ક્રૂર હાથી અને ચતુર શિયાળ – Kid’s Story [Hitopdesh Katha]
WRITTEN BY Swati Joshi

Hello Kids, I have a new elephant story in Gujarati. It’s available in English language too.

એક ખુબ મોટું જંગલ હતું. તેમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસતા હતા. આ બધાની સાથે જંગલમાં એક હાથી પણ રહેતો હતો. તેનાં માથા પર જાણે ચંદનનું તિલક કર્યું હોય તેવું એક નિશાન હતું, એટલે બધા તેને કર્પૂરતિલક કહીને બોલાવતા હતા.

સામાન્ય રીતે હાથી ખુબ સમજુ અને માયાળુ પ્રાણી છે પરંતુ, કર્પૂરતિલક તો ખુબ ક્રૂર અને ઉદ્દંડ હતો. તે મન-મરજી મુજબ જંગલમાં આમ-તેમ ભટકતો. તેને બીજા પ્રાણીઓની કોઈ દરકાર જ ન હતી. તેને મનમાં આવે ત્યારે કોઈ જ કારણ વિના વૃક્ષો ઉખાડીને ફેંકી દેતો, ડાળીઓ તોડી પાડતો. આવું કરવામાં, તેણે કેટલીએ વખત પક્ષીઓનાં માળા રહેંસી નાખેલા. તેમનાં ઈંડા અને નાના-નાના બચ્ચાઓને પોતાનાં ભારે ભરખમ પગ તળે ચગદી પણ નાખેલા.

Inline image elephant short story swatisjournal - swati's Journal short storyકર્પૂરતિલકનાં આ નિર્દય સ્વભાવનાં કારણે, જંગલનાં પશુ-પક્ષીઓ તેનાથી ડરતા હતા. એટલું જ નહીં, સિંહ-વાઘ જેવા પ્રાણીઓ પણ આ ઘાતકી હાથીથી દૂર જ રહેવાનું પસંદ કરતા હતા. એક દિવસ કર્પૂરતિલક મસ્તીભેર જંગલમાં ચાલ્યો જતો હતો ત્યારે, તેણે બેદરકારીથી શિયાળ રહેતા હતા એ બખોલો તોડી નાખી. તેમાં કેટલાએ શિયાળોનાં પરિવાર કચડાઈને મરી ગયા. આ ક્રુરતા જોઈને બધા શિયાળ ખુબ ગુસ્સે ભરાયા.

બીજા બધા પશુ-પક્ષીઓ એમનું દુઃખ વહેંચવા એકઠા થયા. બધાનો એક જ મત હતો કે, આ અભિમાની હાથીને હવે સજા થવી જ જોઈએ. આ વિશાળકાય હાથીને મારી શકવાનું કામ સૌને અશક્ય લાગતું હતું. બધા સાથે મળીને તેનો ઉપાય શું? એ વિચારી રહ્યા હતા ત્યારે, અચાનક એક વૃદ્ધ શિયાળ આગળ આવ્યું અને તેણે કહ્યું, “એ કામ મારા પર છોડી દો. હું તમને સૌને ખાતરી આપું છું કે, હવે પછીથી આ ક્રૂર હાથી આપણને હેરાન નહીં જ કરી શકે. કર્પૂરતિલકે આપણા બાળકોને માર્યા છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે.”

એક દિવસ પોતે ઘડેલી યોજના અનુસાર, વૃદ્ધ શિયાળ કર્પૂરતિલક પાસે ગયું અને ઝૂકીને સલામ કરતા બોલ્યું, “મહાન કર્પૂરતિલકજી! આ તુચ્છ શિયાળ તરફ નજર કરવાની કૃપા કરો.” અભિમાનનાં નશામાં હાથીએ ગુસ્સામાં શિયાળ સામે જોઈ, ઉંચે અવાજે પૂછ્યું, “તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે?” ચતુર શિયાળે જવાબ આપતા કહ્યું, “હું તો એક મામુલી શિયાળ છું. માલિક! આપ આ જંગલનાં દરેક પ્રાણી કરતા મહાન છો.Inline image jackal short story swatisjournal - swati's Journal short story

આપ કદાવર અને શક્તિશાળી છો એટલું જ નહીં, આપ તો કેટલા દયાળુ છો! આમ, તમારામાં એક રાજાનાં બધા જ ગુણો રહેલા છે. તમારી મહાનતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. આ જ બધી વાતોને ધ્યાનમાં રાખીને, જંગલમાં રહેતા પશુ-પક્ષીઓએ આપને અમારા રાજા બનાવવાનું નક્કી કર્યું છે. હું એમનાં તરફથી અહીં આપને વિનંતી કરવા આવ્યો છું કે, આપ અમારી વાતનો સ્વીકાર કરી, અમારા સૌ પર કૃપા કરો.”

કર્પૂરતિલક તો શિયાળનાં મોઢે પોતાની પ્રશંસા સાંભળી મનમાં ખુબ ખુશ થઇ ગયો. આ જોઈ, શિયાળે વાત આગળ ચલાવતા કહ્યું, “જંગલનાં બધા જ પશુ-પક્ષીઓ આજે થનારા આપના રાજ્યાભિષેકમાં સામેલ થવા માટે ખુબ ઉત્સુક છે. તેઓ સવારથી જ જંગલની વચ્ચે આવેલા તળાવ પાસે એકઠા થવા લાગ્યા છે. તમને પણ થશે કે રાજ્યાભિષેક આજે જ કેમ છે? આટલી ઉતાવળ કેમ? પરંતુ, મહાન, શક્તિશાળી કર્પૂરતિલકજી! આપણા રાજ્યનાં જ્યોતિષે ખાતરીપૂર્વક કહ્યું છે કે, રાજ્યાભિષેક માટેનું શ્રેષ્ઠ મુહુર્ત આજે જ છે. એટલે મારા માલિક! આપણે બિલકુલ સમય વેડફ્યા વિના ત્યાં પહોંચી જવું જોઈએ.”

હાથીને તો શિયાળની વાતમાં પૂરો ભરોસો આવી ગયો. કર્પૂરતિલકને બહુ પહેલાથી જ રાજા બનવાની ઈચ્છા હતી. તેણે વિચાર્યું કે, જો આજે તેનો રાજ્યાભિષેક થઈ જાય તો, જંગલમાં તેનો દબદબો અનેકગણો વધી જાય. બધા જ જાનવરો અને પક્ષીઓમાં તેની ધાક બેસી જાય અને પછી તો બસ એ બધા પર હુકમ ચલાવી શકશે. આ વિચાર આવતા જ એ તો તરત જ શિયાળ સાથે જવા નીકળી પડ્યો. તેઓ રાજ્યાભિષેક માટે નક્કી થયેલી જગ્યા તરફ ચાલવા લાગ્યા. ચતુર શિયાળ ચાલાકીપૂર્વક કર્પૂરતિલકને જંગલમાં આવેલા એક તળાવનાં કિનારે આવેલી કાદવ-કીચડવાળી નરમ જમીન તરફ દોરી ગયું.રાજા બનવાના સપના જોતા હાથીને ખ્યાલ જ ન રહ્યો કે એ ક્યારે તળાવનાં કિનારા પાસે પહોંચી ગયો. શિયાળ તો કદમાં નાનું અને પાછું એકદમ ચપળ એટલે, ઝડપથી ચાલીને એ કાદવવાળી જમીન પાર કરી ગયું. પરંતુ, પોતાની કદાવર કાયા અને ભારે ભરખમ વજનનાં કારણે કર્પૂરતિલકે જેવો એ જમીન પર પગ મુક્યો કે, તરત જ એ કળણમાં ખુંપી ગયો.

તેણે બહાર નીકળવા માટે ખુબ પ્રયત્નો કર્યા પરંતુ, તેનાથી ઉલટાનો એ વધુ અંદર ફસાવા લાગ્યો. હવે તે ડરી ગયો અને મદદ માટે બુમો પાડવા લાગ્યો. કર્પૂરતિલકે શિયાળને બોલાવતા કહ્યું, “મિત્ર, મને આ કળણમાંથી બહાર નીકળવામાં મદદ કર. હું કાદવમાં ડૂબી રહ્યો છું. જલ્દીથી બીજા પશુઓને બોલાવ, તેમને કહે કે ઝડપથી આવી મને બચાવે, નહીં તો એમનાં રાજાનું અહીં જ મૃત્યુ થશે.”

શિયાળે તેને જવાબ આપતા કહ્યું, “ઓ નિર્દય હાથી, તારી મદદ માટે કોઈ જ નહીં આવે. તેં ક્યારેય કોઈ સાથે સારો વ્યવહાર કર્યો નથી. તેં અભિમાનમાં આવી જઈ અમારા ઘર અને બિચારા પક્ષીઓનાં માળાઓ તોડી નાખ્યા અને અમારા ભાઈઓ અને બચ્ચાઓને મારી નાખ્યા. તું બધું જ જાણતો હોવા છતાં, તને કોઈનીએ દયા ન આવી. તારો અંત આવો જ હોવો જોઈએ.”

આટલું કહી શિયાળ ત્યાંથી જતું રહ્યું અને કર્પૂરતિલક મદદ માટે બુમો પાડતો રહ્યો. કહેવાય છે ને કે, ‘આપશો તેવું જ પામશો’, એ ન્યાયે દયાહીન હાથીએ બીજા પ્રાણીઓને જે આપેલું એ જ પામ્યો. અને છેવટે આ ક્રૂર હાથી કળણમાં ખુંપીને મૃત્યુ પામ્યો.

શિયાળે જંગલનાં બીજા પશુ-પક્ષીઓને નિર્દય કર્પૂરતિલક માર્યો ગયો હોવાનાં સમાચાર આપ્યા. બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમણે સાથે મળીને જંગલને ક્રૂર હાથીનાં ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ ચતુર શિયાળનો આભાર માન્યો.

The End.

How is it? Here is one more elephant story.

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

0 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest