જૂની કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તો, આ નર્યા એટલે કે સાજા-નરવા રહેવા માટેની મૂળભૂત જરૂરિયાત છે ખોરાક. અને એ પણ માત્ર ખોરાક નહીં પરંતુ પોષણક્ષમ ખોરાક! આપણે જે ખાઈએ છીએ એ આપણા સ્વભાવ, આચાર-વિચાર માં પ્રસ્તુત થાય છે. ભારત એક વિશાળ દેશ તરીકે પોષણના મામલે ક્યાં છે તેની ખુબ સચોટ માહિતી સાથે, કારણોની પણ ખુબ સ્વસ્થ રીતે છણાવટ કરતો આ લેખ વાંચીએ… આ જ મુદ્દે આંકડાઓમાં રસ પડતો હોય તો, ભારતનાં પોષણ-કુપોષણ સંબધિત રીપોર્ટસ આવું કંઇક કહે છે.
આ વિશ્વવ્યાપી બહુઆયામી સમસ્યા અંગે માત્ર આપણા દેશની જ વાત કરીએ તો દેશની 14.5 ટકા વસ્તી કુપોષણથી પીડાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 મુજબ ભૂખમરા વિશેના સર્વેમાં 107 દેશોમાં ભારતનો નંબર 94 છે,જે બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન કરતાં પણ પાછળ છે. અંકોની પળોજણમાં ન પડીએ તો પણ આપણા સમાજનું મીડિયા દર્શન પણ આવું જ કંઈક દર્શાવે છે. આ સમસ્યા માટે કોઇ એક પરિબળ જવાબદાર નથી. આર્થિક ધોરણો મુજબ આપણો સમાજ નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને અમીર વર્ગમાં વહેંચાયેલો છે. જેમાં અમીર – માલેતુજારોની સમસ્યા થોડી અલગ પ્રકારની છે. નિમ્ન મધ્યમ વર્ગમાં કુપોષણ એટલે અલ્પ પોષણ કે અપૂરતું પોષણ કહી શકાય. આ વર્ગનો કૌટુંબિક ઢાંચો દરેક વ્યક્તિને કમાવા મજબૂર કરે છે.
કુટુંબીજનોની સંખ્યા વધુ, શિક્ષણનો અભાવ, અસ્વચ્છતા, અંધશ્રદ્ધા, વ્યસન વગેરે જેવા પરિબળો કુટુંબની દરેક વ્યક્તિને ઓછેવત્તે અંશે કુપોષિત અવસ્થામાં રાખે છે. ઓછી પ્રતિકાર શક્તિ તેમજ અપૂરતું પોષણ તેમની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ વર્ગ માટે રહેઠાણ, વીજળી, પાણી, રાશન વગેરે સરકાર પૂરું પાડે છે. પરંતુ, એ બધું જ તેમના સુધી પહોંચતું નથી આથી, ગંદકી, અસ્વચ્છતા, દૂષિત હવા-પાણી વચ્ચે તેઓ રહે છે. સરકારી શાળાઓમાં તેમના સંતાનો અભ્યાસ કરે તો પુસ્તકો, યુનિફોર્મ, ભોજન ઈત્યાદી પૂરું પાડવામાં આવે છે. આરોગ્યની નિયમિત તપાસ થાય છે પરંતુ, અહીં સવાલ તેમની માનસિકતાનો જ છે.
જેમાં મહિલાઓમાં શિક્ષણનો અભાવ તેઓમાં આરોગ્ય વિશેની જાગૃતિના અભાવ તરીકે પ્રગટ થઇ કુપોષણ માટે જવાબદાર બને છે. ઉપરાંત બાળમજૂરી, અંધશ્રદ્ધા, વ્યસનમાંથી બહાર ન આવવાની તૈયારી જેવી માનસિકતા તેમને કુપોષણ તરફ દોરી જાય છે. નાની વયે માતા બનનાર યુવતીને શરીર વિજ્ઞાન, બાળ ઉછેર તેમજ પોષણ વિશેનું પુરતું જ્ઞાન હોતું નથી. પરિણામે સ્વચ્છતાનો અભાવ, અપૂરતું પોષણ, વધુ પડતો શ્રમ ગર્ભમાં રહેલા બાળકને અલ્પવિકસિત રાખે છે. કારણ કે ઉતરતી ગુણવત્તા ધરાવતા ભોજનને લીધે ગર્ભવતી મહિલાઓમાં વિટામિન, પ્રોટીન વગેરેની ખામી રહી જવા પામે છે.
બાળકના જન્મ પછી સરકારી યોજના મુજબ વિવિધ રસીકરણની સગવડ મળવા છતાં, ઉછેર બાબતે તેઓ એટલા સભાન હોતા નથી એટલે વ્યવસ્થિત અને નિયમિત રસીકરણનો લાભ લઇ શકતા નથી અને આમ બાળકના હાડકાનું બંધારણ નબળું રહે છે. તદુપરાંત, પાચનની સમસ્યા, નબળી આંખો, મંદ-બુદ્ધિ જેવી મુશ્કેલીઓ સાથે બાળકો ઉછરે છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ દરમ્યાન આ બાળકોના સ્વાસ્થ્યની જેટલી ચિંતા સરકાર કરે છે, એ પ્રમાણમાં વાલીઓ તકેદારી કે જવાબદારી લેતા જોવા મળતા નથી. આ રીતે શારીરિક-માનસિક વિકાસ રૂંધાયેલો રહેવાથી બાળક સ્વાભાવિક રીતે જ કુપોષિત રહે છે. વિચરતી જાતિ, પછાત જાતિમાં રહેઠાણ બદલતા રહેતા હોવાથી મોટે ભાગે બાળકો અશિક્ષિત રહે છે. આ વર્ગમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ છે પરિણામે, બાળકોની માંદગી દરમિયાન સારવાર કરવાને બદલે દોરા-ધાગા, ભુવા-ડાકલાનો આશરો લેવામાં આવે છે. કુટુંબમાં બાળકોની સંખ્યા બે થી વધુ હોય ત્યારે, બાળકો નાની વયે મજૂરી કરવા લાગે છે આથી, કુપોષિત, અલ્પવિકસિત બાળકો કુમળી વયે જ વ્યસની બને છે.
આ પરિસ્થિતિમાં પોષણ કરતાં શ્રમ વધી જાય છે અને છેવટે તેઓ નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે હૃદય, ફેફસા, આંતરડાના રોગો નો ભોગ બને છે. આધુનિકતાના પ્રસાર સાથે મોબાઈલ, ટીવીનો ઉપયોગ પણ વ્યસન ની હદે વધી રહ્યો છે. બેરોજગારી સાથે આ બધું જ સીધું જોડાયેલું છે આથી જરૂર છે માનસિકતા બદલવાની!
વ્યાપાર-ધંધા, ખેતી, ઉદ્યોગના વિકાસમાં આ વર્ગનો હિસ્સો ઓછો થાય તો શું પરિણામ આવે તેનો અનુભવ આપણને સૌને હમણાં કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉનમાં થઈ જ ગયો. આથી માત્ર યોજનાઓ જાહેર કરીને સંતોષ માનવાને બદલે દરેક કુટુંબને શુદ્ધ હવા, પાણી, સ્વચ્છ ઘર, પુરતો પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે સરકાર, કંપનીઓ, સ્વૈચ્છિક સંગઠનોએ વ્યવસ્થા કરવી જોઈએ.
ફરજિયાત શિક્ષણ, ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય, માતાઓની સંભાળ સાથે બાળ ઉછેરનું જ્ઞાન તેમજ શરીર વિજ્ઞાનની સમજણ જેવી બાબતોનું સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. નાના કુટુંબને પ્રોત્સાહન આપી, આર્થિક જવાબદારીના વહન બાબતે પતિ-પત્ની, વડીલો, કુટુંબનાં બધા જ સક્ષમ સભ્યોની ભૂમિકા નક્કી કરવી જોઈએ. આપણે દરેક વાતમાં પરદેશીઓનું અનુકરણ કરીએ છીએ ત્યારે, અન્ય શુભચિંતકો એ સૂચવેલા સુધારાનું પણ અનુકરણ કેમ નહીં? જવાબ અનન્ય અને સચોટ છે કે, તેમ કરવા માટે ઇચ્છા શક્તિ જરૂરી છે! આપણે જે વર્ગ વિષે વાત કરી રહ્યા છીએ તેઓ માત્ર મત છાપવાનું મશીન નથી પરંતુ, ગામ, શહેર કે પછી દેશ એમ સમગ્ર વિકાસના હિસ્સેદાર છે એવું માનીને દરેક કાર્ય આ વર્ગના લોકો સુધી પહોંચાડી શકાય તો અને તો જ ખરા અર્થમાં દેશનો વિકાસ થાય.
ફરી ક્યારેક વાત ઉચ્ચ મધ્યમ વર્ગની…
આધુનિક યુગની આપણી આ સામ્પ્રત સમસ્યાનું યોગ્ય મૂલ્યાંકન, અર્થઘટન આ લેખમાં થયું છે.અભિનંદન.
???પ્રોત્સાહન આપવા બદલ ધન્યવાદ.