Small story – Monthly Tiny Story | Gujarati Stories – September 2023

small story september 23 swatisjournal

જીવન સુંદર છે, વાર્તાઓ તેને શણગારે છે. વાર્તાઓ આપણને અર્થ, હેતુ, મનોરંજન અને સબક જેવા અત્યંત જરૂરી જીવનરસ વડે પોષતી રહે છે. ક્યારેક આપણી પાસે કહેવા માટે કંઇક છે તો, ક્યારેક કોઈ પાસે આપણને સંભળાવવા માટે કંઇક છે. આ કહેવું – સાંભળવું એ એક એવું સૂત્ર છે જે આપણને એકબીજાથી બાંધી રાખે છે. આ બંધન કે જોડાણ જ આપણને અહીં ટકાવી રાખે છે.

Instagram: @ smallst0ry

01. દવા

davaa small story swatisjournal

મેડીકલમાં ભણતો વેદાંત શહેરથી પોતાનાં નાના-નાનીની ૬૦મી લગ્નતિથિ ઉજવવા આવ્યો છે.
એક દિવસ વાતવાતમાં વેદાંત – નાનાજી, તમારે અને નાનીમાએ થોડાં વિટામીન લેવા જોઈએ. ઘસારો ઓછો લાગે.
હરિ દાદા – અરે દીકરા! અમને તારી દવા લાગૂ ન પડે, અમારી દવા નોખા પ્રકારની છે.
ઉર્મિલા બા એમની વાત સાંભળી મીઠું મરક્યા.
સવારે નિરાંતે પોતાના નિત્યક્રમ અને પૂજાપાઠમાંથી પરવારીને હરિ દાદા અને ઉર્મિલા બા દીકરાનાં પશુ દવાખાને સારવાર લેતાં પશુ-પક્ષીઓની સંભાળ લઇ, પોતાનાં વિસ્તારમાં એમણે ઉછેરેલા વૃક્ષોને પાણી પીવડાવી, બીમાર પાડોશીની ખબર પૂછીને બપોરે ઘરે આવ્યા. સાંજે ગામમાં રહેતાં એમનાં ભાઈનો પરિવાર એમને મળવા આવ્યો, બાળકો અને ઘરનાં સભ્યોની વાતોનાં શોરબકોર વચ્ચે સાદો ખોરાક પણ છપ્પનભોગનો આનંદ આપી રહ્યો. એક વ્યસ્ત છતાં ખુશહાલ દિવસને અંતે, સ્વસ્થ અને આનંદમય જીવનની અકસીર દવા વિશે જાણી ચૂકેલ વેદાંત, સમયસર સુઈ જવાનાં આગ્રહી નાના-નાનીને એમનાં ઓરડામાં જતાં જોઈ રહ્યો.
(Rasa – Adbhut)

02. પાડોશી!

padoshi small story swatisjournal
શ્રીમાન્–શ્રીમતી બંને શહેરનાં ‘કુખ્યાત’ સ્ત્રી-રોગ નિષ્ણાંત હતા! આજે ત્રણ માળની હોસ્પીટલની બાજુનાં ‘ખૂબ ઉપયોગી’ ખાલી પ્લોટ પર બનેલ એમના નવા ઘરની ગૃહપ્રવેશ પાર્ટી પછી શ્રીમાન્-શ્રીમતી ગરમ કોફી માણી રહ્યા હતા ત્યાં, ૨-૩ નાનકડાં ભૂલકાં ગ્લાસનાં ડોરની અંદર ઝાંકી રહ્યા હતા. બહાર અંધારું તેમજ વન-વે ગ્લાસ હોવાથી તેઓ અંદર જોઈ શકતા ન હતા. શ્રીમાન હજી વિચારી રહ્યા કે, કદાચ પાડોશીનાં બાળકો છે, વ્યસ્તતાને લીધે એમને પાર્ટીમાં ઇન્વાઇટ કરવાનું રહી જ ગયું હતું. એટલામાં તો, શ્રીમતીજીએ દરવાજો ખોલી આ ક્યુટ બાળકોને અંદર બોલાવી લીધા હતા! શ્રીમાને પાસે આવવાનું કહેતાં એમનું નામ પૂછ્યું.

બાળકો બદલાઈ રહેલ ચહેરા અને અવાજ સાથે પોતાની ઓળખાણ આપી રહ્યા..
૧. બેબી સંદીપભાઈ
૨. બેબી રુપક્ભાઈ
૩. બેબી …… !!!!!
પતિ-પત્ની બંનેને એકસાથે હાર્ટએટેક કઈ રીતે આવે એ અકળ રહસ્ય સાથે લઈને એમ્યુલન્સ શહેરનાં રસ્તા પર પૂરપાટ દોડી રહી છે!
(Rasa – Bhay)

03. મોટીવેશન

motivation small story swatisjournal

કાર્તિકભાઈ નોકરીને કારણે રોજનું 250 કિલોમીટર અપ-ડાઉન કરે એ વાતને આજે લગભગ આઠે’ક વર્ષ થઇ ગયા. શારીરિક રીતે ખુબ ઘસારો લાગે પણ, હવે ટેવાઈ ગયા છે. તેમજ આમ કરનારા એ એકલા નથી, એમની સાથે ઘણાં એમનાં જેટલા જ કે એમનાથી મોટી ઉંમરના લોકો પણ આ જ રૂટ પર વર્ષોથી અપ-ડાઉન કરી રહ્યા છે. રોજ સાથે પ્રવાસ કરતાં હોવાથી, આવતાં-જતાં જાતજાતની વાતો થાય. એવી જ એક સવારે કંપનીની બસમાં,

રાકેશ – યાર, કંપની પગાર વધારે તો કામ કરવાનું કંઇક લેખે લાગે બાકી તો, આ મજૂરીનો કોઈ અર્થ નથી.
સુનીલ – એમ બહારનાં દેશોમાં કંપની એમનાં એમ્પ્લોયીને બહુ મોટીવેટ કરે. આપણે ત્યાં તો એવું કંઈ નહીં; ઉલટાનો બોસ ગમે ત્યારે લતાડે!!
એટલામાં કાર્તિકભાઈનાં મોબાઈલ પર મેસેજ આવ્યો.
રાકેશ – શું આવ્યું લ્યા? જોક??

કાર્તિકભાઈએ પોતાનાં મોબાઈલમાં દીકરાની નવા સત્રની ફી ભરવાનું ઈન્ટીમેશન આવ્યું તે બતાવી, હસીને કહ્યું – મોટીવેશન!!
(Rasa – Shant)

04. પ્રોગ્રેસીવ!

progressive small story swatisjournal

મયુરીબહેને સરકારી શિક્ષિકા તરીકે દસ વર્ષ પુરા કરી ચુક્યા છે. વિષય પરની તેમની પકડ, મૃદુ ભાષા તેમજ સરળ વ્યક્તિત્વને કારણે એ વિદ્યાર્થીઓમાં ઘણું સન્માન પામ્યા છે. સ્ત્રી સશક્તિકરણ સપ્તાહની ઉજવણી હેઠળ આજે શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વિજેતા બનેલ વિદ્યાર્થીને મયુરીબહેનનાં હસ્તે ઇનામ આપવાનું નક્કી થયું છે.
મંચ પર વિજેતા બનેલ વિદ્યાર્થી અને મયુરીબહેન બંને હાજર છે ત્યારે, ઉદ્ઘોષક વિજેતા વિદ્યાર્થી વિશે માહિતી આપી રહ્યા છે જેમાં તેનો વિષય ‘આજની સ્ત્રી અને ઘરેલુ હિંસા – સત્ય કે મિથ્યા?’ હોવાનું એનાઉન્સ થયું. અનાયાસે જ મયુરીબહેનનું ધ્યાન સાડીની આડશમાં ઢાંકી રાખેલ હાથ તરફ ગયું કે જેનાં પર ગઈકાલે જ – આગળ પણ ઘણી વાર બન્યું છે તેમ – નાના એવા ઘરેલુ ઝઘડામાં તામસી સ્વભાવનાં, લાલચુ અને શંકાશીલ પતિએ એમને માર્યું હોવાથી બનેલો ઘા હજી તાજો જ છે!! (Rasa – Vibhatsa)

આશા છે આ મહિનાની Small Stories માં પ્રસ્તુત વિષયવસ્તુ આપને અમારી સાથે સાંકળી શકશે. વાર્તાનું સરળ ફોરમેટ આપને તે શેયર કરવા પ્રેરશે. આપ પોતાનાં પરિવાર તેમજ મિત્રોને પણ અમારી સાથે સાંકળશોને? આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ….

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal