કોઈનું માત્ર સાથે, હાજર કે આસપાસ હોવું જ આપણને અને આપણી આજુબાજુનાં અવકાશને એટલું ભર્યું ભર્યું રાખતા હોય કે પછી કદી અચાનક એમની હાજરી નથી એવી સંવેદના પણ આપણને રાતનાં અંધકારની માફક જગત આખાની એકલતા, ઉદાસી કે ખાલીપા વડે આવરી લે છે. કોઈની ગેરહાજરીને લીધે વિસ્તરેલા નિશબ્દ ખાલીપા વડે આવૃત્ત મનની વેદનાને શબ્દો મળે તો એ કંઇક આવા હશે, ખરું ને?
બારણું ખૂલે ઘરનું અંદર
ખાલીપો સળવળે
આંખો મારે હવાતિયાં,
ક્યાંક એ નજરે જો ચડે!
વિસામો કેમ કહું આ ઘરને
કોઈ તો સમજાવે,
નિશાન એમના શોધવાને
કેટલો પરિશ્રમ કરવો પડે
ઉંબરો ઓળંગુને
એમની ગેરહાજરી ટળવળે
આ ખાલીપાની માલીપા
જાણે સોનામાં સુગંધ ભળે
હું કાન સરવા કરીને બેસું છું
ભીંત તરફ, કદાચ
ભીંતે સાંભળેલી વાતોમાં
એમનો ફરી ઉલ્લેખ નીકળે
રાત્રિની વેળાએ વ્યાપી જતાં
અંધકારમાં
એમના સ્મરણનો દીવો
તેજથી ઝળહળે
આ ચંદ્ર, આ આકાશ, આ ઉંબરો
અને આ હું આ ખૂણેથી
કરીએ છીએ વાતો જે ખૂણામાં
એમનું મૌન ખળભળે!