અજાણ્યા લોકો પર બહુ જલ્દીથી વિશ્વાસ ન કરવો જોઈએ. એમને પહેલા પુરતા જોઈ, ચકાસી અને સમજીને જ મિત્રો બનાવવા જોઈએ. અહીં જેમ લુચ્ચી બીલાડીનાં વાંકે આંધળા ગીધની અવદશા થઇ એ જ રીતે, આપણે જેમને નજીકથી નથી ઓળખતા એ ક્યારેક આપણને નુકસાન પણ કરી શકે.
It’s time for one more short story for kids. Prefer it in English? Click here!
બહુ વર્ષો પહેલા, એક ટેકરીની નીચે તળેટીમાં એક ગાઢ જંગલ હતું. આ જંગલની વચ્ચેથી પાણીથી છલોછલ ભરેલી એક નદી પસાર થતી હતી અને આ સુંદર મજાની નદીનાં કાંઠે ઘણાં જ વૃક્ષો હતા. જેમાં એક વિશાળ પીપળાનું વૃક્ષ પણ હતું. આ પીપળાનાં ઝાડ પર ચકલી, પોપટ, કાબર, કોયલ, હોલા, ટુકટુક અને દૈયડ એમ કેટકેટલા પક્ષીઓ રહેતા હતા. એક દિવસની વાત છે, એક આંધળુ ગીધ આ વૃક્ષની બખોલમાં રહેવા આવ્યું. ગીધ વૃદ્ધ થઇ ગયું હોવાથી પોતાના માટે ખોરાક શોધવા જઈ શકે તેમ ન હતું. વૃક્ષ પર રહેતા બીજા ભલા પક્ષીઓએ આ જોયું અને તેમણે આ દુર્બળ, આંધળા ગીધને આશરો આપવાનું નક્કી કર્યું.
તેઓ પોતાનાં માટે જે ખોરાક લાવતા તેમાંથી એક ભાગ ગીધને પણ આપતા. દયાળુ પક્ષીઓનો આવો સહકાર જોઈ ગીધ મનમાં ને મનમાં તેમનો આભાર માનતું.તેને વિચાર આવ્યો કે, “આ પક્ષીઓ મારા પ્રત્યે કેટલી મમતા રાખે છે, મારું કેટલું ધ્યાન રાખે છે! તેઓ ખોરાકની શોધમાં જાય, ત્યારે તેમનાં બચ્ચાં ઘેર એકલા જ હોય છે. તો, એમણે કરેલી ભલાઈનાં બદલામાં મારી પણ કંઇક ફરજ છે. હવેથી બચ્ચાં ઘરે એકલા હશે ત્યારે હું તેમનું રક્ષણ કરીશ.”
આંધળા ગીધે પોતાનાં મનની આ વાત બીજા પક્ષીઓને કહી. તેઓ બધા સહમત થઇ ગયા અને હવેથી જયારે તેઓ ખોરાકની શોધમાં બહાર જતા ત્યારે, ગીધ તેમનાં બચ્ચાઓનું ધ્યાન રાખતું. આમ, સૌ રાજી-ખુશીથી રહેવા લાગ્યા.
પરંતુ, જેમ બધા દિવસો એકસમાન નથી રહેતા તેમ, એક દિવસ એક બિલાડી આ પીપળાનાં વૃક્ષ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે, તેણે પક્ષીનાં નાના બચ્ચાઓનો કિલકિલાટ સાંભળ્યો. બીલાડીનાં આનંદનો તો પાર ન રહ્યો. તેણે વિચાર્યું, “અરે, આજે તો ઉજાણી થઇ જશે. પક્ષીનાં નાના-નાના શાવકો બસ એક કુદકો મારું એટલે હાથવેંતમાં જ છે.”
બિલાડીને તેમનાં તરફ આવતી જોઈ બચ્ચાઓએ શોરબકોર કરી મુક્યો.
આ સાંભળી આંધળું ગીધ સતર્ક થઇ ગયું અને ઉંચે અવાજે બોલ્યું, “કોણ છે ત્યાં?”
બિલાડીએ જોયું કે અરે આ તો ગીધ, હમણાં ને હમણાં જ મારું તો રામ નામ સત્ય થઇ જશે!
પરંતુ, બિલાડીની તો જાત જ ચાલક, તેણે જોયું કે ગીધ તો આંધળુ છે એટલે પોતાનાં અવાજમાં ચાસણી જેવી મીઠાશ ઘોળતા બોલી, “અરે ગીધભાઈ, હું તો આપને જ મળવા આવી છું.”
ગીધે પૂછ્યું, “તું કોણ છે?’
તો, બિલાડી બોલી, “હું એક બિલાડી છું અને નદીનાં સામે કાંઠે રહું છું. મેં તમારા ઉદાર સ્વભાવ વિશે ઘણું સાંભળ્યું છે.”
આંધળા ગીધને જેવી ખબર પડી કે તે એક બિલાડી છે, તેણે બિલાડીને ત્યાંથી જતા રહેવા જણાવ્યું.
પરંતુ, લુચ્ચી બિલાડીની નજર તો પક્ષીઓનાં કોમળ બચ્ચાઓ પર જ હતી એટલે તે ભોળી બનતા બોલી, “ગીધભાઈ, હું એક બિલાડી છું એટલે મને અહીંથી ભગાડો છો ને? પણ, તમે તો સમજદાર પક્ષીરાજ ગીધ છો. મને મારી વાત રજુ કરવાનો એક મોકો પણ નહીં આપો?”
આટલું સાંભળી ગીધને થયું કે બિલાડીને તેની વાત કહેવાની એક તક તો આપવી જોઈએ. બસ, બિલાડીને તો આટલું જ જોઈતું હતું.
શાણી બિલાડી કહે, “મેં પહેલા કહ્યું તેમ હું નદીનાં સામેનાં કાંઠા પર રહું છું. હું દરરોજ નદીમાં ડૂબકી લગાવી, પૂજાપાઠ કરું છું અને ગીધભાઈ, હું માંસને તો અડકતી પણ નથી. હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી રહી છું એટલે ઠેકઠેકાણે સાધુ-સંતોને મળીને જ્ઞાન મેળવી રહી છું. મેં તમારા વિશે બહુ સાંભળેલું હોવાથી, અહીં હું આપની શિષ્ય બનવા આવી છું આથી, આપ મને અહીં રહી તમારી સેવા કરવા દો.”
ગીધને હજી વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેણે બિલાડીને કહ્યું, “હું તારી વાત શા માટે માનું? તું એક માંસાહારી પ્રાણી છે અને અહીં પક્ષીઓનાં નાના નાના બચ્ચાઓ રહે છે એટલે તું અહીંથી જતી રહે નહીં તો, હું તને મારી નાખીશ.”
બિલાડી તો હતી જ યુક્તિબાજ તે તરત બોલી, “મને લાગે છે કે, મેં આપના વિશે જે વાત સાંભળેલી એ સાચી નથી. મને તો નદીની પેલે પારનાં પક્ષીઓએ કહેલું કે, તમે એક દયાળુ, જ્ઞાની અને ઉદાર પક્ષી છો પરંતુ, તમે તો મારા જેવી તુચ્છ બિલાડીને મારવા તૈયાર થઇ ગયા છો. તમે જો ખરેખર જ્ઞાની હોત તો, તમને ખબર હોત કે મહેમાન તો ભગવાનનું રૂપ હોય છે.”
ગીધને પોતાની વાતમાં આવતું જોઈ બિલાડી આગળ બોલી, “તમને મારી વાતનો ભરોસો નથી? મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી હું શીખી છું કે કોઈને મારવું એ ઘોર પાપ છે. મને ભગવાને ફળ-ફૂલથી ભરપુર આખું જંગલ આપ્યું છે તો, હું પક્ષીઓને મારીને પાપની ભાગીદાર શા માટે બનું?”
વૃદ્ધ, આંધળું ગીધ તો બિલાડીની વાત માની ગયું અને તેણે બિલાડીને પોતાની સાથે ઝાડની બખોલમાં રહેવાની છૂટ આપી દીધી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા એમ બિલાડી તો એક પછી એક પક્ષીનાં બચ્ચાઓને ખાવા લાગી. આંધળું ગીધ તો આ વાતથી સાવ જ અજાણ!
બીજી બાજુ, પક્ષીઓનાં ધ્યાનમાં આવ્યું કે ધીમે ધીમે કરીને એમનાં બચ્ચાં ગુમ થઇ રહ્યા છે. તેમણે શાવકોની શોધખોળ ચાલુ કરી. અહીં બિલાડીને લાગ્યું કે હવે જલ્દી જ તેનો ભેદ ખુલી જશે અને જો એમ થાય તો પક્ષીઓ તેને નહીં છોડે. આમ વિચારી એ તો એક દિવસ ચુપચાપ ત્યાંથી નાસી ગઈ. ઘણાં સમય સુધી બચ્ચાઓની કંઈ ભાળ ન મળતા, પક્ષીઓએ આ વિશે આંધળા ગીધને પૂછવાનું નક્કી કર્યું.
બપોરનો સમય હતો એટલે આંધળુ ગીધ તો બખોલ પાસેની એક ડાળ પર આરામ કરી રહ્યું હતું. બધા પક્ષીઓ ત્યાં આવ્યા.
અને આ શું?
પક્ષીઓની નજર જ્યાં ગીધની બખોલમાં પડી, ત્યાં તો બચ્ચાઓનાં હાડકાં!!
દુષ્ટ બિલાડીએ પક્ષીઓનાં બચ્ચાઓને ખાઈ અને એમનાં હાડકાં આ બિચારા ગીધની બખોલમાં નાખી દીધેલા.
પક્ષીઓએ આ હાડકાં જોયા અને તેમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેમણે વિચાર્યું, “આ આંધળું ગીધ જ આપણા માસુમ બચ્ચાઓને ખાઈ ગયું છે, એને છોડીશું નહીં.”
ગીધ એમને કંઈ સમજાવે એ પહેલા તો, ક્રોધે ભરાયેલા પક્ષીઓએ નિર્દોષ એવા ભલા આંધળા ગીધ પર હુમલો કરી દીધો. આટલા બધા પક્ષીઓની ચાંચો વાગવાથી છેવટે ગીધ મરી ગયું.
તો આમ, એક દુષ્ટ બીલાડીનાં કારણે વૃદ્ધ, આંધળા ગીધનાં રામ રમી ગયા!!
The End.
Like reading more? Check these wonderful short story from best selling author.
બંને બહેન -ભાઈ ને અભિનંદન.
ગુજરાતી માં પણ આપ્યુ તેનો વિશેષ આનંદ થયો.
હૃદયપૂર્વક આભાર.
વાંચતા રહો-વંચાવતા રહો.
તમને આનંદ થાય એવા પ્રયત્નમાં સતત,
સપ્રેમ,
સ્વાતિ.
બંને બહેન – ભાઈ દ્વારા સુંદર શરૂઆત અને રજુઆત. હિતોપદેશ ની આવી સરસ વાર્તાઓને અર્વાચીન માધ્યમથી લોકભોગ્ય બનાવવા બદલ અભિનંદન અને શુભકામનાઓ… જૈમીન રાવલ અને પરિવાર.
તમારી બહુમુલ્ય હાજરી કોઈક એવોર્ડ જેવી લાગી.
આમ જ પ્રોત્સાહિત કરતા રહેશો.
ખુબ ખુબ આભાર.
વધુ લઈને ફરીથી મળું ત્યાં સુધી,
સાભાર-
સપ્રેમ,
સ્વાતિ
Dear Madam,
Aapni vartao thi ghani shikh male che
વાર્તા આપને ગમી એ જાણી ઘણો આનંદ થયો અને આપ જેવા વાચકોના પ્રતિભાવો જ મને વધુ સારું લખવા પ્રોત્સાહિત કરતા રહે છે.. તો, આમ જ વાંચતા રહો અને મને લખતા રહો. ?