અખત્યાર – A Short Story in Gujarati
WRITTEN BY Swati Joshi
Shares

માનસી સાથે પ્રેમમાં ગળાડૂબ વંશ નેે તેની મુફલિસી આ સંબંધને કોઈ નામ આપવા દેતી ન હતી. આર્થિક જઈફી તેને માનસીનો હાથ માગવા માટે તેનાં ઘરના રસ્તે ડગ જ માંડવા નહોતી દેતી. છતાં, વંશ દ્વારા આ ક્યારેય ન ઉચ્ચારાયેલી વાત માનસી થકી માતા-પિતા સુધી પહોંચી જ ગયેલી. અને અપેક્ષિત હોય તે મુજબ તેણીના પિતાએ વંશને હેસિયતનાં નામે હડધૂત કર્યો હતો. અને સ્વમાની વંશનાં દુઃખી હૃદયે તેનાં મનને સૌથી વધુ આહત કર્યું. માત્ર આર્થિક હાલત જ પ્રેમ કે લાગણી પામી શકવાનું પરિમાણ હોય એ વાત પચાવી ન શકતા વંશે કોઈને પણ કહ્યા વિના શહેર છોડી દીધું. સ્વમાન એવી જણસ છે કે તેને ઘા પહોંચાડવા માત્ર એકાદ ટકોરો જ પુરતો થઇ પડે છે. અહીં તો તેનાં સ્વમાનને મોટો ફટકો પડ્યો હતો. આ ટકરાવની સીધી અસર માનસીના જીવન પર પડી રહી છે એ ન તો તેના પિતા સમજી શક્યા કે ન તો વંશ!!

હૃદયને ધૈર્ય વડે ભરીને ત્રણસો પાંસઠ દિવસ ટકી ગયેલી માનસી માટે દરેક પસાર થતો નવો દિવસ પોતાનાં જ લોકો સાથે એક નવો સંઘર્ષ લઈને આવવા લાગ્યો છે. અને એ જેટલી વખત પોતાનાં જ લોકોનો સામનો કરે છે, એ દરેક વખતે પોતાની હિંમતનો એક ટુકડો ગુમાવે છે. ઉલેચાઇ રહેલા હૃદયનાં ખાલીપાને શેનાથી ભરવો એ માનસી સમજી શકતી નથી.

આ તરફ વંશ સમાજ તરફના પોતાનાં ગુસ્સા અને પોતે મેળવેલા અપમાનને પૈસાનાં ઢગલા નીચે દફનાવી દેવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે. ભૌતિક સુખ શરીર માટે ક્ષણિક આનંદ ચોક્કસ લાવી શકે પણ, મનની ઈજાઓ પર રુઝ આપતા લેપનું કામ નથી જ કરતા એ વાસ્તવિકતા અનુભવે જ સમજાય. પોતાની જાતને સાબિત કરવાના અજંપા ને લીધે વંશ ધીમે ધીમે અંદરથી કંતાતો જતો હતો. તિરસ્કૃત હોવાની લાગણી તેનાં હૃદયમાં કાચની તૂટેલી કરચની માફક ખૂંચી ગયેલ, જેમાંથી ધીમે ધીમે ઝમી રહેલી નફરત તેનાં સમગ્ર વ્યક્તિત્વનો કબજો લઇ રહી હતી.

પૈસાને જ પરમેશ્વર બનાવી ચુકેલો વંશ હવે એ વ્યક્તિ જ નહોતો રહ્યો જેને માનસી ચાહતી હતી. અને આ વાત વંશ ઘણાં સમય પહેલા જ સમજી ચુક્યો હતો. હેસિયત બનાવવાની હોડમાં નૈતિકતાનો માર્ગ છોડી ચૂકેલ વંશ હવે પોતાની નજરમાં જ માનસી માટે ગેરલાયક ઠરી રહ્યો હતો.

જેમ સૂરજની આસપાસ સતત પરિભ્રમણ કરતી પૃથ્વી પોતાની ધરી પર પણ અનવરુદ્ધ ફરતી રહે છે એ જ રીતે, નિષ્ઠાપૂર્વક પોતાનાં માતા-પિતા પ્રત્યેની ફરજ નિભાવી રહેલી માનસીનો એક પણ દિવસ વંશને યાદ કર્યા વિના પૂરો થતો નથી. અનેક અનુત્તરિત સવાલોને બદલે તેણે મનને વંશ ચોક્કસ પાછો ફરશે એ વિશ્વાસથી ભર્યું-ભર્યું રાખ્યું છે.

પ્રેમ એક એવો સ્પર્શમણિ છે જે સંપર્કમાં આવતા દરેકને અચૂક પરિવર્તિત કરે છે પણ, એ પરિવર્તન સકારાત્મક હશે કે નકારાત્મક એ આપણી પોતાની પાત્રતા અને આપણા ભાવજગત પર આધારિત હોય છે. તો, પ્રેમનો પારસ આપણને કંચન બનાવે કે કથીર એ માત્ર અને માત્ર આપણા જ અખત્યારની વાત છે. તેનાં માટે બીજા કોઈને જ જવાબદાર ઠેરવી શકાતા નથી.

જે લાગણીએ વંશને પોતાની ખરી ઓળખથી દૂર કરી, તેનાં જીવનનું આખું ઉદ્દેશ્ય જ બદલી નાખવા મજબૂર કર્યો છે, એ જ લાગણીએ માનસીને દિવસે દિવસે અંદરથી શક્ત કરવાનું કામ કર્યું છે. તલસાટ ચોક્કસ બંને તરફ છે છતાં, જે ઝૂરાપો વંશને દઝાડે છે એ જ ઉકળાટની બાષ્પને ધૈર્ય સાથે ધારણ કરતી માનસી ભરોસાનાં બીજ વાવી રહી છે. માનસી તરફથી મળેલ સ્નેહ અને સમાજ તરફથી મળેલ તિરસ્કારને એક જ ત્રાજવે તોળવાની ભૂલ કરી ચૂકેલ વંશ ચોક્કસ તેની કિંમત ચૂકવી રહ્યો છે. પણ, આ ચુકવણીમાં બંને જીવ સાથે જ ખર્ચાઈ રહ્યા છે.

ઋતુઓ ફરીથી એકવાર રંગ બદલી રહી છે. અંદર વધતા જતા ખાલીપાને પ્રતિબિંબિત કરતી કોરી આંખો વડે આકાશમાં ખીલેલી સંધ્યાને અપલક નિહાળી રહેલી માનસીને તેનો ધૈર્યનો બંધ આ વખતનું ચોમાસુ હેમખેમ કાઢી શકશે કે કેમ એ ખબર નથી. વંશનાં મન અને બુદ્ધિ પર કબજો કરી બેઠેલ દ્વેષ, વેરભાવ તેને વિપથ પર એટલો દૂર લઇ જઈ ચુક્યા છે કે જ્યાંથી માનસીનાં જીવનમાં પાછા ફરવા માટેનાં લગભગ બધા જ રસ્તાઓ બંધ છે. જીવનની લગામ ખોટી લાગણીઓને સોંપાઈ ગઈ હોવાનો અહેસાસ છે વંશને છતાં, હવે પાછળ ફરી જોવાની છૂટ નથી તેને!

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

1 Comment
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest