વિશ્વાસ કરી જોઈએ તો?

how to grow better in a relationship - Gujarati article by indian Writer

શંકા-કુશંકાઓ, જતનથી ઉછેરેલા સંબંધોને ગ્રસી લે છે. કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને?

Enjoy reading a new article in the series – With love, Swati. If you prefer to read it in English, Click Here.

હમણાં-હમણાંથી તમને નથી લાગતું કે નાની મોટી બીમારીથી છૂટકારો મેળવવો હોય તો આપણે symptomatic treatment એટલે કે મોટે ભાગે એલોપેથિક દવાઓ તરફ વળી જઈએ છીએ? બસ, બરાબર એ જ રીતે, આપણે સંબંધોમાં પડેલી ગાંઠનાં કારણો જાણવાની કોશિશ કર્યા વગર જ અનુકૂળ પરિણામલક્ષી નિર્ણયો લેતા થઈ ગયા હોય તેવું લાગે છે. સામાજિક, કૌટુંબિક કે પછી વ્યક્તિગત ધોરણે આ ખૂબ જોખમી પરિસ્થિતી ના કહેવાય? થોડું ઊંડે ઉતરતા સમજાય છે કે લગભગ દરેક સંબંધમાં બીજી લાગણીઓની સરખામણીએ વિશ્વાસ જ મૂળમાં હોય છે, જેનાં આધારે સંબંધનું વૃક્ષ બીજી શાખાઓ વિસ્તારી શકે છે. સંબંધ શબ્દ સાંભળતા જ નજર સમક્ષ કેટલાએ ચિત્રો ઊભા થઈ જાય. આજકાલ ચર્ચાઓમાં સ્ત્રી-પુરુષ, પતિ-પત્ની, મિત્રો, ગુરુ-શિષ્ય આ બધું ખૂબ ચલણમાં હોવાથી તમને આ બધાને અનુલક્ષીને બહુ વાંચવા અને સાંભળવા મળશે. પરંતુ, આ જ આખી વાત માતા-પિતા અને સંતાનોનાં સંબંધોનાં સંદર્ભે કરીએ તો? આજે મીડિયા અત્યંત બહોળા પ્રમાણમાં તમારા ઘરોમાં ‘ઘર કરી ગયેલું’ હોવાથી, તમને આ સંબંધને કેન્દ્ર સ્થાન પર રાખીને ડિઝાઇન કરવામાં આવેલ સલાહ, સૂચન, ઉદાહરણ, આદર્શ વ્યક્તિત્વો બધું જ આંગળીનાં ટેરવાં પર મળશે. પરંતુ, ફરીથી એકવાર દર વખતની જેમ આજે આનો પણ એક અલગ એંગલ તપાસીએ તો? મારા લખવા પાછળનો હેતુ ક્યારેય કંઈ સૂચવવા કે શીખવવાનો રહ્યો જ નથી એટલે, અહીં પણ આપણે બંને પક્ષે ફક્ત વાત જ કરીએ છીએ તેમ માની મોકળા મનથી વાંચશો તો મજા આવશે.

આજે મોટા ભાગના ઘરોમાં જોઈ શકીએ છીએ કે, માતા-પિતા જીવનનાં આધુનિક મૂલ્યો પોતાની ક્ષમતા મુજબ સ્વીકારતા થયા છે. સંતાનોને મિત્ર માનવનું હાલમાં ફેશનમાં છે.  (સંતાનોનાં મિત્ર (!) આ વિષય પર પણ એક નવા આર્ટીકલ સાથે જલ્દી જ મળીશ!)  તેમની રીત-ભાત, રહેણી-કરણી, વત્તે ઓછે અંશે વિચારસરણી આ બધું બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે (ફરીથી, તેવું લાગે છે.) પરંતુ, આ આધુનિકતા લાગણીઓનાં આકાશ સુધી વિસ્તરી શકતી નથી. આગળ વાત કરી તેમ સંબંધનાં પાયા સ્વરૂપ વિશ્વાસ કોઈને કોઈ કારણોસર ડગ્યા કરે છે. અહીં ઘણાનાં મનમાં સવાલ ઉઠશે કે આમાં આધુનિકતાની વાતને ક્યાં કંઇ લાગે વળગે છે?! પણ, આધુનિકતા એટલે કપડાં પહેરવાની, ખાવા પીવાની કે જીવવાની રીતમાં બદલાવ એટલું જ છે? મારે માટે આધુનિકતા એટલે જૂના રૂઢિવાદી મૂલ્યો અને તમને બાંધતી કે અવરોધતી દરેક વાતમાં સકારાત્મક બદલાવ!! આજે પણ ઉંમરનો એક ચોક્કસ પડાવ પાર કરી ચૂકેલા મોટા ભાગનાં માતા-પિતાનાં મનનાં બેક-ડ્રોપમાં ક્યાંક ને ક્યાંક થોડો ભય સતત જગ્યા કરીને બેઠેલો હોય છે. ‘સમાજમાં પ્રવર્તતા દૂષણો સંતાનને આકર્ષી લેશે તો?’, ‘ ફલાણા ભાઈ કે બેનને દીકરાએ વહુ આવતાં જ તરછોડી દીધા, આપણો એવું તો નહીં કરે ને?’, ‘શરીર નહીં ચાલે ત્યારે અમારું કોણ?’, ‘પુત્ર, પુત્રી કે પુત્રવધૂ આર્થિક નિયંત્રણો હાથમાં લઈ અમને રઝળાવી મુકશે તો?’, ‘ભવિષ્યમાં આવક નહીં હોય ત્યારે સંતાન મદદ કરશે કે માંગશે?’ – આમાંનો એક પણ વિચાર તથ્ય વિનાનો તો ન જ કહી શકાય છતાં પણ કાલ્પનિક તો ખરો જ. કાલ્પનિક એટલા માટે કે, દુનિયામાં બધું જ સારું નથી તો બધું ખરાબ પણ નથી જ. ફલાણા ભાઈ કે બેનને આ પ્રકારનો અનુભવ થયો તો મને પણ એવો જ થાય તે કેટલે અંશે શક્ય છે? કે પછી તેમણે આવો નિર્ણય લીધો અને આવું પરિણામ આવ્યું એટલે મારે પણ એમ જ થશે તેની કોઈ ગેરંટી ખરી? તમારી પોતાની જ પાંચે પાંચ આંગળીઓની છાપ એકસરખી નથી તો, તમારા અને બીજાનાં જીવનનાં સંજોગો કે અનુભવો એકસરખા કેવી રીતે હોય શકે?

માતા-પિતા તરીકે સંતાનોને તમે સભાનપણે સમય, સગવડ અને કેળવણી આપવાની સાથે સાથે ધ્યાન બહાર પ્રેમ, હુંફ, લાગણી, સદ્ભાવ અને વિશ્વાસ આ બધું પણ સતત તેનાં માગ્યા વિના આપતા જ રહો છો અને તમને ખબર પણ ન પડે તેમ બાળક આ બધું જ ગ્રહણ કરતું જાય છે. ઉંમરનો એક ચોક્કસ તબક્કો પાર કર્યા બાદ, હવે તમારો વારો આવે છે એ જ વિશ્વાસને પોતાની અંદર સ્થાપિત થયેલો અનુભવવાનો. તમે માતા-પિતા તરીકે બને કે વધુ અનુભવી હોવાથી બાળકનાં અમુક નિર્ણયો સામે અવિશ્વાસ ધરાવતા હો પરંતુ, તેની લાગણીઓ પ્રત્યે અવિશ્વાસનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? એ તમારું છે, તે કેવી રીતે તમારું અહિત કરી શકે કે ઇચ્છી શકે? તમને ક્યારેય પોતાનાં જ આંખ, કાન, હાથ કે પગ તરફથી અસલામતી અનુભવાય છે? આ દરેક અંગ તમે આવ્યા ત્યારથી સાથે છે અને તમને કુદરત તરફથી મળ્યું છે તો પણ શરીર તમને પોતાનું લાગતું હોય તો સંતાન તો તમારામાંથી ઉદ્દભવ્યું છે તો શું તેનાં પર વધારે વિશ્વાસ ન હોવો જોઈએ?? ઉપરાંત માતા-પિતા તરીકે સતત જે અસુરક્ષાનાં ઓળા મન પર છવાયેલા રહે છે તે તો ફક્ત શક્યતાઓ જ છે ને? દરેક સંબંધમાં ખરેખર તો કોઈના ઉપર રાખેલ દ્રઢ વિશ્વાસ જ તમને સાચી સલામતી અને સધિયારો આપી શકે. ફક્ત માતા-પિતા અને સંતાનો જ કેમ, કોઈના પણ માટે ‘મારું છે’ એવું કહેવાનો મતલબ જ એ છે કે કંઇ પણ થાય ભરોસો નહીં તૂટે!!

ક્યારેક એ પણ વિચારવાની જરૂર પડતી હોય છે કે આપણી અંદર ઊગી રહેલ અવિશ્વાસ સંતાનને પણ ક્યાંક ને ક્યાંક તો સ્પર્શતો જ હોય છે. જે બાળક તરીકે તમારા તરફથી મળતા પ્રેમ, હુંફ અને સદ્દ્ભાવને ઓળખી શકતું હોય તે શું સમજણનો ઉંબરો ચઢ્યા બાદ આ અવિશ્વાસ ન પામી શકે? એટલે જ જ્યારે પણ અસલામતીની શક્યતાનો નાનો એવો હુમલો અનુભવાય ત્યારે, તેનાં પરિણામ વિશેની શક્યતાઓ પણ તરત જ ચકાસી લેવી જોઈએ. સંતાનો તમારાથી દૂર થઈ જવાનો કે કહ્યામાં ન રહેવાનો તમારો ડર તેને તો તમારાથી દૂર નથી લઈ જઈ રહ્યો ને તે એક વખત ચોક્કસ તપાસી લેવું.

અવિશ્વાસનાં મૂળમાં મુખ્યત્વે નજીકનાં લોકોનાં અનુભવો અને સામાજિક પ્રવાહ તો હોય જ છે પરંતુ, જો હજી થોડું ઊંડે અવલોકન કરીએ તો બહુ મજબૂત કારણોમાંનું એક કારણ હોય છે સંતાનોનું તમારાથી અલગ વ્યક્તિત્વ અને તેમનાં કોઈ પણ નિર્ણયોનાં અમલની તમારાથી અલગ કે સ્વતંત્ર પધ્ધતિ!! માતા-પિતા તરીકે જીવવાનાં તમારા tried & tested formula થી અલગ, તમે જેનાથી અજાણ છો એવું કંઈક — આ બધું સરવાળે જે અકળામણ આપે છે તે ધીમેથી ક્યારે અવિશ્વાસ બની જાય છે તે સમજાતું પણ નથી અને ક્યારેક સમજાય તો બહુ મોડું થઈ જાય છે. સામે પક્ષે સંતાન પોતે પણ કેટલું ઘવાય છે કે પીડાય છે તે પણ ગણતરી માંડવી જોઈએ કારણ કે, છેવટે તે ઘા તમને જ લાગી રહ્યા હોય છે!!

આ ‘શું કરું?’ કે ‘શું થશે?’ ની અસમંજસ ન અનુભવવી હોય તો, સંતાનોને સંશયનાં દિશાહીન અંધારામાં છોડી દેવા કરતાં, વિશ્વાસપૂર્વક તેમની સાથે ચાલવાથી સાથ લાંબો જળવાય છે. સમય, સંજોગો અને અનુભવો તેમને પણ સાચી પરિસ્થિતી તરફ વાળી જ દેશે, તેઓ ક્યારેક ખોટા નિર્ણયો લેશે પણ ખરા અને થનારું નુકસાન જીરવી પણ જશે પરંતુ, જો તમે સાથે હશો તો!! એટલે ભયયુક્ત મન સાથે પોતાને તથા તેમને અન્યાય કર્યા વિના ફક્ત એક વખત ભરોસો કરી જોવામાં નુકસાન તો નથી જ… કરી તો જુઓ, છેવટે તો ઘીનાં ઠામમાં જ ઘી છે ને!?

If you prefer to read in English, I found an article about trust by Lori Gean Glass.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 5 Comments
    1. વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા અને તેમાંનિ વસતી નજરઅંદાજ થઇ છે. એ ધ્યાનમાં લેવાયું હોત તો “સંતાન તો તમારામાંથી ઉદભવ્યું છે ” જેવી દલીલ દ્વારા સંતાનો પર અવિશ્વાસ કરવાનું કારણ નથી એવો મત પ્રગટ કરવાથી દૂર રહી શકાયું હોત.આખા લેખમાં આ એક બાબત સાથે સહમત નથી થવાતું – ન થવાય એવા અસંખ્ય કિસ્સા જોયા પછી.

      1. કમેન્ટ બદલ ધન્યવાદ.

        વૃદ્ધાશ્રમની વધતી સંખ્યાનાં ઘણાં કારણોમાંથી આ પણ એક છે એ વાત એકદમ બરાબર. પરંતુ, સમાજમાં દરેક માતા-પિતા જો આ વાતને મગજનાં કોઈક ખૂણે સતત જગ્યા આપીને સંતાનોનો ઉછેર કરે તો, આખી વ્યવસ્થા બહુ જલ્દી ખોરવાઈ જાય. માતા-પિતા સાથે બાળકનું જે નિસ્વાર્થ બંધન હોવું જોઈએ એમાં આવા કિસ્સાઓને લીધે ભવિષ્ય વિશેનાં કાલ્પનિક ભયનો લુણો લાગે એ વ્યાજબી નહીં કહી શકાય. બાકી અપવાદ દરેક જગ્યાએ હોવાનાં જ એટલે, એ આપણા પોતાનાં ઘરે કે નજીકનાં લોકોમાં પણ હોઈ શકે, જેની શક્યતા નકારી શકાય નહીં.

        તમારા અનુભવો દ્વારા મને પણ સંબંધ, સમાજ અને લોકોની માનસિકતા વિશે ઘણું નવું જાણવા મળે છે એ બદલ આભાર.

        વાંચતા રહેશે, મને પરત લખતા રહેશો!

        સાભાર,
        સ્વાતિ

    2. “અવિશ્વાસનાં મૂળમાં મુખ્યત્વે નજીકનાં લોકોનાં અનુભવો અને સામાજિક પ્રવાહ તો હોય જ છે પરંતુ, જો હજી થોડું ઊંડે અવલોકન કરીએ તો બહુ મજબૂત કારણોમાંનું એક કારણ હોય છે સંતાનોનું તમારાથી અલગ વ્યક્તિત્વ અને તેમનાં કોઈ પણ નિર્ણયોનાં અમલની તમારાથી અલગ કે સ્વતંત્ર પધ્ધતિ!! ”

      I think this sums up pretty much. Very interesting read. Message is conveyed very neatly. Trial and error can be a great tool on building and sustaining trust with constantly changing social norms.

      1. Thank you so much for the comment!

        Any change in any system is not that easy to accept. And while the change involves people and their emotions, it becomes quite hard to make it work smoothly. But, it’s equally true that willingness and purity of intensions help in overcoming any difficulties.

        Happy reading & Keep writing! ?

      2. ખૂબ સુંદર લખ્યું છે આપે! અહીં એક વાત મૂકવાની લાલસા રોકી શકાતી નથી.
        ભૌતિક અને હવે કદાચ વૈચારિક દૃષ્ટિએ પણ આપણે ગમે તેટલા પ્રગતિશીલ થયા હોઈએ એવું આપણને લાગતું હોય તેમ છતાં કરુણા એ વાતની છે કે આપણે હજી સુધી એવી સમાજ વ્યવસ્થા વિકસાવવામાં નાકામ રહ્યા છીએ જેમાં ઉંમરના એક પડાવને આંબી ગયેલ આપણા વડીલજનો પણ વર્તમાન પેઢીની સમાંતર રહી સન્માન અને ગૌરવભેર પોતાનું જીવન જીવી શકે. જ્યાં સુધી આ નહિ કરીએ ત્યાં સુધી આપણા વડીલજનોના મન-મસ્તીષ્કમાં પાછલી વયે સળવળતો પેલો છૂપો ભય અને માનસિક વિહવળતા આપણે ક્યારેય ખાળી શકીશું નહીં. વળી, આપણે બધાએ પણ ક્યારેક ને ક્યારેક તો એ તબક્કામાંથી પસાર થવાનું જ છે તો શા માટે ત્રણેય પેઢી (ગઈકાલ, આજ અને આવતીકાલ) એકસાથે રહી શકાય એવી સાયુજ્ય અને સાહચર્યપૂર્ણ રીતે રહી શકાય એવી સમાજ વ્યવસ્થા વિકસાવવા તરફ લક્ષ આપવાનું આજથી શરૂ ન કરીએ!

    Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal