ધરણી છોડ્યાને વીતી વેળા ઘણી
તો, હવે મૂકો ધરણીધર એ નેમ;
સાદ દેવાની પ્રભુ વાટ શીદને જોવાની-
હરિ હવે આવો તો કેમ?
પૃથ્વીની હાલત તમ જોઈ છે હે, લીલાધર?
જળ, જંગલ કે જમીન નથી રહ્યું કંઈ હેમખેમ;
નષ્ટ થવાની નાગર વાટ શીદને જોવાની-
હરિ હવે આવો તો કેમ?
યમુનાનો ‘કાળિયો’ તમ હણ્યો છો હે, માધવ!
અમ અંતરે અંધારું એમનું એમ;
અજવાસ કરવાનો આજ અવસર છે હે, શ્રીધર!
હરિ હવે આવો તો કેમ?
ધર્મ, ધરા ને ધેનુને રક્ષ્યા તમ હે, કેશવ!
રક્ષજો મા, માટી ને માનવને એમ;
એના કરગરવાની નાથ રાહ શીદને જોવાની-
હરિ હવે આવો તો કેમ?