માણસ હોવું એટલે શું? એ જેમને જાણ છે અને સતત એ અનુભૂતિ સાથે જીવી રહેલા દરેક પાત્રને સમર્પિત!
ગૌરવ મનુષ્ય હોવા તણું ન રાખે મને કંઈ માગવાનાં મેળમાં,
ચપટી, શેર કે ખાંડી, શોધું હું શુદ્ધ લાગણી દુનિયાની ભેળસેળમાં!
સમય આપનો બન્યો ગુલામ નકદી તણો;
ન આવી શકો આપ મુજ સુધી, હો દિલમાં તમ ભાવ ઘણો,
હૈયા કેરાં દાનની તો આસ ક્યાંથી રાખવી?
અમે ખાઈશું અમીનો ઓડકાર મુઠ્ઠીભર ભાવના નિર્ભેળમાં!
ગૌરવ મનુષ્ય હોવા તણું ન રાખે મને કંઈ માગવાનાં મેળમાં,
ચપટી, શેર કે ખાંડી, શોધું હું શુદ્ધ લાગણી દુનિયાની ભેળસેળમાં!
ભેંટ, જર કે મિલકતોનું મારે શું છે કામ રે?
રળવી જ હો જો સંપત્તિ, છે હૈયે પૂરતી હામ રે,
ન આસ તમથી દયાની, ન બક્ષીસોની દરકાર છે;
અમ ભર્યું-ભર્યું લઈશું જીવી, તમથી જરા મનમેળમાં!
ગૌરવ મનુષ્ય હોવા તણું ન રાખે મને કંઈ માગવાનાં મેળમાં,
ચપટી, શેર કે ખાંડી, શોધું હું શુદ્ધ લાગણી દુનિયાની ભેળસેળમાં!
સુખની કરી ન કલ્પના, ન વાસના, ન કામના,
લીધા ન શ્વાસ અણહકનાં, નથી કરી કો યાચના,
સાફ નિયત અને પૂરા મનથી જો દઈ શકો તો સાથ દો;
તો,
ઇન્દ્રનો વૈભવ હો ઝાંખો, અમ ખુમારી, તમ સદ્ભાવ નાં સુમેળમાં!