Small story – Monthly Tiny Story | Gujarati Stories – October 2023

small story october 23 swatisjournal

વાર્તાઓ આપણને પોતાની આસપાસની દુનિયાને સમજવાની, તેનું અનુકરણ કરવાની તેમજ તેના વિશે કલ્પના કરવાની છૂટ આપે છે. સામાજિક રીતે આપણે જે છીએ, જે થવા ઇચ્છીએ છીએ કે જે થઇ શકીએ તેમ છીએ તેવી દરેક વિભાવનાઓનું વૈચારિક પ્રતિબિંબ એટલે જ અમારી આ Small Stories!

Instagram: @ smallst0ry

01. માપ

maap small story swatisjournal

રતનલાલ રેલવેમાં ટી. સી. એટલે અલગ અલગ ઘણી જગ્યાએ જવાનું થાય. શાંતિદેવી, એમનાં ધર્મપત્ની ખાવા-પીવાથી લઈને, પહેરવા-ઓઢવાના શોખીન એટલે રતનલાલ વિવિધ ગામ કે શહેરોની વસ્તુઓ લાવે એ સિવાય પણ જ્યાં-ત્યાંની વખણાતી વસ્તુઓ એ મગાવે. આ વખતે વટસાવિત્રી માટે રતનલાલ પાસે શ્રીમતીજીએ રાજસ્થાની લાખની બંગડીઓની માગણી કરી છે. ઉતાવળ કહો કે ગફલત પણ, રતનલાલ લાવ્યા એ બંગડીઓ માપ કરતા મોટી નીકળી અને શાંતિદેવી મહિલા મંડળમાં જરા હાંસીપાત્ર બન્યા. ત્રણે’ક રજા બાદ, ડ્યુટી પર હાજર થયેલ રતનલાલ સળંગ બે દિવસની મુસાફરી હોવાથી, સવારે ટ્રેનમાં નાહીને, પોતાનું ઈસ્ત્રી ટાઈટ સફેદ શર્ટ પહેરવા જાય છે ત્યાં, બંને બાંય કાંડાંથી ઉપર નથી ચઢી રહી!? જુએ છે તો, કોઈએ બાંયની મોરી સિલાઈ કરીને સાંકડી કરી નાખી છે.
ગુસ્સા તેમજ અચરજ સાથે બીજા કપડાં માટે બેગ તપાસી તો, શાંતિદેવીએ લખેલી ચિઠ્ઠી મળી – “સાચું માપ યાદ રહે એટલે…. બેગમાં સૌથી નીચે બીજું શર્ટ છે.”
(Rasa – Hasya)

02. તર્પણ

tarpan small story swatisjournal
તુષારભાઈ ઉંમરનાં પાંચમાં દાયકામાં પ્રવેશે એ પહેલા માતા-પિતા બંનેને ખોઈ ચુક્યા છે. દસે’ક વર્ષ પહેલા પિતા અને કોરોનાની મહામારીમાં માતાને ગુમાવ્યા બાદ, હવે પત્ની ભાવના અને બે બાળકો એટલે તુષારભાઈનો પરિવાર! કુટુંબ, મોસાળ ખરાં પણ, માવતરની ખોટ કોઈ પૂરી શકે ખરું? પત્ની સંસ્કારી અને સમજુ મળી હોવાથી જીવન સરળ બની રહ્યું. માતા-પિતાની પુણ્યતિથિ કે જન્મતિથિ વખતે આખો પરિવાર શહેરથી દૂર આવેલ વૃદ્ધાશ્રમમાં આર્થિક તેમજ શ્રમદાન કરે એવો નિયમ! આજે માતાનું પ્રથમ શ્રાદ્ધ છે ત્યારે, ભાવના અને બાળકો વૃદ્ધાશ્રમ જવા માટે, તુષારભાઈની રાહ જોઈ રહ્યા છે એટલામાં, ગેટ પાસે ઉભી રહેલી ગાડીમાંથી તુષારભાઈની સાથે સામાન સહીત એક અજાણ્યું દંપતી ઉતરી રહ્યું છે. ભાવનાએ બાળકોને ધીમેથી, એક સહજ સ્મિત સાથે કહ્યું, “બેટા, દાદા-દાદીને અંદર લઇ આવો.”
રાત પડી ગઈ છતાં, વૃદ્ધાશ્રમમાં ચોકલેટ આપતાં બા-દાદા હવે પોતાનાં દાદા-દાદી બની ગયા છે એ વાત મિત્રોને જણાવતાં બંને બાળકો હજી થાક્યા નથી!
(Rasa – Shant)

03. હિસાબ!

hisab small story swatisjournal

રોજંદારી મજૂરોનું વેતન તેમજ તેમનાં આકસ્મિક મોતના વીમાનો ક્લેમ પાસ કરવાની જવાબદારી નિભાવતા, સૌથી ભ્રષ્ટ કર્મચારી તરીકે નામચીન એવા દીપકભાઈની સરકારી નોકરીના બસ બે વર્ષ બાકી છે ત્યારે, લથડી રહેલી માનસિક તંદુરસ્તીને લીધે તેઓ પ્રીમેચ્યોર રીટાયરમેન્ટ લેવાનો નિર્ણય લે છે. દીપકભાઈને છેલ્લા ઘણાં સમયથી ઓફિસનાં કબાટમાંથી કોઈક ટકોરા મારતું હોવાનો ભાસ થયા કરે છે. અઠવાડિયાથી રીટાયર થઇ ઘરે આરામથી રહેતા દીપકભાઈ આજે પાડોશીને ત્યાં પ્રસંગમાં જમીને, એકલા ઘરે આવી ગયા છે ત્યાં, અંદરનાં રૂમમાં કબાટમાંથી કોઈક ટકોરા મારી રહ્યું હોય તેમ લાગ્યું. ધ્રુજતા હાથે કબાટ ખોલતાં, એક ફાઈલ સરકીને નીચે પડી અને એ જોતાં જ એમનાં ગતિમાન થયેલ ધબકારા સાથે ભૂતકાળની ઘટનાઓ જાણે હોડમાં ઉતરી….રોજંદાર મજૂરનું આકસ્મિક મોત, લાંચના તોડ માટે પોતે ગુમ કરેલી ફાઈલ, છેવટે મજૂર પત્નીની આત્મહત્યા અને ત્યારથી ફાઈલ જ્યાં છુપાવેલી ત્યાંથી શરુ થયેલ ટકોરાનો અવાજ…

કદાચ આજે હિસાબ પૂરો થશે!
(Rasa – Bhay)

04. ઘરચોળું

gharcholu small story swatisjournal

મનુભાઈ અને જયશ્રીબેન, પચાસેક વર્ષનું વિવાહિત જીવન, જાણે સારસની જોડી! જયશ્રીબેન ખુબ સુઘડ, સુરમ્ય અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવે. સાડીઓના શોખીન; એમાં પણ પ્રસંગોપાત એમનાં લગ્નનું ઘરચોળું પહેરે ત્યારે તો જાણે નજર ઉતારવી પડે એટલા શોભે! એમની બંને વહુઓને પણ જયશ્રીબેનનું ઘરચોળું બહુ ગમે. એમના ગયા પછી ઘરચોળું કોણ લેશે એ વિશે ઘરમાં મીઠી તકરાર પણ ચાલે, ત્યારે મનુભાઈ હસતા-હસતા કહેતા કે, “ના હો, જયશ્રી અને તેનું ઘરચોળું તો મારે નામે જ રહેશે.”

કુદરત ક્યારે ‘તથાસ્તુ’ કહી દે એ આપણે જાણી કે સમજી શકતા નથી.

દર વર્ષનાં નિયમ પ્રમાણે આ વખતે પણ કુળદેવીના દર્શને ગયેલ મનુભાઈ અને જયશ્રીબેનને કાર અકસ્માત નડ્યો. આખરી પ્રવાસે નીકળી ચૂકેલ મનુભાઈના કથનને સાચું ઠેરવતાં, જયશ્રીબેન અને સંયોગવશાત્ત તેમણે પહેરેલું ઘરચોળું આ આખરી યાત્રા એમની સાથે જ ખેડી રહ્યા હતા!! (Rasa – Karuna)

આપણી લગભગ દરેક લાગણીઓનો સાર એટલે નવરસ! મનુષ્યનાં ભાવજગતનાં આ નવરસ વડે પોષિત અમારી Small Stories આપણે કેવી લાગે છે એ અમને લખી જણાવવાનું ચૂકશો નહીં.. વાર્તાઓ મિત્રો સાથે શેયર કરીને એમને પણ આ રસજગતથી અવગત કરશો ને?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal