું અંધારું આ બધાનો સરવાળો કવિતાઓ! માત્ર શબ્દોની ગોઠવણ નથી હોતી કાગળ પર, શબ્દોમાં ધબકતી સંવેદના એટલે કવિતાઓ!

આજે ફરી આપણી સમક્ષ લાવી છું – “વિથ લવ, સ્વાતિ!” નો એક લેખ.

‘જીવવું’, લખવા – વાંચવામાં જેટલું સરળ લાગે, એટલું જ જટિલ કામ છે. દરિયાકિનારાનાં ખડકો જેવું જ કંઇક હોય, સતત અલગ-અલગ ઘટનાઓ, પરિસ્થિતિઓ અને અનુભવોનો માર પડ્યા કરે અને ઘસારો લાગ્યા જ કરે. ઉદાહરણ વાંચવામાં જેટલું સરળ લાગ્યું, કરવામાં એટલું જ મુશ્કેલ છે. રોજ-રોજ આટલો ઘસારો ખમવો એ બહુ હિંમતનું કામ છે. એ હિંમત ભેગી કરવામાં માણસ અંદરથી ખાલી થતો જાય અને ધીમે ધીમે એ જગ્યા થોડી પીડા, થોડી હતાશા કે થોડી હાર વડે ભરાતી જાય. આમ જ ચાલતું રહે તો આપણું મૂળ તત્વ તો ખોવાઈ જ જાય. એટલે જ કદાચ આપણે આજુબાજુમાં લોકોને કહેતા સાંભળીએ છીએ ને, કે “તમે તો બહુ બદલાઈ ગયા” કે “ફલાણા હવે પહેલા જેવા નથી રહ્યા”. આટલું કહીને અટકી જતા હોય તો પણ વાંધો નથી પણ, પાછા ખણખોદ કરતા એવું થવાનાં કારણો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરે, કોઈકને દોષી ઠેરવે અને પાછા સલાહ આપીને જાય એ નફામાં. આ બધાનો કોઈ ઉપાય ખરો?

હા, ઉપરનો આખો ફકરો ઉલટેથી વાંચી જાઓ એટલે સોલ્યુશન સામે જ છે. છેક ઉપર સુધી વાંચી ગયા ને? તો, શું ખબર પડી? સારું, હું જ કહું છું… આપણને મનુષ્ય તરીકે રોજ જે ઘસારો લાગે છે એમાં સૌથી વધુ અસરકારક છે આંતરિક ઘસારો! નૈતિક રીતે મજબૂત હોય એ વર્ગનો માણસ આર્થિક, સામાજિક,કૌટુંબિક આવા બધા ઘસારા ખમી ખાય છે પણ,માનસિક ને ભાવનાત્મક ઘસારાથી એ ધીમે ધીમે તૂટે છે. આ મારું અવલોકન છે, તમારો પોઈન્ટ મને લખવાનું ચૂકશો નહિ. તો, આવા આંતરિક ઘસારામાંથી ઉગરવા કરવાનું શું?

પહેલાનાં સમયમાં વડીલો કોઈક અંશે આ પરિસ્થિતિમાં સાચવી લેતા છતાં પણ એ સમયે પણ જનરેશન ગેપને કારણે સ્વ-બચાવનાં ઉપાય તરીકે સાહિત્ય જ તારણહાર બનતું. અને આમ જુઓ તો, કેટલીક શ્રેષ્ઠત્તમ સાહિત્યિક રચનાઓ આવા ઘસારાઓનું જ પરિણામ હોય છે. તો, એ વાત ત્યારે જેટલી સાચી હતી એટલી જ આજે પણ સત્ય છે. સાહિત્યમાં પણ ખાસ કવિતા એ બૌદ્ધિક છતાં કોમળ-હૃદય,સંવેદનશીલ લોકો માટે સ્વર્ગમાંથી મોકલવામાં આવેલું ઓસડ છે! કવિતા ઈતિહાસ કરતા પણ ઐતિહાસિક છે. કોઈ પણ કાળખંડ વિશે બહુ ટૂંકમાં જાણી લેવું હોય તો, જે-તે સમયની કવિતાઓ જ વાંચી લો એટલે ઘણું બધું સ્પષ્ટ થઇ જશે. તમે ક્યારેય ધાતુને સુવર્ણમાં રૂપાંતરિત કરતા પ્રવાહી વિશે સાંભળ્યું છે? એ છે “Elixir- ઈલિક્સર”!! તો, બસ આમ જ કવિતા પણ આપણા જીવનમાં કંઇક આવો જ રોલ ધરાવે છે. સાધારણ માણસને સાચી દિશા બતાવી કંઇક અદ્ભુત બનાવી શકે છે આ કવિતાઓ.

એ સિવાય, ઘણી વખત મન વડે હારેલું મગજ સુન્ન મારી જાય અને પરિસ્થિતિ કાબુ બહાર જતી લાગે ત્યારે, બાળપણમાં જે કંઈ શીખ્યા હોઈએ એ તરફ એક નજર કરીએ તો રસ્તો નીકળે જ નીકળે એ સ્વાનુભવ થકી કહી રહી છું. અંગત વાત કરું તો, મારે માટે અમુક કવિતાઓ ભગવદ્ ગીતાની ગરજ સારે છે; આમ જુઓ તો, એટલે જ ભગવાનને બહુ હેરાન નથી કરવા પડતા!:)

આજે વાત નીકળી જ છે તો ચાલો તમે પણ જોઈ લો મારી નૌકાનાં સઢ અને હલેસાં!

ગુજરાતી હોઉં અને અમૃત ઘાયલ સાહેબની ચાહક ન હોઉં એ તો, ભારતમાં રહીને હિમાલય વિશે ન જાણતી હોઉં એવું થયું કહેવાય.જે શક્ય જ નથી! ઘાયલ સાહેબની આ કવિતા ક્યાંક છાપામાં વાંચેલી

બસ, ત્યારથી મારી જીવનની ગીતાનો એક અધ્યાય બની ગઈ છે…

“રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાનાં,

થોડાં અમે મૂંઝાઈ મનમાં, મરી જવાનાં?

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાનાં?

દુનિયાથી દિલનાં ચારે છેડાં ભરી જવાનાં.

એક આત્મબળ અમારું, દુઃખ માત્રની દવા છે.

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાનાં.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!

દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાનાં.

અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,

ઈશ્વર સમો ધણી છે, થોડાં મરી જવાનાં?”

મને પર્સનલી બહુ નજીકથી ઓળખતા લોકો મારી સંઘર્ષ ઉછીના લેવાની આદતથી અવગત છે એટલે, હું ઘાયલ સાહેબનો અહીં જાહેરમાં ઋણ સ્વીકાર કરું છું કે, એમની આ આટલી જ પંક્તિઓએ મને હજી સુધી તો ક્યાંય હારવા નથી દીધી!
એ સિવાય ઝઝૂમવા માટે પ્રસંગો પૂરતા મળી રહ્યા અને નહોતા મળતા ત્યાં ઉભા પણ કરી લીધા ત્યારે, એવામાં શૂન્ય પાલનપુરી સાહેબનો પણ એટલો ઘાયલ સાહેબ જેટલો જ ટેકો મળ્યો છે…

“સાત સમંદર તરવા ચાલી,

જયારે કોઈ નાવ અકેલી

ઝંઝા બોલી ખમ્મા-ખમ્મા,

હિંમત બોલી ‘અલ્લા-બેલી’

કોનો સાથ જીવનમાં સારો,

‘શૂન્ય’ તમે પોતે જ વિચારો

મહેનત પાછળ બબ્બે બાહુ,

કિસ્મત પાછળ માત્ર હથેલી!”

એ સિવાય હરિવંશરાય બચ્ચનની ‘पथ की पहचान’ પણ આ જ લીસ્ટનો એક ભાગ છે. ચોથા ધોરણનાં હિન્દીનાં પાઠ્યપુસ્તકમાં છે, મળે તો જરૂર વાંચજો.અને એવું નથી કે ખાલી આપણાં કવિઓ જ જીવનની જડીબુટ્ટી આપી ગયા છે, એક જર્મન-અમેરિકન કવિ હતા ચાર્લ્સ બુકોવ્સકી, એમની ‘The Laughing Heart’ વાંચજો. તમને ફરિયાદ નહીં રહે કે, જુના કવિઓ આધુનિક જીવનને ન સમજી શકે!! આવા તો કેટલાય દેવદૂતો છે જગતમાં.

આ કવિતાઓ એ બધું જ છે જે આપણને માતા-પિતા કે ઘરનાં વડીલો દ્વારા જીવનનાં અલગ-અલગ તબક્કે શીખવવામાં આવે છે. પણ, બની શકે ને કે દરેક પ્રસંગે તેઓ હાજર નહીં હોય કે ઘણી વખત આપણે ક્યાં અટકીએ છીએ એ કહી નહીં શકીએ (ઉંમર વધવાની સાઈડ ઈફેક્ટ!) એવા સંજોગોમાં, આ કવિતાઓ લાઈફગાર્ડ બનીને આવી જાય છે આપણને બચાવવા માટે. સમયાંતરે જરૂરી એવા હિંમત, આશા, બહાદુરી અને આસ્થાનાં ડોઝ આપવા માટે તમારી પાસે આવી કોઈ લાઈફ સેવિંગ કૃતિ હોય તો શેર કરો ને…

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 4 Comments
    1. આ આર્ટીકલ ખૂબ સુંદર, પ્રેરણાદાયી, અને દીવાદાંડીની જેમ પથપ્રદર્શક નિવડે તેવો છે.

      1. સારું વાંચન મિત્રો, વડીલો કે સારા સલાહકારની ગરજ સારે છે. ક્યારેક સમય – સંજોગો વિપરીત વર્તે ત્યારે આ પુસ્તકો કે આવી પ્રેરણાદાયી રચનાઓ સમય સાચવી લે છે અને આપણને સંભાળી લે છે. આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર!
        લખતા રહો, મને પ્રેરિત કરતા રહો..
        સાભાર,
        સ્વાતિ

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal