આશ્રય – A Short Story in Gujarati

ashray gujarati varta swatisjournal

પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી. એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ, ખરું ને?

લગભગ અર્ધા દાયકા બાદ, માતાનાં મૃત્યુના સમાચારે મજબૂર કર્યો હોવાથી, સંકેત આજે વતન પાછો ફર્યો છે.

“પપ્પા, આ કઈ રીતે બની ગયું?” રડમસ અવાજે સંકેતે પૂછ્યું.

“કુદરતનો ક્રમ બેટા! સુચિત્રાને કદી પોતાનું દુઃખ કે તકલીફ વ્યક્ત કરવાનું ક્યાં ગમતું હતું? એ ચાહે તારું કદી પાછા ન ફરવા માટે વિદેશ જતું રહેવું હોય કે પછી તેની બીમારી. હસતે મોઢે, વગર ફરિયાદે સરસ જીવવું એ એની આદત છેલ્લા દિવસ સુધી જાળવી તેણે. પણ, હવે તેની દરેક પીડાનો અંત આવી ગયો છે!” અક્ષુબ્ધ બેઠેલ અભિજાતે સપાટ સ્વરમાં કહ્યું.

મૃત્યુ બાદની તમામ વિધિ પૂરી કરી આવ્યા પછી સંકેત માટે અહીં કોઈ કામ બાકી રહેતું ન હતું. એક દિવસ સવારે નાસ્તો વગેરે પતાવ્યા બાદ તેણે અભિજાતને કહ્યું, “પપ્પા, હું ટિકિટ્સ બુક કરી લઉં છું. તમે પણ અમારી સાથે જ ચાલો કેમકે, હવે અહીં એકલા રહેવાનું કોઈ દેખીતું કારણ પણ નથી અને આપણે આ ઘર વેંચવા વિશે પછીથી કોઈ નિર્ણય લઈએ.”

“સારું કર્યું તેં આજે આ વાત કાઢી. મારે પણ તને આ બાબતે અમુક સ્પષ્ટતા કરવાની જ હતી. મને એવું હતું કે હજી પંદર દિવસ પણ નથી થયા તારી મમ્મીની વિદાયને તો, કદાચ આપણે તેની હાજરી અનુભવી થોડો સમય સાથે વિતાવીએ. પણ, ના!  સારું કર્યું તેં આજે કહ્યું. તેં ન કહ્યું હોત તો, મારી સુચિત્રા જીવનમાં પહેલી વખત ખોટી પડી હોત…” મંદ સ્મિત અને સ્થિર ચહેરા સાથે અભિજાતે ડાઇનિંગ ટેબલ પરથી ઉઠતાં કહ્યું.

નીરવ વીતતી ક્ષણો વધુ બોઝિલ બને તે પહેલા અભિજાતે તેનાં રૂમમાંથી લાવી, એક કવર સંકેતનાં હાથમાં મૂક્યું.

થોડા વિસ્મય સાથે અભિજાતને તાકી રહેલ સંકેતને ઇશારાથી એ ખોલવાનું કહેતા અભિજાતે પોતાની વાત આગળ વધારી,

“આજે તું મારા એકલા પડી જવા વિશે વિચારે છે એ વાત સુચિત્રાએ તેની બીમારીની જાણ થઇ ત્યારથી વિચારી લીધી હતી અને દીકરા તું બિલકુલ ચિંતા ન કરીશ કેમકે, તારી મમ્મી આપણા બંને કરતા હોશિયાર હતી, તે જતા પહેલા મારા એકાકીપણાનો ઉપાય કરતી ગઈ છે.”

સંકેત માટે આ કંઈક સાવ નવું જ હતું. તે વાતનો તાગ નહોતો મેળવી શકતો છતાં, હાથમાં આવેલ કવરમાં શું છે એ જોવા કવર ખોલવાનું નક્કી કર્યું.

કવર ખોલતાં, તેમાંથી એક પત્ર અને એક ચેક નીકળ્યા.

પત્રમાં મમ્મીના અક્ષર હતા,

“પ્રિય સંકેત,

તારા પપ્પા અને હું, અમે બંને માનતા આવ્યા છીએ કે સપના જોવા અને તેને સાકાર કરવા એ દરેક સંતાનનો અબાધિત અધિકાર છે. તને ભણતર તેમજ કૌશલ્યોની પાંખો આપી ઉડી જવા દીધો પરંતુ, તું માળાનું સરનામું જ ભૂલી જઈશ એ નહોતી ખબર. આજે ફરીથી એકવખત અમે બંને એ જ કરવા જઈ રહ્યા છીએ. અમારે માટે તું અમારી એકમાત્ર મૂડી રહ્યો છે. છતાં, અમારી આ ગણી શકાય તેવી મિલકતમાંથી તારા માટે જરૂરી અને તારા અધિકાર સમાન આ ભાગ આપી અમે તને મુક્ત કરીએ છીએ. બાકી, આ ઘર તેમજ દુનિયાના સર્વશ્રેષ્ઠ પિતા હું જેઓને તેની ખરેખર જરૂર છે એ સદ્દનસીબ બાળકોને સોંપું છું.

કોઈ રંજ ન રાખીશ દીકરા, પણ મારી પાસેનો આ બહુમૂલ્ય માણસ હું જેઓને તેની કદર ન હોય તેને નહીં જ સોંપી શકું!

સુખી થજો!

– મા ”

હાથમાં રહેલ ચેક પરની રકમનાં શૂન્યો વધારે છે કે સંકેતનાં મનને ઘેરી વળેલી શૂન્યતા તે નક્કી કરવું મુશ્કેલ હતું.

સંકેતની મા તરીકે તેને બીજા બધા કરતા વધુ ઓળખતી અને સમજતી સુચિત્રાને દિકરાથી કોઈ ફરિયાદ ભલે ન હતી પરંતુ, પોતાનાં પ્રેમાળ પતિ માટે જીવન સહજ અને સરળ બની રહે તેની ખાતરી એ ચોક્કસ રાખવા માગતી હતી. એ ઇચ્છતી હતી કે ખુદ્દારી સાથે આખી જિંદગી જીવી ગયેલ આ પુરુષ લાગણી માટે થઈને પણ ક્યાંય બાંધછોડ ન જ કરે! અભિજાત તેનાં ગયા પછી કોઈ પણ રીતે નિરાશ્રિત બને તે સુચિત્રાને મંજૂર ન હતું. અને તેનાં જ ઉપાય તરીકે તેણે થોડાં અનાથ બાળકોને ઘર તેમજ પિતા બંને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી લીધી હતી.

રવિવારની આ સવારે ‘ફોસ્ટર હોમ’ બની ગયેલ ઘરનાં બગીચામાં ક્યારા સરખા કરતા અભિજાત બાળકો ઉઠે તેની રાહ જુએ છે. અભિજાતનાં પ્રેમ અને સંભાળ વડે ઘરની અંદરના અને બહારના કુમળાં ફૂલો ખીલી ઉઠ્યા છે અને અભિજાતનું મન બન્યું છે એ લીલોતરીનું આશ્રયસ્થાન!

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments
    1. ઘડપણમાં અસંતોષ વ્યક્ત કરવા કરતાં સ્થિતિ ને હકારાત્મક અભિગમ થી બદલી ને પણ સુખી થવું જોઈએ. એ વાત અહીં સુંદર રીતે કરવામાં આવી.
      ખૂબ સુંદર.?????

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal