શ્રી કૃષ્ણ – એક સર્વોત્તમ નાયક – Celebrate Janmnashtami

shree krishna gujarati article swatisjournal

ॐ નમો ભગવતે વાસુદેવાય| આ દ્વાદશાક્ષર મંત્ર (કે જેમાં બાર અક્ષરો છે તે) મુક્તિ મંત્ર તરીકે પણ ઓળખાય છે. તેને મોક્ષ પ્રાપ્તિ માટેનું પ્રમુખ સૂત્ર પણ કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે, ‘હું વાસુદેવ કૃષ્ણ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારું છું.’ અને ભગવાન કૃષ્ણ તેમનાં દરેક ભક્તને હૈયાધારણ આપે છે કે, જે કોઈ પણ તેમનું સ્મરણ કરશે તેઓ સદૈવ તેની સાથે ઉભા રહેશે.

Read about Shree Krishna this Janmashtami. Prefer to read in English? Click Here.

આપણે ભગવાન વિષ્ણુનાં સૌથી વિલક્ષણ અવતાર, ચોક્કસ કહીએ તો વિષ્ણુનાં આઠમા અવતાર શ્રી કૃષ્ણનાં પૃથ્વી પર અવતરિત થવાનાં દિવસને કૃષ્ણ જન્માષ્ટમી કે ગોકુળાષ્ટમી તરીકે ઉજવીએ છીએ.

આપણે શ્રી કૃષ્ણને સમજીએ તે પહેલા ભગવાન વિષ્ણુ વિશે જાણવું જરૂરી છે. ઋગ્વેદ અનુસાર ભગવાન વિષ્ણુ એ એક ‘સનાતન પુરુષ’ છે. તેઓ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓના દરેક સર્જનનું સંચાલન સરળતાથી થાય તે એમની જવાબદારી છે. ભગવાન વિષ્ણુનું સાર્વત્રિક સ્વરૂપ ‘વિશ્વરૂપ’ તરીકે ઓળખાય છે. તેમનું આ શાશ્વત રૂપ જીવનનાં દરેક સ્વરૂપમાં સાક્ષાત પ્રગટ જોવા મળે છે. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુ ત્રણે લોકનાં સર્જક છે, જેમાં બ્રહ્માજીએ તેમને મદદ કરી હતી તેમજ તેઓ પૃથ્વીના પાલક તથા તારણહાર પણ ગણાય છે. એ સાવ સહજ છે કે, સાધારણ દ્રષ્ટિકોણ અને જ્ઞાન ધરાવતો કોઈ માણસ ઈશ્વરનાં દૈવી કાર્યો તેમજ તેની પાછળના કારણોને ન સમજી શકે.એટલે, સામાન્ય લોકો અમુક સ્તર સુધી આ વાત સમજી શકે તે હેતુ સાથે ભગવાન વિષ્ણુ વિવિધ અવતાર ધારણ કરે છે તેવી પ્રકલ્પનાનું સર્જન થયું. જેમાં તેઓ વિષ્ણુ પ્રાદુર્ભાવની વિભાવના હેઠળ દુષ્ટતાનો નાશ કરવા માટે પૃથ્વી પર જન્મ લઇ અવતરિત થાય છે. ભગવાન વિષ્ણુએ ઘણા અવતાર ધર્યા છે જેમાંથી આપણા ઋષીઓએ ‘ગરુડ પુરાણ’ માં ‘દશાવતાર’ હેઠળ તેમનાં દસ અવતારોનું વર્ણન કર્યું છે. (શ્રીમદ્ ભાગવત પુરાણમાં તેમનાં ૨૪ અવતારોનું વર્ણન છે.)

0005 Article 2 Krishna image 01

આ બધા અવતારોમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ અને ભગવાન નરસિંહ ને વિષ્ણુનાં ‘પૂર્ણ અવતાર’ ગણવામાં આવ્યા છે, જેમાં તેમને ભગવાન બનાવતા તમામ છ ગુણો સમાવિષ્ટ થતા હોવાનું માનવામાં આવે છે. ‘ભગ’ તરીકે ઓળખાતા આ ગુણો છે સદ્દગુણ, યશ, ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય તેમજ વૈભવ! બીજા અવતારોને ‘અંશાવતાર’ ગણવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુ જન્મ ચોક્કસ લે છે પરંતુ, તેઓ આંશિકરૂપે પ્રગટ થાય છે. મત્સ્ય, વરાહ, કુર્મ વગેરે અંશાવતાર છે જેમાં ભગવાન વિષ્ણુ જે-તે પ્રાણીનાં સ્વરૂપમાં આંશિક રીતે પ્રગટ થતા જોવા મળે છે.

0004 Article 2 Krishna image 02

હવે ભગવાન વિષ્ણુ શા માટે શ્રી કૃષ્ણ તરીકે અવતર્યા તે જાણવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે કે જ્યાં દક્ષ પ્રજાપતિની એક પુત્રી દિતિ, એ કશ્યપ ઋષિની તેર પત્નીઓમાંથી એક હોય છે. દિતિનાં પુત્રો ‘દૈત્યો’ કે ‘અસુર’ કહેવાયા. જેમાંથી ‘હિરણ્યાક્ષ’ અને ‘હિરણ્યકશિપુ’ મુખ્ય હતા (તેઓ ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય અને વિજય હતા જે સનકાદિ ઋષિઓ દ્વારા શ્રાપિત હોવાને લીધે દૈત્ય તરીકે પુનર્જન્મ પામ્યા હતા.) બંને ભાઈઓ અત્યંત આસુરી વૃત્તિનાં હતા તેમજ તેમણે કઠોર તપસ્યા વડે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરી અપાર શક્તિઓ પ્રાપ્ત કરી હતી. બંને ભાઈઓમાં હિરણ્યાક્ષ ખૂબ જ ઘાતકી હતો તેનો આતંક એટલે પણ વધારે હતો કે તે પોતાનો આકાર, કદ અને સ્વરૂપ ઈચ્છા મુજબ બદલી શકવા સમર્થ હતો. તેનો ત્રાસ એટલો વધ્યો કે એક વખત તેણે પૃથ્વીને મૂળમાંથી ઉખેડી અને સમુદ્રનાં તળિયે છુપાવી દીધી. તેણે દેવલોકમાં અમરાવતી નગરી (દેવતાઓની નગરી) પર હુમલો કરી તેમને તથા પૃથ્વી પર રહેતા મનુષ્યોની સતામણી અને વિનાશ કરવાનું ચાલુ રાખ્યું હોવાથી સર્વે લોકોમાં હાહાકાર મચી જાય છે. બધા સાથે મળીને આ રાક્ષસના ત્રાસમાંથી ઉગારવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે ત્યારે, ભગવાન વિષ્ણુ ‘વરાહ’ અવતાર ધારણ કરે છે અને એક હજાર વર્ષનાં ભીષણ યુદ્ધ બાદ વરાહ સ્વરૂપે રહેલા વિષ્ણુ હિરણ્યાક્ષનો નાશ કરી, ત્રણે લોકોનું રક્ષણ કરે છે!

હવે આવે છે હિરણ્યાક્ષનો પુત્ર કાલનેમી! તારકમય સંગ્રામ તરીકે ઓળખાતા એક દેવાસુર સંગ્રામ દરમિયાન ભગવાન વિષ્ણુના હાથે કાલનેમીનો નાશ થાય છે. હવે, માન્યતા એવી છે કે સ્વર્ગમાં માર્યા ગયેલા દૈત્યો અધોગતિ પામી પૃથ્વી પર કોઈ સ્વરૂપ લઇ જન્મે છે (હવે સમજ્યા આજુબાજુમાં કે પરિવારમાં અમુક લોકો અમુક-તમુક લક્ષણો ધરાવતા કેમ જોવા મળે છે? :)) એટલે પોતાનાં કર્મો અનુસાર કાલનેમી મથુરાના દુષ્ટ અને ક્રૂર રાજા કંસ તરીકે પુનર્જન્મ પામે છે. તે પોતાની આસુરી શક્તિઓ વડે પૃથ્વી અને તેના લોકોને ખુબ પીડા આપે છે. જેના પરિણામે પૃથ્વીને આ અસુરની પ્રતાડનામાંથી મુક્ત કરવા તેમજ ફરીથી ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ એક માનવ સ્વરૂપે જન્મે એ જરૂરી બને છે. આમ, આ શ્રી કૃષ્ણ જન્મનો મુખ્ય હેતુ માનવામાં આવે છે.

0003 Article 2 Krishna image 03

આપણામાંથી મોટાભાગનાં લોકોએ ભગવાન શ્રી કૃષ્ણનાં જીવન વિશે ચમત્કારિક વાર્તાઓ કે ગાથાઓ સાંભળી કે વાંચી જ હશે. તો, અહીં આપણે તેની ચર્ચા નથી કરતા. તેને બદલે અહીં આપણે વાત કરવી છે એમના એ ગુણોની કે જે તેમને આપણા વિશ્વનાં સર્વોત્તમ નાયક બનાવે છે.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનાં અવતાર હોવા છતાં ઘણી રીતે અલગ અને અનન્ય છે. ભારત દેશમાં આધુનિક સમયના એ સૌથી પ્રિય દેવતાઓમાંથી એક છે. તેઓને કોઈ પણ પ્રકારનાં જાતી, વય, સામાજિક કે આર્થિક બંધનોનાં ભેદભાવ વિના લગભગ દરેક વર્ગના લોકો દ્વારા ચાહવામાં આવ્યા છે, પૂજવામાં આવ્યા છે, અનુસરવામાં આવ્યા છે તેમજ સંતાન, મિત્ર, સાથી કે જીવનસાથી તરીકે તેમની કામના કરવામાં આવે છે.

એમનું જીવન-કથન એટલું ઉદાહરણીય છે કે, આપણા પોતાના જીવનનાં કોઈક ને કોઈક પ્રસંગે આપણે જાતને તેમની સાથે સાંકળી શકીએ છીએ. ભગવાનના બીજા કોઈ પણ અવતારની સરખામણીમાં શ્રી કૃષ્ણ સૌથી વધુ માનવીય ગુણો ધરાવતો અવતાર ગણી શકાય. તેમણે મનુષ્ય માતા-પિતાને ત્યાં જન્મ લીધો, બાળક થી લઈને યુવક અને છેવટે એક પૂર્ણ પુરુષ એમ તબક્કાવાર કોઈ સામાન્ય મનુષ્યની જેમ મોટા થયા જેમાં તેમણે આપણે અનુભવીએ એ દરેક લાગણીઓ અનુભવી. એક સામાન્ય માણસની જેમ જ તેઓ બધા કૌશલ્યો શીખી, તેનો અભ્યાસ કરી આગળ વધ્યા જેને લીધે સાધારણ માણસ તેમને પોતાનાથી સહજ રીતે જોડી શકે છે. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનું બહુઆયામી મૂર્ત સ્વરૂપ છે!

0002 Article 2 Krishna image 04

તેમના અસ્તિત્વનો વ્યાપ એટલો વિશાળ છે કે, આપણામાંથી દરેક તેમના હોવા વિશેની કલ્પના પોતાના વિશિષ્ટ દ્રષ્ટિકોણ સાથે કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આપણા દરેકનાં પોતાના એક આગવા કૃષ્ણ હોઈ શકે છે. તેમણે જીવન શક્યતાઓનો એક અગાધ સમુદ્ર હોવાનું સાબિત કર્યું છે. તેમનું જીવન આપણા માટે એક સંદેશ છે કે જે આપણને સમજાવે છે કે આપણે મનુષ્ય તરીકે ઈચ્છીએ તો શું-શું બની શકીએ! એક તોફાની બાળકથી એક સાહસિક યુવક, એક ઉત્કટ પ્રેમી, એક કલાકાર, એક ઘડાયેલ રાજકારણી, એક નિર્ભીક યોધ્ધા, એક બાહોશ સલાહકાર, એક ચતુર વિષ્ટિકાર, એક સ્વપ્નદ્રષ્ટા રાજા અને આમ જો ગણ્યા જ કરીએ તો આ સુચિ લંબાયા જ કરે. તેઓ આધુનિક સમાજ માટે એક રોલ મોડેલ કે આદર્શ છે તેનું કારણ એ છે કે અગાઉ કહ્યું તેમ સમાજનો સાધારણમાં સાધારણ મનુષ્ય આ ‘માનવીય ગુણ ધરાવતા ભગવાન’ સાથે પોતાને સહજ રીતે સાંકળી શકે છે. તેને શ્રી કૃષ્ણ તરીકે ન જોવા ઈચ્છતા હો તો, તે તમારો કાનુડો, કાનો, શ્યામ, રણછોડ કે દ્વારિકાધીશ પણ બની જાય છે. તેમજ એ સહજ રીતે પોતાના લાગે તેનું એક કારણ એ પણ કે, તેઓ એક સારો પુત્ર, મિત્ર, આપણા માટે મોક્ષદાતા હોવા છતાં, તેમનામાં પણ ખામીઓ છે. એમણે ભૂલો કરી છે, તેમનામાં આ ‘માનવીય’ લક્ષણો છે!! આપણે જયારે કોઈ એક પક્ષ તરફથી તેમના કાર્યો કે નિર્ણયોને મૂલવીએ ત્યારે એ યોગ્ય કે સાચા લાગે છે સાથે તે જ સમયે એ સામેના પક્ષ માટે અયોગ્ય કે ખોટા ઠરે છે!

જીવનમાં અનેક ભૂમિકાઓ જીવી અને એ ભૂમિકાઓના તમામ પાસાઓ વડે આપણને રોજીંદા જીવનનાં સબક શીખવતા શ્રી કૃષ્ણ એક પ્રેરણામૂર્તિ છે. એટલે જ બધા પૂર્ણ અવતારોમાં કૃષ્ણ સૌથી વધુ જાત સાથે જોડી શકાય તેવું સ્વરૂપ છે. એક સરેરાશ વ્યક્તિ કૃષ્ણના કાર્યો સાથે સરળતાથી સંકળાઈ શકે છે.

અંગત રીતે મારું માનવું છે કે, જો ભગવદ્ ગીતા આ કૃષ્ણાવતારનો ભાગ ન હોત તો, આપણે આ અસાધારણ વ્યક્તિત્વને માત્ર એક મનુષ્ય ગણવાની ભૂલ કરી લીધી હોત. તેમણે ગીતારૂપી શાશ્વત શિક્ષા દ્વારા પોતાના નારાયણરૂપ કે વિશ્વરૂપ તરીકેની સર્વોપરિતાની સાબિતી આપી છે.

ભક્તો હંમેશા શ્રી કૃષ્ણએ તેમના જીવન દ્વારા જે પણ સ્વરૂપોનો પરિચય કરાવ્યો છે તેને પૂજી શકશે પરંતુ, કૃષ્ણનું અસ્તિત્વ તેનાથી ઘણું ઉપર છે. તેઓ સાતત્ય અને નીતિનો અનુપમ પ્રકાશ છે!! આજનાં સમયમાં તેઓ તેમની દિવ્યતાને આધારે જ પ્રમુખ દેવોમાં સ્થાન નથી પામ્યા પરંતુ, તેઓ પૂજનીય બન્યા છે તેમની આગવી, આધુનિક અને ભવિષ્યવાદી વિચારધારા ને લીધે! જીવન જીવવાની પદ્ધતિઓ, જીવનના વિરોધાભાસનો સ્વીકાર તેમજ જીવનનો અર્થ અને હેતુ શોધવાની પ્રવીધિઓ જેવા વિષયો પરના તેમનાં વિચાર તેમના સમયથી ઘણા આગળ અને નૂતન રહ્યા છે.

મનુષ્ય તરીકે શ્રી કૃષ્ણએ આપણને ‘જળકમળવત્ત’ રહી જીવતા શીખવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન અનેક એવા પ્રસંગો આવ્યા જ્યાં તેઓ પોતાની તમામ ક્ષમતાઓ અને શક્તિ વડે વિવિધ કસોટીઓ પર ખરા ઉતર્યા છે અને જેના થકી તેઓએ આપણને કેવી રીતે જીવનનાં બંધનોની વ્યથા વચ્ચે પણ શાંતિ અને સુખ અનુભવી શકાય છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી કૃષ્ણએ આપણને શરીર અને આત્માને અલગ-અલગ છતાં સહઅસ્તિત્વમાં જોતા શીખવ્યું છે.

0001 Article 2 Krishna image 05

કૃષ્ણ એક એવું માધ્યમ છે જે આપણને સમજાવે છે કે, દિવ્યતાને આપણે સૌ પોતપોતાની સમજદારીના સ્તર અનુસાર ગ્રહણ કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર કૃષ્ણનો સ્વીકાર કે તેમને ગ્રહણ કરી શકે છે. તેમની આ વિશિષ્ટતા શ્રી કૃષ્ણને દરેક વ્યક્તિ માટે અનન્ય ઈશ્વર તરીકે સ્થાપિત કરે છે. એટલે જ જે કૃષ્ણ કોઈ ભક્તજન માટે ‘બાલગોપાલ’ છે એ જ દ્વારિકાના રાજા પણ છે, દ્રૌપદીના સખા બનેલ કૃષ્ણ જ રુકમણી અને સત્યભામાનાં પ્રેમાળ પતિ છે, જે રાધા માટે એક ઋજુ-હૃદય પ્રેમી છે તે જ કૃષ્ણ ક્રૂર કંસ અને બીજા રાક્ષસોનો કાળ પણ છે, અર્જુન માટે વિદ્વાન માર્ગદર્શક અને સલાહકાર બનતા ભગવદ્ સ્વરૂપ કૃષ્ણ જ વિદુરજી ના ઘરે એક સ્નેહલ, સરળ મહેમાન બને છે જે ભાવવિભોર વિદુર-પત્ની દ્વારા આપવામાં આવતી કેળાની છાલ પણ પ્રેમથી આરોગે છે!!

કૃષ્ણ અગાધ પ્રેમ, શક્તિ, શાણપણ, હિંમત, શૌર્ય, સંવેદનશીલતા, ઋજુતા, સદ્દગુણ અને દિવ્યતાનું મૂર્ત રૂપ છે જેને મેળવવા કે પોતાના બનાવવા માટે એકમાત્ર શરત છે…

શરણાગતિ!!

આપણે એક વખત પોતાને હરિશરણ ધરી દઈએ અને જાતને આ અને પછીની કોઈ પણ જીંદગી માટે તેમને સોંપી દઈએ તો કૃષ્ણ આપણને જેવા છીએ તેવા ગુણ-અવગુણથી યુક્ત જ સ્વીકારી લેવાનું વચન આપે છે. તેમનાં કાર્યો અને વિચારધારા એ વાતની સાબિતી છે કે તેઓ સમયથી પહેલા પણ હતા, અત્યારે પણ આપણી સાથે છે અને સમયના અંત બાદ પણ તેઓ આપણી સહાય અર્થે આપણી સાથે જ રહેશે.

હું અહીં અગણિત ઉદાહરણ આપી શકું તેમ છું કે શા માટે શ્રી કૃષ્ણ આધુનિક સમયનાં સૌથી લોકપ્રિય અવતાર છે. પરંતુ, તેઓએ આપણને બધાને કૃષ્ણની મનગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ આપી છે તો ચાલો, આ ઈશ્વરીય સર્વોપરીતાને સ્વીકારી આપણે સૌ ભગવાનનાં આ ભૌતિક દુનિયામાં પ્રવેશની તિથી ઉલ્લાસભેર ઉજવીએ.

જય શ્રી કૃષ્ણ!

image credits – dwarkadheeshvastu.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 8 Comments
    1. માત્ર કર્મકાંડ થી ક્રષ્ણ ને ભજતા લોકો માટે આ વાત સમજવી જરૂરી છે. કર્મ તો ભગવાન ને પણ કરવા પડે છે માત્ર ભજન કરવા પૂરતું નથી. તે ક્રષ્ણ જ સમજાવે છે.
      મનનીય લેખ. અભિનંદન.

    2. શ્રીકૃષ્ણ બ્રહ્માંડનની જેમ વર્ણન કે વ્યાખ્યામાં સમાવી ન શકાય એવું વિરાટ તત્વ છે.બ્રહ્માંડની લીલાઓની જેમ જ શ્રીકૃષ્ણની જીવનલીલાઓ બ્રહ્માંડની જ અમાપ લીલાઓનું પ્રતીક કહી શકાય.ભગવદ ગીતા એ માનસશાસ્ત્રનો પણ અદભુત ગ્રંથ કહી શકાય.જીવન જીવવાની કલા નો પણ સંપૂર્ણ ગ્રંથ કહી શકાય.ખેદની વાત છે કે તેમના જીવનમાંથી લોકો પોતાને ગમતી અને સરળ લાગતી વાતોનો જ અમલ કરે છે.ઘણું લખી શકાય તેમ છે.

      1. તદ્દન સાચો નિષ્કર્ષ. સાધારણ માણસથી લઈને બુદ્ધિજીવીઓ દરેકને આકર્ષતું વ્યક્તિત્વ એટલે શ્રી કૃષ્ણ. એટલે જ દરેક પોતાની સમજ મુજબ તેમને ઢાળે, અનુસરે કે પૂજે.

        આપ આમ જ લખતા રહો.
        ધન્યવાદ! ?

    3. બહુજ સુંદર લેખ શ્રી કૃષ્ણ આટલા વિગત ને સહજ રીતે પહેલી વાર જોવા મળ્યા
      જય શ્રી કૃષ્ણ

      મારે શ્રી કૃષ્ણ ના નામ તેના મહત્વ સાથે જાણવા છે તમારી પાસે વિગત હોય તો આપવા વિનંતી

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal