Small story – Monthly Tiny Story | Gujarati Stories – December 2023

small story december 23 swatisjournal

માત્ર આસપાસ જોયેલાં પાત્રો કે ઘટનાઓની સ્મૃતિ કરાવી જાય એ જ વાર્તા એવું નથી પણ વાર્તાઓ આપણને ક્યારેક સમસ્યા અને ક્યારેક સમાધાન સાથે પણ સાંકળે છે; અને આ વાતની પ્રતીતિ કરાવશે અમારી આ મહિને પ્રસ્તુત Small Stories! વાર્તા અને વાર્તામાં પ્રસ્તુત વિચારો આપને અમારી સાથે સાંકળી શકે તો, મને લખી જણાવવાનું ભૂલશો નહીં. આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.

Instagram: @ smallst0ry

01. કેદ

ked small story swatisjournal

દરેક યુવાનની જેમ અખિલનાં પણ ભવિષ્ય વિશે અનેક સપનાં છે, જેનાં પર પોતાની દરેક વાત ડિસ્પ્લે કરતી આસપાસની દુનિયાની અસર છે. ઓફિસથી આવી, મોબાઈલ પર આખા દિવસનો તાળો મેળવવો અને નવું પ્લાનિંગ કરવું એ તેનો નિત્યક્રમ! આજે, આ વર્ષે તેનું આર્થિક આયોજન ધાર્યા મુજબ થઇ શક્યું નથી; નવું ઘર, ગાડી, બાળકનું ભણતર, માતા-પિતા માટે સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થા તેમજ પોતાનો વીમો આ બધામાં એ હજી પ્લાનિંગ કરતાં પાછળ ચાલી રહ્યો છે એટલે, હજી વધારાની આવક માટે શું કરવું એ વિચારે ચઢેલ અખિલનાં ભવાં તંગ બન્યા છે ત્યારે, સામે જ બેઠેલા અને અખિલનાં ચહેરા પર બદલાતાં ભાવ નિહાળી રહેલ પિતા પાસે આવ્યા અને એમણે ખૂબ પ્રેમથી હસીને, અખિલનાં હાથમાંથી મોબાઈલ ફોન લઈને બાજુ પર મૂકી દીધો. એટલામાં અખિલની પત્ની તેના માટે ચા-નાસ્તો લઈને આવી અને દાદીમા સાથે ફળિયામાં રમતી દીકરીની ધમાલ-મસ્તી જોઈને અખિલને જાણે એક કાલ્પનિક કેદમાંથી મુક્તિનો અનુભવ થયો!
Rasa – Shant

02. મદદ

madad small story swatisjournal
સોસાયટી પાર્કની બરાબર બાજુમાં જ એક બોયઝ હોસ્ટેલ હતી. હોસ્ટેલની એકબાજુના ઓરડાની બારી આ પાર્ક સામે પડે. હમણાં ઘણાં સમયથી રિટાયર્ડ ગૌતમભાઈ જોગિંગ કરી લીધા બાદ, એક બાંકડા પર બેસે ત્યારે સામે બારીમાંથી એક અઢારે’ક વર્ષનો છોકરો ઓરડામાં પોતાનું કામ કરતો કે પછી બારી પાસે આવીને ઉભેલો જોવા મળે. બંનેની નજરો મળે ત્યારે, ગૌતમભાઈ હાથ ઊંચો કરી તેનું અભિવાદન કરે. શરૂઆતમાં અજાણ્યું લાગતું હોવાથી છોકરો કંઈ જવાબ નહોતો આપતો પણ, હવે એ પણ સામે હાથ ઊંચો કરીને સ્માઈલ આપતો થઇ ગયો છે. ગૌતમભાઈની સાથે એમનાં મિત્ર સંજીવભાઈ પણ જોગિંગ કરે એટલે એક દિવસ એમને ગૌતમભાઈને પૂછ્યું કે, “આ રોજ બારી સામે જોઈને શું કરે છે?” ગૌતમભાઈ કહે, “ મદદ!” સંજીવભાઈનાં ચહેરા પર પ્રશ્નાર્થ જોઈને ગૌતમભાઈએ હસીને કહ્યું, “હું તેની એકલતા ભાંગું છું અને એ મારી આળસ!” વાત તો સાચી એમ સ્વીકારી, આજે સંજીવભાઈએ પણ હસીને હાથ ઊંચો કર્યો.
Rasa – Shant

03. ઉપાય

upay small story swatisjournal

ઘરનાં વ્યસની પુરુષો, સતત ઝઘડા, આર્થિક તંગી અને રૂઢિચુસ્ત વાતાવરણ સાથે સતત ઝઝૂમતા, મક્કમ મનનાં રંજનબહેનનો એક માત્ર સહારો એટલે એમનાં સાસુ ઉર્મિલા બા અને બંને સ્ત્રીઓનાં જીવનનું એક માત્ર લક્ષ્ય એટલે રંજનબહેનનો દીકરો યોગેશ! મોટો થઇ રહેલ યોગેશ ઘરની આ અસ્થિરતામાં અકળાતો, મૂંઝાતો અને ગુસ્સે પણ થતો. તેની નિઃસહાયતા જાણતા અને સમજતા રંજનબહેન ત્યારે દીકરાને પાસે બેસાડી એક સનાતન પ્રશ્ન પૂછતાં, “બદલવું છે આ બધું?” યોગેશ, “છે કોઈ ઉપાય?” ઝટ ઉભા થઈને, યોગેશનાં અભ્યાસના પુસ્તકો લાવી અને તેને પકડાવતા રંજનબહેન આંખમાં ચમક અને અવાજમાં રણક સાથે હંમેશા કહે છે, “શિક્ષણની પાંખો લગાવો અને ઉડો બેટા! આ એક જ ઉપાય છે.” સામે જ હિંચકા પર ધીમે-ધીમે ઝૂલતા ઉર્મિલા બા, આંખ મીંચકારી, માથું હલાવી હામી ભરતા અને યોગેશ જાણે સામે એક આખું આકાશ ખુલતું અનુભવતો.
Rasa – Adbhut

04. વિરુદ્ધ

viruddh small story swatisjournal

રાજીવ સહીત આજે આખી સોસાયટીનાં લગભગ દરેક ઘરોમાં કોર્ટ તરફથી સમન (તેડું) આવ્યું છે. સમસ્યા શું છે એ સમજવા માટે સોસાયટીની મિટિંગ મળી છે. વળી, જોવાની વાત એ છે કે સમન એક પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન (પીઆઈએલ/જાહેર હિતની અરજી) હેઠળ મોકલ્યું છે. મિટિંગમાં બધા આ યાચિકાનું કારણ જાણીને સ્તબ્ધ છે. કારણ-દર્શક માહિતીમાં રાજીવ તેમજ તેની ઉંમરનાં જ સોસાયટીનાં બીજા રહીશો પોતાનાં બાળકોને સતત બહારનું એટલે કે હોટેલનું, જંક કે પેકેજ્ડ ફૂડ વગેરે ખવડાવીને ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે જેવા મહારોગ તરફ ધકેલી રહ્યા છે અને તેઓ માતા-પિતા તરીકે એટલા બેજવાબદાર છે કે બાળકોનાં અસ્તિત્વ પર ખતરો બની ગયા છે; અરજદાર પોતે સમજાવટથી આ મુદ્દે કશું કરી શક્યા નથી તો, સરકારશ્રી આ મુદ્દે બાળકોને સુરક્ષા પુરી પાડે. અરજદાર તરીકે સોસાયટીનાં બીજા વરિષ્ઠ નાગરિકોની સાથે રાજીવનાં માતા-પિતાનું નામ પણ છે.
Rasa – Adbhut

ક્યારેક ખટકો કે ક્યારેક ચટકો આપતી વાર્તાઓ દરેક વખતે કોઈ સાચી ઘટનાનું પ્રતિબિંબ હોય એ જરૂરી તો નથી પરંતુ, એ ઘણી વખત વાસ્તવિકતા કરતા પણ વધુ સચોટ હોય છે. ક્યારેક વાર્તા પોતે કોઈ વિચારથી પ્રેરિત હોય છે તો, ક્યારેક એ કોઈ વિચારને માટે પ્રેરણા બનવાનું કામ કરે છે. છતાં, વાસ્તવિકતા હોય કે કલ્પના, વાર્તાનો વિચાર જ આનંદ અને મનોરંજન આપી જાય છે તો, આપ પણ વાંચો, માણો અને આનંદો!!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal