જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર,
કાપવો મારગ કેમે, મારે જાવાનું પેલે પાર!
તપતાં દા’ડે સો સંગી-સાથી;
ઊગતાં સૂરજનાં સૌ સંગાથી,
ઉજળાં દિનનો ભાગિયો હર કોઈ,
પણ ન વહેંચે કોઈ અંધારું લગાર.
જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…
પથની પસંદગી મારી ખોટી ઠરી;
વગડે ચાલી હું છોડી મારગ ધોરી,
ઝીણેરી જ્યોત સંગ રાખી છે ‘સાચ’ ની,
હૈયે ઝળહળતો હામ નો અંગાર.
જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…
વણદેખ્યો રસ્તો ને ઘેરી થતી રાત રે;
સપનાની ગાંસલડી ઝાલી છે હાથ રે,
ભાંગેલ-તૂટેલ તોય મારે તો સોનાની,
એવી વાંછનાનો સંગે છે ભાર.
જો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર…
કેમે કરું કે પગ આ વાયુથી વાતો કરે?
છે કોઈ આવે જે બોજો આ હળવો કરે?
માંહ્યલો પોકાર્યો કે, ‘હુંપદ’ ને હારી દે,
‘મમત’ સર્વ મિથ્યા, અબઘડી ઓવારી દે,
હાશ! હવે હળવીફૂલ થઇ ગઈ મોઝાર.
છો ને સખી ચાલી ગળતી ચંદ્રની ધાર,
ચાલ્યા કરું હળવે, મારે જાવાનું પેલે પાર!
મોઝાર = inside, મમત = ego, ઓવારી દેવું = forgo, હુંપદ = egotism વાંછના = desire