ગુજરાત સ્થાપના દિવસ – Celebrate Gujarat Foundation Day

gujarat sthapana divas swatisjournal celebrate life

ગુજરાત એટલે એ ધરતી કે જ્યાં આપણે “શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત…” ગાઈને ભગવાનને પણ પ્રેમપૂર્વક પડકારી શકીએ કે, “….તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” આખા નિબંધની ગરજ સારતાં આપણી ધરોહર જેવા દુહા જ આપણું ગુજરાત એટલે શું એ કહી દે છે કે, “નેક, ટેક ને ધરમની, અહીં પાણે પાણે વાત; સંત ને શૂરા નિપજાવતી, અમારી ધરતીની અમીરાત!”

મહાગુજરાત નામની જનની બે મહામૂલા દીકરા જેવા બે અલગ રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત આપે એ દિવસ નાનો તો ન જ કહેવાય .. તો, આ અનોખા દિવસની અનેક શુભકામનાઓ!

આજકાલ સાહિત્ય ક્ષેત્રે ઘણું કામ થાય છે પણ, જુનું એટલું હજી પણ સોનું કે સોનાથી પણ વિશેષ રહ્યું છે… તો, ચાલો થોડું જાણીએ અને માણીએ!

દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર” ઘણાંની આજે ચશ્મા પાછળ રહેલી ઝાંખપ અનુભવતી આંખોમાં ચમક લાવતું નામ રહ્યું હશે તેની ખાતરી છે મને. એમણે ગુજરાતી સાહિત્યને કરેલા પ્રદાનોમાં “માતૃભૂમિ” નામની આ કવ્વાલી પણ છે એ જાણીને સાનંદાશ્ચર્ય થાય.. ( આ રચના કવ્વાલી હોવા વિશે મેં ફક્ત વાંચ્યું જ છે તો જો ખરાઈની જરૂર જણાય તો વડીલો કૃપયા ધ્યાન દોરશો…)

“અમે એ હિંદ માતાના ઉમંગી અભંકો સાચા, અમરને અંતરે જેના વિમળ ઉત્સંગની ઈચ્છા.

હજારે પુણ્ય તીર્થોની, કરોડો કર્મવીરોની; યશસ્વી યેાગીએા કરી પ્રસૂ એ પાવની પૂરી.

નિવારે પાપ પ્રાણીનાં ભૂમિનું તીર્થ કો ન્હાનું, હજારે તીર્થની માતા કરે કલ્યાણ તો કેવું ?

અમારો દેહ એ માટે, અમારા પ્રાણ એ માટે, અમારૂ વિત્ત એ માટે, અમારૂં જ્ઞાન એ માટે.

અમારૂં સ્વર્ગ એ સાચું, અમારી મુક્તિ એ મોંધી, અમારાં પૂર્વ પુણ્યોનું મહા ફળ માત એ મીઠી.

ભલે જાતે અમે જૂદા, ભલે ધર્મે રહ્યા જૂદા, પરંતુ માતને માટે અનેરા ઐક્યથી ઉભા.

સુભાગી એક ઉત્સંગે વસીને એક પય પીયું, મધુરી એક માતાએ વપુ વાત્સલ્યથી પોષ્યું.”

આજની તુકબંધીઓ ને કવિતાઓ ભલે માની લઈએ પણ, કવિતાઓ ખરેખર કેવી હોય એનો પરિચય આપણને આ લાખેણા ગુજરાતી એવા પારસી કવિ ‘અરદેશર ફેરમજી ખબરદાર‘ ની “ગુણવંતી ગુજરાત” ચોક્કસ કરાવશે…

“ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત!

નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!

મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ!

માત મીઠી તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ!

અમારી ગુણવંતી ગુજરાત!

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ!

રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ! અમારી ગુણવંતી ગુજરાત!

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત!

જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત!

અમારી ગુણવંતી ગુજરાત!

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય; દેશ-વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય!

અમારી ગુણવંતી ગુજરાત!

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર; પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત !

રમે અમ ઉર! અમારી ગુણવંતી ગુજરાત!

હિન્દુ મુસલમિન પારસી સર્વે માત! અમે તુજ બાળ; અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ!

અમારી ગુણવંતી ગુજરાત!

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર! એક સ્વરે સૌ ગગન ગજવતો કરીએ જય જયકાર!

અમારી ગુણવંતી ગુજરાત! નમીએ નમીએ માત!

અમારી ગુણવંતી ગુજરાત! ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત! નમીએ નમીએ માત! અમારી ગુણવંતી ગુજરાત!”

આ જુસ્સો હૃદયમાં ધારણ કરી શકીએ તો જીવનપર્યંત એકબીજાને શબ્દોથી શુભેચ્છાઓ આપવી જરૂરી નહીં રહે…

આજકાલની પેઢીને ફક્ત ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકોમાં જ વાંચવા મળતું એક નામ છે કવિ, વિવેચક, સંસ્મરણ લેખક અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખનો હોદ્દો શોભાવી ચુકેલા જયંત હિંમતલાલ પાઠક. એમની ગુજરાત માટેની આ લાગણીસભર રચના “ઓ મારી ગુજરાત!” આપણી કવિતા એટલે અઘરું લખાણ જ હોય એ માન્યતાનું ખંડન કરવા માટે પુરતી છે.

“ ઓ મારી ગુજરાત! ઓ વ્હાલી ગુજરાત!

ઓ મારી ગુજરાત!

મા તારું ઉપવન અણમૂલ

અમો મા એ ઉપવનના ફૂલ

સમય આવતાં વજ્ર બનીશું,

સાચવશું ના જાત!

ઓ મારી ગુજરાત!

આશ્રય આવે બાળ પરાયા

તારા ના કદી થાન સુકાયા

ઉદાર દિલ જે દેવા બેઠી

તેને નિજ પર શી પંચાત?

ઓ મારી ગુજરાત!

તારો અંક ખુંદી તે આગળ

આજ ખૂંદે ધરતીની ભાગળ

તે ક્યમ ભૂલે તારી નદીનાં

નીર તણી તાકાત?

ઓ મારી ગુજરાત!

જીવવું તારું કામ કરીને

મરવું તારું નામ સ્મરીને

તારે અંકે ઊગો મા મારા

નવજીવનનું પહેલું પ્રભાત.

ઓ મારી ગુજરાત!

કવિતા જેટલી સરસ, તેટલી જ સરળ છે ને? મા સાથે મનની વાત કરતા હોય તેટલી સહજતાથી એમણે પોતાની લાગણી રજૂ કરી છે. જમીન માટે આ પ્રેમ અંદરથી ઉગે તો જ કામનું…

આ જુસ્સો હૃદયમાં ધારણ કરી શકીએ તો જીવનપર્યંત એકબીજાને શબ્દોથી શુભેચ્છાઓ આપવી જરૂરી નહીં રહે…

આજનાં આ ખાસ દિવસે અનેક જાણીતા કવિઓ કે લેખકોની રચનાઓ નજર સામેથી પસાર થઇ જ હશે તેમ માનીને આ ઓછી નજરે ચડતી રચનાઓનો અહીં પરિચય આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ, જયારે કવિઓ અને કવિતાઓની વાત થતી હોય ત્યાં મહાકવિ ન્હાનાલાલ તેમજ તેમના અને આપણા સૌના “ધન્ય પુણ્ય પ્રદેશ” ને અવગણી ન જ શકીએ ને?

“ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ

કૃષ્ણચન્દ્રની કૌમુદી ઊજળો કીધ પ્રભુએ ય સ્વદેશ અમારો ગુણિયલ ગુર્જર

દેશ સ્થળેસ્થળ નવપલ્લવના પુંજ નદી ને તળાવ કેરી કુંજ કોમળી કવિતા સમ સુરસાળ સિન્ધુ જ્યાં દે મોતીના થાળ જગજૂનાં નિજ ગીત ગર્જતો ફરતો સાગર આજ કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ ગિરિગિરિ શિખરશિખર સોહન્ત મન્દિરે ધ્વજ ને સન્ત મહન્ત

ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ ચોળી ચણિયો પાટલીનો ઘેર સેંથલે સાળુની સોનલ સેર છેડલે આચ્છાદી ઉરભાવ લલિત લજ્જાનો વદન જમાવ અંગ આખે યે નિજ અલબેલ સાળુમાં ઢાંકતી રૂપની વેલ રાણકતનયા ભાવશોભના સુન્દરતાનો શું છોડ આર્ય સુન્દરી નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ ભાલ કુમકુમ કરકંકણ સાર કન્થનાં સજ્યાં તેજશણગાર

ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ દેશ

નિજ તજી ધર્મને કાજ સાગરે ઝુકાવ્યું સફરી જહાજ ધર્મવીર પારસીનો સત્કાર જગત ઈતિહાસે અનુપ ઉદાર ઈસ્લામી યાત્રાળુનું આ મક્કાનું મુખદ્વાર હિન્દુ મુસલમિન પારસીઓને અહિયાં તીરથદ્વાર પ્રભુ છે એક ભૂમિ છે એક પિતા છે એક માત છે એક આપણે એકની પ્રજા અનેક ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ”

માતૃભૂમિને માન, સમ્માન આપવું એ આપણી ફરજ વિશે હોવા કરતાં આપણા સંસ્કાર વિશે વધુ છે.. કોઈએ મા ને માન આપતાં શીખવવું પડે તે આ જગતમાં કદાચ સૌથી નિમ્ન ગણી શકાય તેવા કાર્યોમાંથી એક હશે. એટલે આપણે ગુજરાત ને સમ્માનિત કરવાનાં ભાવ સાથે ગુજરાતીને આદર આપી શકીએ તો કંઈ ઓછું નહીં ગણાય…

સારું વાંચીએ, તેનો પ્રસાર કરીએ, બાળકોને એ વારસામાં આપીએ એ આપણી મૂળભૂત ફરજનો એક ભાગ છે. તો, આપ સૌ સુજ્ઞ વાચકોને ફરીથી એકવાર “ગુજરાત દિવસ”ની હાર્દિક શુભકામનાઓ!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 6 Comments
    1. એક સાથે માત્રુ્ભાષા માં મનગમતી રચનાઓ વાચવા મળી
      તે બદલ ધન્યવાદ.
      અંગ્રેજી માધ્યમ માં ભણતા બાળકો આનાથી વંચિત જ રહે છે.
      એ અફસોસ ની વાત છે.

      1. આપને ગમ્યું અને આપે મને પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર!

        મોટે ભાગે માતા-પિતા જાગૃત હોય તો, બાળકો આ આનંદથી વંચિત રહેતા નથી. બાકી, સમયાનુસાર શોખ, રસ, રૂચી બદલતું રહે છે. જે સહજ છે.

      1. ખુબ ખુબ આભાર આટલા સુંદર, લાગણીસભર પ્રતિભાવ બદલ! આપ આપનાં જેવા જ સુજ્ઞ વાચકો સાથે આ ચોક્કસ શેયર કરશો જી…

        આમ જ પરત લખી પ્રોત્સાહિત કરતા રહો તેવી કામના! ?

    2. દરેક રાજ્ય ની પોતાની એક આગવી સોડમ હોય છે. એવી ગુજરાત ની તમામ સોડમ એક પછી એક તમારી આગવી લેખન શૈલી દ્વારા ગુજરાત ના અને ગુજરાતી વાંચી અને સમજી શકે એવા વિશાળ વાચક વર્ગ સુધી પહોંચાડો એવી અપેક્ષા અનુચિત નથી. ગુજરાતે દેશ વિદેશ ને શું શું આપ્યું છે એની અને ગુજરાતી હોવું એટલે શું એવા અસ્તિત્વ ની સભાનતા તમારા જેવી કદાચ છેલ્લી પેઢી ના લેખક ને લેખિકાઓ જ લાવી શકશે. ખૂબ સરસ લખ્યું છે ગુજરાત દિવસ નિમિત્તે. અભિનંદન સહ આભાર. ગુજરાત ની તમામ પેઢીઓ તરફ થી પણ ધન્યવાદ.

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal