સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન – Celebrate Gyanpeeth Award

Bhartiya Gnanpith award for writers of India

પારિતોષિકો કે પુરસ્કારો એ સ્વીકૃતિનું કે પ્રશસ્તિનું પ્રતિક છે. આજકાલ જયારે બધું ખરીદ-વેંચાણ આધારિત વ્યવહાર માત્ર બની રહ્યું છે ત્યારે, હજી કેટલાક એવોર્ડ્સ છે જે વિશ્વસનીયતા અને સન્માનનાં પર્યાય સમાન છે. ‘જ્ઞાનપીઠ એવોર્ડ’- એક સર્વોચ્ચ સન્માન, આજે તેની જ વાત કરીએ.

Today, I brought to you some information about literature award – જ્ઞાનપીઠ એવોર્ડ.

આપણે જાણીએ છીએ કે, કોઈ પણ ક્ષેત્રમાં કરેલા યોગદાનને પ્રોત્સાહન મળી રહે તે અત્યંત જરૂરી હોય છે. અને પુરસ્કાર વડે કોઈને બિરદાવીએ છીએ ત્યારે એમણે કરેલા પ્રદાનને આપણે સામાજિક સ્તર પર સ્વીકારી અને ગૌરવાન્વિત કરીએ છીએ. લગભગ દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ પુરસ્કાર કે એવોર્ડ માઈલસ્ટોન તરીકે સ્થાપિત જોવા મળે છે. આજે સાહિત્ય ક્ષેત્રે પ્રસ્થાપિત આવા જ એક માઈલસ્ટોનની વાત કરીએ, વાંચીએ થોડું જાણવા જેવું!

પહેલા વિચારેલું કે, બુકર પ્રાઈઝની વાત કરીશ પરંતુ, શરૂઆત ઘરેથી કેમ નહીં? આ વિચારે પહેલા, સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરવામાં આવતા સર્વોચ્ચ સન્માન એવા ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ ની જ વાત કરું છું.

આપણે ત્યાં પહેલેથી જ ફેશન છે કે, લોકો પાસે દુનિયા વિશે જેટલી માહિતી છે, તેનાથી અડધી પણ કદાચ દેશ વિશે નથી. દોષારોપણ કે ચર્ચા આનું સોલ્યુશન નથી, તેને બદલે સાચી માહિતી આપીએ તો કેવું? તો ચાલો, આજે વિથ લવ સ્વાતિમાં મને જેટલી ખબર છે તે તમારી સાથે પણ વહેંચું…

આપણે ત્યાં ભારતીય લેખકો તેમજ કવિઓને તેમની શ્રેષ્ઠતમ કૃતિ તેમજ ભારતીય સાહિત્યનાં વિકાસમાં યોગદાન બદલ જ્ઞાનપીઠ ટ્રસ્ટ (ભારતીય જ્ઞાનપીઠ, સ્થાપના -1944, એવોર્ડ સંસ્થાપન- 1961) દ્વારા અત્યંત સન્માનનીય એવો આ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે.

inline image gnanpith award 01 - swati's Journal short story

Image credit:http://jnanpith.net/gallery_images.html

અહીં સત્તાવાર રીતે માન્ય હોય તેવી કોઈ પણ ભારતીય ભાષામાં કરવામાં આવેલ સાહિત્યિક સર્જનને બિરદાવવામાં આવે છે એટલું જ નહીં, અંગ્રેજીમાં લખાયેલી કૃતિઓને પણ લક્ષમાં લેવામાં આવે છે. (હું આને આપણી ગુલામ માનસિકતાને બદલે ઉદાર માનસિકતાનું ઉદાહરણ માનું છું!) પુરસ્કાર સ્વરૂપે રૂપિયા 11 લાખ, દેવી સરસ્વતીની એક કાંસ્ય પ્રતિમા તેમજ એક પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

આ તો થઇ સામાન્ય જાણકારી. હવે આ એવોર્ડ વિશે થોડું વધુ રસપ્રદ જાણીએ તો કેવું?

# જ્ઞાનપીઠ ટ્રસ્ટની એટલે કે ભારતીય જ્ઞાનપીઠ ની સ્થાપના સાહિત્યિક તેમજ બીજા વિવિધ ક્ષેત્રે સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે, ફેબ્રુઆરી 18, 1944માં નવી દિલ્હીમાં કરવામાં આવેલી. સ્થાપકો હતા ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ સમાચારપત્રનાં પ્રકાશક અને માનવતાવાદી કાર્યોમાં અગ્રેસર એવા, સાહુ જૈન પરિવારનાં શ્રી શાંતિપ્રસાદ જૈન તેમજ તેમનાં પત્ની શ્રીમતી રમા દાલમિયા જૈન.

Sahu Sahntiprasad Jain image 1 - swati's Journal short story
Image credit:https://alchetron.com/Sahu-Shanti-Prasad-Jain

# માત્ર ભારતીય નાગરિકોને પ્રદાન કરવામાં આવતો આ એવોર્ડ, જીવનપર્યંત કરવામાં આવેલા સાહિત્યિક યોગદાનને અનુલક્ષીને આપવામાં આવે છે, કોઈ એકાદ કૃતિ માટે આપવામાં આવતો નથી.

# સૌ પ્રથમ 1965માં આપવામાં આવેલ જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 56 ભારતીય સાહિત્યકારોને નવાજવામાં આવ્યા છે.

# મલયાલમ લેખક શ્રી જી. શંકર કુરૂપ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ મહાનુભાવ હતા. તેઓને તેમનાં કવિતા સંગ્રહ ‘ઓળકુડલ’ તેમજ અન્ય કૃતિઓ દ્વારા ભારતીય સાહિત્યનું ગૌરવ વધારવા બદલ 1965માં આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો.

G. Sankara Kurup courtesy mywordsnthoughts.com image 2 - swati's Journal short story Image credit:https://mywordsandthoughts.com

# ગુજરાતી તરીકે આપણા માટે ગૌરવની વાત એ છે કે, અત્યાર સુધીમાં શ્રી ઉમાશંકર જોશી (નિશીથ, 1967), શ્રી પન્નાલાલ પટેલ (માનવીની ભવાઈ, 1985) તેમજ શ્રી રઘુવીર ચૌધરી (અમૃતા, 2015) ગુજરાતી સાહિત્યમાં એમનાં અમૂલ્ય યોગદાન બદલ આ સર્વોચ્ચ સન્માન મેળવી ચુક્યા છે.

# અમુક સમયે એવું પણ બન્યું છે કે, કોઈ એક વર્ષે એક કરતા વધુ સાહિત્યકારો તેમનાં ઉત્કૃષ્ટ સાહિત્યિક સર્જન વડે આ સન્માન મેળવવા ભાગ્યશાળી નીવડ્યા હોય, 1967- ઉમાશંકર જોશી સાથે કન્નડ સાહિત્યકાર કે. વી. પુટપ્પા, 1999- હિન્દી સાહિત્યકાર નિર્મલ વર્મા સાથે પંજાબી સાહિત્યકાર ગુરૂદયાલ સિંઘ, 2006- સંસ્કૃત સાહિત્યકાર સત્યવ્રત શાસ્ત્રી સાથે કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેળકર– આવા જ કેટલાક ઉદાહરણો છે.

# એ સિવાય,અત્યાર સુધીમાં માત્ર બે મહિલા સાહિત્યકારો આ સર્વોચ્ચ સન્માન મેળવી શક્યા હતા. અમૃતા પ્રીતમ (પંજાબી સાહિત્ય -1981) તેમજ ઉડિયા લેખિકા પ્રતિભા રે (ઉડિયા સાહિત્ય – 2011).

# અને હમણાં છેલ્લે 2017 માં, હિન્દી સાહિત્ય ક્ષેત્રે પોતાનો ફાળો આપવા બદલ ક્રિશ્ના સોબતીજીએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવી, મહિલા સાહિત્યકાર તરીકે ભારતીય મહિલાઓનું ગૌરવ વધાર્યું છે.

તો, આ હતું જ્ઞાનપીઠ એવોર્ડ’ વિશે થોડું જાણવા અને માણવા જેવું!

Krishna Sobti courtesy femina.in image 5 - swati's Journal short story

Image credit:https://www.femina.in/hindi/meri-udaan/achievers/krishna-sobti-life-and-times-2714.html

હજી વધુ માહિતી આપની પાસે પણ હોય તો અહીં ચોક્કસ શેયર કરશો..
મને અને મારા વ્હાલા વાચકોને ખુબ ગમશે.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal