ઘડતર – A Short Story in Gujarati

ghadatar gujarat short story swatisjournal

આપણે એ સંસ્કૃતિની ઉપજ છીએ કે જ્યાં,મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ કહે છે કે, “अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते | जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी || અહીં માતા અને માતૃભૂમિ સરખામણીનાં શિખર પર એકસાથે બિરાજે છે. સંસ્કાર અને સંસ્કૃતિ આપણા લોહીમાં છે પછી તેને સ્વીકારીએ નહીં એ અંગત પસંદગીની વાત છે. બાકી, પરિવારનાં સંયુક્ત, પ્રામાણિક પ્રયત્નો વડે યોગ્ય ઘડતર પામે તો, આપણી દરેક પેઢી ભારતીય મૂલ્યો અને ગુણોની ગરિમા જાળવી, દુનિયાની કોઈ પણ કસોટી પર દરેક વખતે ખરી ઉતરશે જ.

લગભગ મોટા ભાગનાં પરિવારોની જેમ જ ઉજ્જવળ ભવિષ્ય, વધુ સારી તક અને સારા જીવન-ધોરણની અપેક્ષા સાથે સૂર્યકાંત પોતાનાં પરિવારને અહીં ‘ધ યુએસએ’ એટલે કે, અમેરિકા લાવ્યો ત્યારે બંને દીકરીઓ હજી પ્લે-ગ્રુપ કે નર્સરીમાં મુકવા જેટલી જ હતી. વ્યવસાય અને નવા દેશમાં ગોઠવાવાની ભાંજગડમાં દિવસોનો તો કોઈ હિસાબ જ ન રહ્યો જાણે. અલકા પણ માત્ર શ્રીમતી સૂર્યકાંત ન રહી, પશ્ચિમી દેશોની જરૂરિયાત મુજબ જ એક પ્રોફેશનલ જીવનનો ભાગ બની કોઈ અજ્ઞાત દોડ દોડી રહી હતી.

આમ સતત ભાગી રહેલી જિંદગીમાં જો સૂર્યકાંતની માતા સરસ્વતીબેન એમની સાથે ન હોત તો, આખો પરિવાર એકસૂત્રમાં બંધાયેલ ન જ હોત. એમની વર્ષોની મહેનત, સાથ અને હૂંફને લીધે આજે હાઈસ્કૂલમાં ભણતી સૂર્યકાંતની બંને દીકરીઓનું વ્યક્તિત્વ ખુબ સારી રીતે ખીલી શક્યું હતું. છતાં, છોડ જ્યાં ઊગે, ત્યાંની આબોહવા તો લાગવાની જ ને?

એ હિસાબે મોટી થઇ રહેલી બંને છોકરીઓનાં વ્યક્તિત્વ અને વિચારોમાં વૈશ્વિક સંસ્કારોની છાંટ દેખાવાનું શરુ થઇ ચુક્યું હતું. પશ્ચિમી લાક્ષણીકતાઓ ધીમે રહીને, એમનામાં રહેલી ભારતીયતાનું સ્થાન લઇ રહી છે તેવું અલકા સ્પષ્ટ જોઈ શકતી હતી અને તેનાં વિશે થોડી ચિંતિત પણ હતી. સમયનાં બદલાતા વહેણ અને તેની ઘર સુધી વહી આવેલી સરવાણીઓ વિશે ચિંતિત અલકા, સાસુ સાથે વાત કરતી ત્યારે એ જોઈ દંગ રહી જતી કે, આ વયસ્ક સ્ત્રી આજે પણ પોતાનામાં રહેલ ભારતીય મૂલ્યો અને તેનાં ઊંડા રોપાયેલા મૂળ વિશે કેટલી ખાતરી રાખીને જીવી રહી છે.

આ જ ખાતરી સાથે તે અલકાને બાંહેધરી આપે છે કે, બાળકોનો ઉછેર કોઈ પણ સ્થળે કેમ ન થાય પણ, મૂળભૂત ભારતીય મૂલ્યો એમનો સાથ નહીં જ છોડે. હા, તેના માટે માતા-પિતા અને પરિવારનાં સામુહિક પ્રયત્નો ચોક્કસ કામે લગાડવા પડે. પણ, ભારતીય હોવું એટલે જ પરિવાર સાથે અને પરિવાર માટે કામ કરવું! આટલી હૈયાધારણ મેળવી અલકા થોડો સમય બધું ભૂલી કામે લાગી જતી પણ, પ્રસંગોપાત તેને ઘરને દરવાજે આવી ઉભેલા પશ્ચિમી વાયરાઓનો અજ્ઞાત ભય ચોક્કસ સતાવી જતો. સૂર્યકાંત તેને ધીરજ રાખી મા ની જેમ વિશ્વાસ રાખવા જણાવતો.

બંને દીકરીઓનાં વ્યવહારમાં ભળી અને પરાવર્તિત થતી પાશ્ચાત્ય સંસ્કૃતિ અલકાની જેમ જ સૂર્યકાંતને પણ વિચાર કરવા મજબૂર તો કરતી પરંતુ, ઘરમાં પોતાને મળેલા સંસ્કારોને વ્યવહારમાં ઉતારી ઉદાહરણીય બનવા સિવાય એક પણ વાત તેઓનાં હાથમાં ન હતી. સરસ્વતીબેન બંનેને ધીરજપૂર્વક સમય પસાર થવા દેવાનું કહેતા. એમણે ઉંમર સાથે ચઢાવ-ઉતાર અને બદલાતા સમયને સહ્યા અને સ્વીકાર્યા પણ હતા એટલે, નવી પેઢીનાં ઉછેર સાથે જોડાયેલ સહજ પ્રશ્નો એમને પજવી શકતા ન હતા. છતાં, એ પ્રશ્નોનાં જવાબ તરીકે એમની પાસે એક જ રામબાણ હતું અને એ હતું વાતચીત અને વ્યવહારમાં એકસુત્રતા.

માતા-પિતા જયારે કહે કંઇક અને કરે કંઇક ત્યારે બાળકો નૈતિકતાના ધારાધોરણ કે વ્યાવહારિક જીવનનાં નીતિ-નિયમો વિષશે ચોક્કસ રહી શકતા નથી અને આ જ ગૂંચવણમાં તેઓ જે દિશા અનુકુળ લાગે એ બાજુ ફંટાઈ જાય છે. અહીં સૂર્યકાંત, અલકા અને સરસ્વતીબેન ત્રણેય ખુબ પ્રામાણિકતા સાથે એક ભારતીય પરિવાર તરીકે જીવ્યે જતા હતા, જેમાં સામાજિક, ધાર્મિક અને વ્યાવહારિક જીવનમાં ભારતીય હોવું તે શું તે સતત પરાવર્તિત થતું.

વિશ્વાસપૂર્વકનાં, સતત કરવામાં આવતા પ્રયત્નો ક્યારે સફળતામાં પરિણમશે તેની તો ખાતરી ન હોય પણ, સફળતામાં પરિણમશે એ ચોક્કસ! આ ન્યાયે, આજે મોટી દીકરીનું કોલેજનું શિક્ષણ પૂર્ણ થતાં, પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે આખો પરિવાર આવ્યો છે અને આખી યુનિવર્સિટીમાં બીજા ક્રમાંકે પાસ થયેલી દીકરીને ડીગ્રી સર્ટીફીકેટ આપવા માટે કુલપતિ અને બીજા મહેમાનો મંચ પર ઉભા છે ત્યારે, સૂર્યકાંત અને અલકાની આંખમાં સંતોષ દેખાય છે.

પણ, કુદરત આજે એમને એમની મહેનતનું પુરતું વળતર આપવા માગે છે એ તેમને ક્યાં ખબર હતી? મંચ પરથી નામ જાહેર થયા બાદ, દીકરી કુલપતિ પાસેથી પુરસ્કાર લઇ તરત જ ઝૂકીને, તેમનાં ચરણસ્પર્શ કરે છે.

મંચ પર ઉપસ્થિત મહેમાનો ત્વરિત કંઈ સમજી શકતા નથી એટલે કુલપતિ પૂછે છે કે, તેણીએ આ શું કર્યું? ત્યારે દીકરી કહે છે કે,

We bow down to our teachers and elders in respect, it’s our culture!

(અમે આદર આપવા માટે શિક્ષકો અને અમારાથી ઉંમરમાં મોટા લોકોને પગે લાગીએ છીએ, એ અમારી સંસ્કૃતિ છે!)

સરસ્વતીબેન સજળ આંખે, એક સરળ અને સહજ સ્મિત સાથે સૂર્યકાંત અને અલકા તરફ જુએ છે. બંને આખા પરિવારે સાથે મળીને ખુબ મહેનતપૂર્વક ઘડેલી કાચી માટીને એક નક્કર પાત્રમાં પરિવર્તિત થતી જોવા ભાગ્યશાળી બન્યા છે. અને સાચા ઘડતર વડે કેળવાયેલી પાત્રતાની સાબિતી જેવા ટકોરા, તાળીઓ સ્વરૂપે સમગ્ર ઓડીટોરીયમમાં પડઘાઈ રહ્યા છે.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • One Comment
    1. વિદેશમાં શિફ્ટ થયેલ સંતાનો ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો જાળવશે કે નહીં તે, જે તે પેરન્ટ્સ અને સંતાનોની જનરેશન ક્યા વયજૂથમાં છે તેના પર પણ અમુક અંશે આધારિત છે.દા. ત.સ્ટોરીમાં ઉલ્લેખિત પેરન્ટ્સ.કૂવામાં હોય તો હવાડા માં આવે એ કહેવત આ વિષયમાં લાગુ પડે.બાકી તો અત્યારે વીસીમાં હોય તેવી જનરેશન ભારતમાં પણ સ્વચ્છંદી જોવા મળે છે તો વિદેશની તો ક્યાં વાત જ કરવી?

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal