વાર્તાઓએ વિશ્વને હંમેશા કંઈને કંઈ આપ્યું છે. જ્ઞાન, બોધ અને મનોરંજન વડે વાર્તાઓ લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.આવી જ નાની-નાની વાર્તાઓ એટલે અમારી Small Stories. તેમાંના પાત્રો આપને પોતાની સાથે સાંકળી લેશે. એમના અનુભવો આપને પોતાનાં અનુભવો તાજા કરાવશે.. તો, તૈયાર છો ને અમારી સાથે જોડાવા માટે?
Instagram: @ smallst0ry
દિવાળી આવતાં જ મંજુબહેનને ખરીદીની ચાનક ચઢે અને દિનેશભાઇનું આવેલ બોનસ ખર્ચવાનું પ્લાનિંગ નિષ્ફળતાને જઈ વરે. બિનજરૂરી વસ્તુઓ ન ખરીદવા માટે દિનેશભાઇ દ્વારા રોકવા છતાં, મંજુબહેન આજે ફરીથી ‘સેલ’ માંથી અઢળક ખરીદી પછી ઘરે આવીને, સામાન જોઈ લીધા બાદ મોડું થઇ ગયું હોવાથી, ડ્રોઈંગ રૂમમાં બધું જેમનું તેમ રાખી સુવા જતા રહ્યા.
અડધી રાત્રે ઘરમાં કંઈક સંચાર વર્તાતા, બંને ધીરેથી રૂમનો દરવાજો ખોલી તપાસે છે ત્યાં, કોઈક ઘરમાં હાથફેરો કરી રહ્યું છે. માણસ દુબળો-પાતળો છે પણ કદાચ હથિયાર સાથે હોય તેવું વિચારતાં દિનેશભાઇ કંઈ સમજે એ પહેલા, મંજુબહેને સામે પડેલ, નવા ખરીદેલ કાસ્ટ આયર્નનાં તવા વડે ચોર પર ચઢાઈ કરી દીધી અને એક ઝાટકે ચોર ધૂળ ચાટતો થઇ ગયો. માનસિક રીતે પોતાને કળ વળ્યા બાદ દિનેશભાઇએ છેવટે પોલીસ બોલાવવા ફોન હાથમાં લીધો. મંજુબહેન હજી તવો હાથમાં પકડી વિજેતા બનેલ ગૌરવાન્વિત યોદ્ધાની જેમ રૂમમાં આંટા મારી રહ્યા છે!
Rasa – hasya
—
02. ઉજાસ
મહેશભાઈ અને રસીલા માટીની વસ્તુઓ વેંચી પોતાનાં દસે’કે વર્ષનાં દીકરા અને પાંચે’કે વર્ષની દીકરીને સારું જીવન આપવા માટે ઘણી મહેનત કરે.
મહેશભાઈ- રસીલા, હું રાજુને લઈને આગળ નીકળું, અમે પથારો ગોઠવીએ પછી તું આવી જાજે.
રસીલા- બજારમાં સારી ભીડ છે, હું હમણાં બા અને તારા ને જમાડીને આવું જ છું.
દિવાળી એટલે સાંજ સુધી ઘરાકી પણ સારી રહી. આ વખતે રાજુ અને રસીલાએ બનાવેલા રંગબેરંગી ભાત પાડેલ કોડિયાં હાથોહાથ વેંચાઈ ગયા છે. રાત્રે જમીને, મહેશભાઈએ બાળકોને ફટાકડાં આપ્યા. એટલામાં રાજુએ સવારથી સાચવીને પોતાની પાસે રાખેલ થેલીમાંથી પોતે અલગ રાખેલા એ, સૌથી સારી ભાત પાડેલ કોડિયાં નાનકડી તારા માટે કાઢ્યા. તારાનો ચહેરો ચંદ્રમાની માફક ઝળકી ઉઠ્યો. બંને બાળકો દીવડા પ્રગટાવવા અને ફટાકડાં ફોડવા બા પાસે દોડી ગયા. દિવાળીની રાત, મહેશભાઈને આંગણે સંતોષ અને આનંદનો ઉજાસ પથરાતો જોઈ રહી છે.
Rasa – Shant
—
03. પ્રતિફળ
આખી જ્ઞાતિમાં કોનાં દીકરા-દીકરીની સગાઇ, લગ્ન કે છૂટાછેડા થયા, કોને ત્યાં જન્મ કે મરણ થયું થી લઈને કોને ત્યાં સંપત્તિના ખરીદી, વેંચાણ કે ઝઘડા થયા એ દરેકની જાણ શ્રીમાન નૌતમલાલને હોય. માહિતી હોવી એ અલગ વાત છે પણ, એ માહિતીને મીઠું-મરચું ભભરાવી બીજા સુધી પહોંચતી કરવી અને તેમાંથી વિકૃત પ્રકારનો આનંદ લેવો એ જ એમની વૃત્તિ અને પ્રવૃત્તિ, જેને લીધે ઘણાં લોકોની ભાવનાઓ અને સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતી. પણ, નૌતમલાલને તેનાથી કંઈ ફર્ક પડે નહીં!
માણસ ઈચ્છે કે ન ઈચ્છે, સમય કર્મોનું પ્રતિફળ આપે જ છે!
પરજ્ઞાતિનાં, પોતાને ગમતાં પાત્ર સાથે ઘર-સંસાર માંડવા ચાલી ગયેલી દીકરી વિશે ભાળ મેળવવાની તજવીજ કરી રહેલ નૌતમલાલ, અત્યારે આ સમાચાર સાચા છે કે ખોટાં એ પૂછવા માટેના ફોનની ઘંટડી રણકવાનું બંધ થાય તેની રાહમાં ઘરનાં બીજા સભ્યો પર ગિન્નાઈ રહ્યા છે.
Rasa – Adbhut
—
04. તમાશો
શહેરનાં લોકો માટે ધનસુખલાલ એટલે વર્તમાન સમયના ‘ભામાશા’!! એમનાં ચેરિટી કાર્યક્રમોની તસવીરો અખબારોનાં પાના શોભાવે. શહેરમાં એમની ગાડી નીકળે ત્યારે સિગ્નલ પર જરૂરિયાતમંદ લોકો એમને ઘેરી વળે. આજે પણ ઓફિસે જવા નીકળેલા ધનસુખલાલની ગાડી એક સિગ્નલ પાસે ઉભી ત્યાં, યાચક બાળકોની એક ટોળકી એમને ઘેરી વળી. ધનસુખલાલ ગાડી સાઈડમાં લેવરાવી, નીચે ઉતર્યા, બાળકોમાંથી એકને પોતે ઓઢેલી શાલ ઓઢાડી, બધા બાળકોને વહાલથી ગાડીમાં બેસાડવા દરવાજો ખોલ્યો. સેક્રેટરીએ આ આખી ઘટનાનાં ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યો. રસ્તાની સામેની તરફ એક નટ પરિવાર વાંસડા ગોઠવી પોતાનાં તમાશાની તૈયારી કરી રહ્યો છે. અહીં ફોટા પડાવી, પેલા બાળક પાસેથી શાલ લઇ લેવામાં આવી છે અને બધા બાળકો ગાડીમાં ચઢે એ પહેલા જ ડ્રાઈવરે એમને દૂર હાંક્યા. સેક્રેટરીએ એમને સો રૂપિયા પકડાવ્યા અને ધનસુખલાલની ગાડીએ ઓફિસની વાટ પકડી.
આ તમાશાનું સાક્ષી એવું ટ્રાફિક સિગ્નલ, નટ પરિવારને એમના ખેલ માટે લીલી બત્તી બતાવી રહ્યું!
Rasa – Vibhatsa
—
આ મહિનાની વાર્તાઓએ તમારા મન-મષ્તિષ્કમાં જગ્યા કરી શકી હશે તેવી આશા છે. તમારી ભાવનાઓ, પ્રતિભાવ સ્વરૂપે ચોક્કસ અમારા સુધી પહોંચાડશો. કમેન્ટ્સમાં તમારી હાજરી મને તેમજ મારી વાર્તાઓને વધુ સમૃદ્ધ કરતી રહેશે તેવી કામના સહ, ફરી મળીએ ત્યાં સુધી આ વાર્તાઓ બીજા મિત્રોને મોકલો ને..