મને છૂટ છે – A Gujarati Poem

Written by Swati Joshi

June 27, 2020

કાપડું કરીને હૈયે વળગાડવાની છૂટ ન હો ચાહે;

લહેરાતા પાલવનાં છેડે સજ્જડ એક ગાંઠમાં, 

દિલના બંધ ઓરડાની ચાવી તરીકે 

તને બાંધવાની છૂટ છે!

ફાટતા-તુટતા, બંધાતા-છૂટતા કંઈ કેટલાએ સંબંધોનાં તાંતણે; 

જાત-જાતની કરામતમાં, રોજની મરામતમાં, 

ચાહનાં ચીવર મહીં રફુ કરીને

તને સાંધવાની છૂટ છે! 

રોજીંદી ઘટમાળમાં, પીસાતા-ટીપાતા; 

બળબળતી લાગણીનાં ચૂલા પર શેકાતા, 

તારા ખયાલોનાં સુંવાળા પકવાન  

મને રાંધવાની છૂટ છે! 

ધરતીનાં આ છેડે દુર્ઘટ છે તને મળવાનું; 

શિરસ્તાનાં ગઢની ઘણી ઉંચેરી રાંગ અહીં, 

થઈને પતંગ, સ્પૃહાનાં આકાશ મહીં,  

તને આંબવાની છૂટ છે!

વિધિ કે વિધાન જે સમજે પણ સરહદ બહુ મોટી છે; 

અંતરાય ઔચિત્યનાં ઓળંગવા અશક્ય પણ, 

પ્રાર્થનાની પાંખે અબળખાની આડશ 

મને ઉલ્લંઘવાની છૂટ છે!  

* ચાહ = લગાવ, ચાહના, ચીવર = વસ્ત્ર, દુર્ઘટ = અશક્ય, શિરસ્તો = રીતિ-રિવાજ, રાંગ = કિલ્લાની આસપાસની દીવાલ, વિધિ = નિયતિ, વિધાન = અનુક્રમ, નિયમ, ઔચિત્ય = યોગ્ય વર્તન, છાજે તેવું વર્તન, અબળખા = ઝંખના

Advertisement

ભાગ્યવશાત્ ક્યારેક ઇચ્છાઓ અને વાસ્તવિક જીવન વચ્ચે સામંજસ્ય નથી રહી શકતું. માણસ તરીકે નૈતિકતા હજી નડતી હશે તો, જીવન કામનાઓ અને નીતિમત્તા વચ્ચે ઘંટીના બે પડની જેમ પીસ્યા કરશે. પણ યાદ રાખવું કે, સાધ્ય તમારી પાસે રહી જાય અને નિયતિ સાધન છીનવી લે ત્યારે, પ્રાર્થનાઓને સાધન બનાવીને શાતા સુધીનો માર્ગ કંડારવાની માણસ તરીકે આપણને છૂટ છે!

Copy link