આસ્થા-અનાસ્થા ઉદગમે-શમે,
મનુજને તો તર્ક સૌ વિવાદવા ગમે!
પ્રબળ, વિરલ, અચળ, અકળ
પળમાં વિયત, પળમાં ભૂતળ
ભર્યા નિઘંટુ રૂપનાં મુજ, તને જે ગમે
મનુજને તો તર્ક સૌ…
અહમનું જ પ્રક્ષેપણ ને, અહમનું પ્રત્યાગમન
મનુજના વિચારોમાં “સ્વ” નું આવાગમન
ભાસ શું, નિદિધ્યાસ માં પણ “હું-પણું” રમે
મનુજને તો તર્ક સૌ…
અવનતિ ને દૂર્ગતિ, “હું” ની ફલશ્રુતિ
આસ્થા વિલયમતિ, અનાસ્થા પ્રલયગતિ
મનુજ આ પ્રવર્તનની વચ્ચે ભમે
મનુજને તો તર્ક સૌ વિવાદવા ગમે!
* વિયત=sky, ભૂતળ=land, નિઘંટુ=dictionary,
પ્રક્ષેપણ= transmission
નિદિધ્યાસ= state of deep meditation,
વિલયમતિ=dissolving,
પ્રલયગતિ= leading to destruction, પ્રવર્તન= rotation
મનુજ= મનુષ્ય, પ્રત્યાગમન= reflection