એમ કરવું શાને? – A Gujarati Poetry
WRITTEN BY Swati Joshi

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

છે પ્રેમ કર્યો તો મનથી મનનો સોદો કીધો;

નથી છીનવ્યું કંઈ, જો આખો દિલનો ટુકડો દીધો,

પ્રિયતમ માગે હિસાબ તે ‘દિ જોયું જાશે,

મારે તમ કેરી ફરિયાદો કાને આણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

ખોટો તું કે હું, ફરક હવે શું પડવાનો?

લીધાં-દીધાંનો હિસાબ શું કંઈ ચોપડે ચડવાનો?

લાભ થયો કે ખોટ ગઈ, તું આવે તો કહું,

ત્યાં સુધી સંઘરેલી યાદો મારે ગણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

લાગણીઓનાં કોરા ફલક પર ‘અ’ પાડું ત્યાં;

તારે હાથ જો મર્યાદાનું ડસ્ટર આવ્યું,

એક ઝાટકે એ ‘અઢી અક્ષર’ તેં ભૂંસી નાખ્યા,

હવે જગ ખાતર કોઈ ‘અ,આ,ઈ’ મારે ભણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

ફુલગુલાબી ગીતોની મોસમ છો ન આવે;

આપણને તો આંસુભીની ગઝલ ન ફાવે,

કિસ્મત કેરી ભૂલો આપણ માથે લઈને,

રક્ત નીતરતી કવિતાઓ ગણગણવી શાને?

મોલ વિનાની આશાઓને લણવી શાને?

ઠાલાં સપને મહેલ-અટારી ચણવી શાને?

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

5 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest