પંચતંત્રની આ વાર્તા આપણને શીખવે છે કે, એક જ કુટુંબમાં રહેતા સભ્યો જયારે અહંકાર વડે દોરાઈ, અરસપરસ ઝઘડે છે ત્યારે, આખા કુટંબને અસર થાય છે. કુટુંબમાં થતા આંતરિક ઝઘડાઓ સમગ્ર કુટુંબને નુકસાન પહોંચાડે છે. આપણે આપણી એક આંગળી કાપીએ તો, આખા હાથને નુકસાન થાય છે કે નહીં? અહીં, બે માથાવાળું પક્ષી એ અહંકાર અને મતભેદનું પ્રતિક છે એટલે જ, જો કુટુંબમાં એકતા જાળવવી હોય તો મતભેદ રાખવાને બદલે, સમાન વિચારો કેળવી સંપ રાખવો જોઈએ!
As a kid, I loved panchatantra stories! Enjoy reading it in English Language too.
એક વખત, નદીનાં કિનારે એક ખુબ જ મોટું વડનું ઝાડ હતું. આ ઝાડ પર બહુ વિચિત્ર પણ અનોખું એવું એક પક્ષી રહેતું હતું. આ પક્ષીને બે માથા હતા. આ અનોખા પક્ષીને બે માથા હોવા છતાં, તેને પેટ એક જ હતું.
કહેવાય ને વિચિત્ર?
એક દિવસ આ પક્ષી બસ એમ જ આકાશમાં ઉંચે આમતેમ ઉડી રહ્યું હતું ત્યારે, તેને નીચે નદીનાં કિનારા પર કંઇક ચમકતી, લાલ ચીજ દેખાઈ. પક્ષી સરરર કરતું ત્વરાથી નીચે ઉતર્યું અને તેણે એ ચમકતી ચીજ ચાંચ વડે ઉઠાવી લીધી. એ લાલ વસ્તુ તો એક ફળ હતું. પક્ષીએ આ પહેલા ક્યારેય આવું સુંદર ફળ જોયું ન હતું. તે તો એ ફળ ખાવા લાગ્યું. અહહાહા! ફળ તો જાણે સ્વર્ગથી ઉતર્યું હોય એવું સ્વાદિષ્ટ! પક્ષીએ તો આ પહેલા ક્યારેય આટલું સ્વાદિષ્ટ ફળ ખાધું જ નહોતું.
બીજા માથાએ આ જોયું. તેણે એ ફળનો એક ટુકડો આપવા પહેલા માથાને કહ્યું. તે બોલ્યું, “તું એ એકલા કેવી રીતે ખાઈ શકે? એ સારી વાત ના કહેવાય. હું તારું સાથીદાર છું. તું એ સ્વાદિષ્ટ ફળ મારી સાથે વહેંચીને કેમ નથી ખાઈ રહ્યું? મને પણ થોડું આપ ને!”
પહેલા માથાએ જવાબ દેતાં કહ્યું, “ચુપ થઇ જા! આટલી ફરિયાદ કેમ કરે છે? મને ખબર છે તું મારું જોડીદાર છે પણ, શું તું જાણતું નથી કે આપણે માથા ભલે ને બે હોઈએ પણ, પેટ તો એક જ છે. આપણામાંથી કોઈ પણ ખાય પણ જશે તો આપણા જ પેટમાં ને એટલે, ફળ કોણ ખાય એ મહત્વનું નથી? આ ઉપરાંત, એ ફળ મને મળ્યું હતું એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે.”
આ સાંભળીને, બીજા માથાને ખુબ ખરાબ લાગ્યું. તેણે એ સમયે તો કંઈ ન કહ્યું પરંતુ, પહેલા માથાનું આવું લોભી વર્તન જોઈ તેને મનમાં તો ખુબ ગુસ્સો આવ્યો.
આ વાતને ઘણા દિવસો થઇ ગયા. એમાં એક દિવસ પક્ષી આકાશમાં ઉંચે ઉડવાની મજા લઇ રહ્યું હતું. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો. એવામાં અચાનક જ બીજા માથાએ નીચે કંઇક જોયું. તે ફળોથી લદાયેલું એક વૃક્ષ હતું. પક્ષી તો હોંશભેર વૃક્ષ પાસે નીચે ઉતરી આવ્યું. તેણે તો તરત જ એક ફળ તોડ્યું અને જેવું એ ખાવા જ જતું હતું ત્યાં, પહેલા માથાએ જોરથી બૂમ પાડી, “થોભી જા!”
પહેલા માથાએ, બીજા માથાને રોકતા કહ્યું, “એ ફળ તો ભૂલથી પણ ન ખાઈશ. તને ખબર નથી કે શું? આ ઝાડ પરનાં ફળો તો ઝેરી છે. જો તું આ વૃક્ષનાં ફળ ખાઈશ તો, આપણે બંને તરત જ મરી જઈશું.”
જાણે પહેલા માથાની વાત સાંભળી જ ન હોય તેમ, બીજું માથું તો ફળને તાકતું જ રહ્યું.
પહેલું માથું ફરીથી વિનંતી કરતા બોલ્યું, “મહેરબાની કરીને ફરીથી એક વખત વિચારી જો. આપણા બંનેનું પેટ તો એક જ છે એટલે, જો તું એ ઝેરી ફળ ખાઇશ તો, તે આપણને બંનેને નુકસાન કરશે. આવું અવિચારી વર્તન કેમ કરે છે? અરે ભાઈ, ફળ ખાઇશ તો, આપણે બંને મરીશું.”
“મોં બંધ રાખ! બીજા માથાએ રાડ પાડતા કહ્યું. “જુઓ તો ખરા, કોણ આજે ડાહી – ડમરી વાતો કરી રહ્યું છે!? તે દિવસે એકલા પેલું સ્વાદિષ્ટ ફળ ખાઈ રહ્યું હતું ત્યારે આ ડહાપણ ક્યાં હતું? બાકી, તું કહે છે એમ આ ફળ મેં પહેલા જોયું છે અને તે મેં તોડ્યું છે એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે!”
પહેલું માથું બિચારું રડવા લાગ્યું. એ કરગરતું રહ્યું પણ, લોભમાં અંધ થઇ ગયેલું બીજું માથું તેનાં સાથીદારની કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતું. તે આજે તેનાં સાથીનાં ગેરવર્તનનો બદલો લેવા માંગતું હતું. અંતે તેણે એ ઝેરી ફળ ખાઈ જ લીધું અને ઝેર પેટમાં પહોંચતા જ પક્ષી ત્યાંને ત્યાં જ ઢળી પડ્યું!
The End.
Keep reading panchatantra stories! Do not forget to post comments below.