ખેડૂત ખેતરમાં બીજ રોપી દીધા બાદ, તે બીજનું કુંપળમાં પરિવર્તિત થવું માત્ર જોઈ કે નોંધી જ શકે છે. પરંતુ, બીજનું કુંપળ બનવું એ કેવું અનુભવાય એ તો માત્રને માત્ર ધરતી જ જાણે છે. વસુંધરાને જો વાચા ફૂટે તો એ ચોક્કસ કહે કે, રોપાયેલું બીજ ઉગી નીકળવાનાં પૂરજોર તલસાટ સાથે સૂર્ય-કિરણો, ધરતીનું સત્વ અને હવાનાં સ્પર્શે ક્ષણે ક્ષણે અંકુરિત થવા તરફ આગળ વધે ત્યારે ધારીણી ધરાને પોતાનો કણે કણ સજીવ થતો લાગે. સતત નિર્જીવ લાગતી રેણુ, ત્યારે જડમાં પણ ચેતનાનો સંચાર થતો અનુભવે એ કુદરતની જ કરામત છે.
ક્યાંક અનલતું ઉચ્ચ અનંતે
ક્યાંક કાંઠે શમતું મહેરામણ
ક્યાંક વહેતું ખળખળ સલિલે
ક્યાંક કૌમુદી પહેરામણ
ક્યાંક વિસ્તરતું શ્વેત બલાહક
ક્યાંક ઝળુંબે મેઘ અંભોદ
ક્યાંક નયનોમાં વરસે અસ્ખલિત
ક્યાંક હોઠોંમાં વિસ્તરતું વિનોદ
ક્યાંક વીંઝે પાંખો તરવરાટ
ક્યાંક પંકજમાં પમરાટ
ક્યાંક ભાસે વીજમાં ઝળહળાટ
ક્યાંક સાગરનો સુસવાટ
ક્યાંક લેતું શ્વાસ ચેતન મહીં
ક્યાંક જડમાં અનુભવાતું સંવેદન
ક્યાંક નીતરતું અવિરત મબલખ
ક્યાંક મંદ મ્હોરતું સ્પંદન
કૌમુદી – ચાંદની, * બલાહક – મેઘ, વાદળ , *અંભોદ – વાદળ