શિક્ષક એટલે ગુરુ .. શબ્દ જાતે જ પોતાની મહત્તા દર્શાવે છે. આપણે ત્યાં દ્રોણાચાર્ય, બુદ્ધ, ચાણક્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સાવિત્રીબાઈ ફૂલે, મદન મોહન માલવિયા, બાલ ગંગાધર તિલક, રવીન્દ્રનાથ ઠાકુર, ગિજુભાઈ બધેકા, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, સુધા મૂર્તિ .. આમ આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા નામ છે જેમને આખું ભારત એક શિક્ષક તરીકે ગૌરવપૂર્ણ રીતે ઓળખે છે અને તેમનાં જીવનને ઉદાહરણીય ગણે છે.
આ બધામાં એવું શું છે જે એમને શિક્ષક તરીકે અસાધારણ બનાવે છે? એ છે એમનું જ્ઞાન, ધીરજ, સાંભળીને સમજવાની તૈયારી, અનુકુલન સાધવાની ક્ષમતા, માનવતા, કરુણા, સદ્ભાવ અને તેમનો સમર્પણભાવ. આ એ જ બધા ગુણ છે જે આપણને મનુષ્ય તરીકે ઉત્કૃષ્ટ બનાવે છે અને જયારે તેમાં જ્ઞાનનો ઉજાસ ભળે એટલે બને છે એક શ્રેષ્ઠ શિક્ષક!
આજનાં સંદર્ભે પણ આ એટલું જ સાચું હોવા છતાં નવા ઉદાહરણોની કમી ચોક્કસ વર્તાય છે ત્યારે આજનાં આ લેખમાં મારે વાત કરવી છે એવા શિક્ષકની જેમણે શિક્ષણને એક નવો અર્થ, એક નવી ઉંચાઈ આપી છે. મનુષ્ય હોવાની અનુભૂતિ જાળવી રાખી એમણે એમનાં શિક્ષક તરીકેના પદને અનોખી ગરિમા બક્ષી છે. અને એના શિરપાવ તરીકે તેઓ વૈશ્વિક સન્માનનાં અધિકારી બન્યા છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એ માનીએ કે ન માનીએ પરંતુ આજનું સત્ય છે.
દેશનાં ખૂણે-ખાંચરે પોતાનાં જીવન ખર્ચી નાખતા અનેક ગુમનામ શિક્ષકોને આ ભાવાંજલિ છે. દરેકને પોતાનાં કાર્ય કે યોગદાન બદલ નામના મળે એ કદાચ શક્ય નથી પરંતુ, શિક્ષક તરીકેની પ્રામાણિક કર્તવ્યનિષ્ઠા એમને સમાજ કરતાં મુઠ્ઠી ઊંચેરા માનવી જરૂર બનાવે છે.
આવા મુઠ્ઠી ઊંચેરા, શિક્ષણ સાથે સંકળાયેલ મહામાનવો ને પુરસ્કૃત કરે છે ‘વારકી ફાઉન્ડેશન‘. તેમનાં દ્વારા આપવામાં આવતો પુરસ્કાર એટલે શિક્ષકો માટે નોબેલ પુરસ્કાર સમકક્ષ ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ‘ જેમાં વિજેતા શિક્ષકને તેઓનાં અદ્વિતીય પ્રદાન બદલ વાર્ષિક 1 મિલિયન યુએસ ડોલર આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં સમાચાર સમાચારપત્રોમાં કે ટીવી ચેનલોમાં જોયા પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ. કેમકે, આ બધા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો સામાન્યતઃ પશ્ચિમી રાષ્ટ્રોમાં અપાતા કે સ્વીકારાતા હોય છે. પરંતુ, 2019 માં આ પુરસ્કાર જીતનાર એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું. એ નામ હતું પીટર તાબિચી, કેન્યાના એક દૂરનાં, ગરીબીથી ગ્રસ્ત ગામના આ શિક્ષક, પીટર તાબિચીને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ માટેનાં ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને 1 મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા.
પીટર તાબિચીને વધુ અદકેરું સ્થાન આપ્યું તેમનાં જીત્યા પછીનાં કાર્ય એ!! તેઓએ પોતાની ઇનામની સમગ્ર રકમ શિક્ષણનાં વિકાસ માટે દાન કરી દીધી. એ પહેલાથી પણ તેઓ પોતાનો 80% માસિક પગાર દાન કરી જ રહ્યા છે. એમનાં કહેવા મુજબ, “આફ્રિકા વૈજ્ઞાનિકો, ઇજનેરો, ઉદ્યોગસાહસિકો ઉત્પન્ન કરશે જેમનાં નામ વિશ્વના દરેક ખૂણામાં એક દિવસ પ્રખ્યાત થશે. અને દીકરીઓ આ કહાનીનો મોટો ભાગ બનશે.”
એક આફ્રિકન વ્યક્તિ આ વૈશ્વિક પુરસ્કાર જીતે છે એ જાણીને એક એશિયન તરીકે ખુબ આનંદ થયેલ પણ, વાત હજી અહીં જ પૂરી નહોતી થવાની. ગત વર્ષે ૩ ડિસેમ્બર 2020 ના ફરી એક વખત ગ્લોબલ ટીચર પ્રાઈઝ જાહેર થાય છે અને જીતનાર શિક્ષકનું નામ સાંભળી આશ્ચર્ય, આનંદ, ઉત્સાહ અને ગર્વ સઘળી લાગણીઓ એકસાથે મનમાં ઘર કરી લે છે. એ નામ હતું રણજીતસિંહ ડીસલે!
રણજીતસિંહ ડીસલે, એક મહારાષ્ટ્રીયન ગ્રામીણ પ્રાથમિક શિક્ષક કે જે જાણીતા છે એમનાં પુસ્તકોમાં QR કોડ ઉમેરવા સહિતનાં નવીન શૈક્ષિણક પ્રયોગો માટે. જેના દ્વારા વિદ્યાર્થીઓ ઓડિયો કવિતાઓ, વિડીયો પ્રવચનો, સબમીશન અને વાર્તાઓની લિંક્સ મેળવી શકે એવું શક્ય બન્યું. એટલું જ નહીં, પાઠ્યપુસ્તકોમાં QR કોડનો સમાવેશ કરવાનો તેમનો વિચાર રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા અપનાવવામાં આવ્યો. જેમ એક વધી રહેલું વૃક્ષ ફાયદા બાબતે તેનાં પર વસતા પશુ-પક્ષીઓ સુધી સીમિત ન રહેતા, રાહદારીઓ તેમજ આશ્રિતોને પણ લાભ પહોંચાડે છે એ જ રીતે એક શિક્ષક માત્ર તેનાં વર્ગખંડ પુરતો જ સીમિત ન રહેતા સમગ્ર સમાજ માટે સકારાત્મક બદલાવ લાવવા માટે મદદરૂપ બને છે. આ જ ન્યાયે રણજીતસિંહ પણ તેમના ગામમાં, બાળવિવાહ દૂર કરવા અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે અભિયાન ચલાવી બદલાવની દિશામાં ક્રિયારત છે.
ડીસલે કહે છે કે, “શિક્ષકો એ વાસ્તવિક પરિવર્તનનાં નિર્માતા છે, જે ચોક અને પડકારોના મિશ્રણથી તેમના વિદ્યાર્થીઓનું જીવન બદલી રહ્યા છે.”
જાણીતા બ્રિટીશ ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ કહે છે કે, “કોઈ પણ માણસ ત્યાં સુધી સારો શિક્ષક બની શકતો નથી, જ્યાં સુધી તેને તેના વિદ્યાર્થીઓ પ્રત્યે હુંફ કે મમતાની લાગણી ન હોય, તેમજ જ્ઞાન આપી દેવાની એક શુદ્ધ ઉત્કંઠાને જે મુલ્યવાન માને છે એ જ ખરો શિક્ષક બની શકે છે.”
એમના અનુસાર શ્રેષ્ઠ શિક્ષકો માત્ર પૈસા માટે વ્યવસાય નથી અપનાવતા પરંતુ, તેઓ પોતાનાં યોગદાન વડે સમાજમાં કે આખી વ્યવસ્થામાં એક તફાવત લાવવા માંગે છે. શિક્ષણ ઘણી વખત એક નિરાશાજનક રોજગાર વર્તાય છે છતાં, એ જ સૌથી વધુ સંતોષકારક વ્યવસાય નીવડે છે એ પણ એટલું જ સત્ય છે. જે લોકોનો જન્મ શીખવવા માટે જ થયો છે તેઓ કોઈ યથાર્થ ઉદ્દેશ્ય માટે જ શીખવે છે અને એ ઉદ્દેશ્ય જ એમને એક સાધારણ માણસમાંથી એક અસાધારણ શિક્ષક બનાવે છે!
આપ જો એક શિક્ષક છો તો, આપનાથી વિશેષ આ વાત કોઈ જ ન સમજી શકે, ખરું ને?
તો, આ ‘શિક્ષક દિને’ એવા દરેક અસાધારણ મહામાનવ ને અભિનંદન તેમજ પ્રણામ!