કેમ છે? – A Gujarati Poetry by Swati Joshi
WRITTEN BY Swati Joshi

પ્રેમનાં પદારથની તેં સંઘરેલી આથીપોથી,

હજુ સુધી એમની એમ છે;

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

ના હાથે ધરું કો’ નાં વાડી-વજીફા કદી પણ,

તારા કાચેરાં કૉલ અને વણદીધા વાયદાની ગાંઠડી

અવરવાની તો નેમ છે;

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

ભારણ વધ્યાથી તારા ભંજાવાનું યાદ મને,

મોહની મોલાત મને સોંપી દીધાથી

વળી શાતા કે બોજ જેમનો તેમ છે?

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

તુજથી અજાણ એવા, તારી સંગે જોયેલા

સપનાની મુજ મોટેરી મત્તામાં,

મારી ખાંડી એક ખેવનામાં

પડ્યો તારો એ પાશેર પ્રેમ છે;

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

અનહદ તલસાટે કદી આવી ચઢે જો તું તો,

ઉસભર્યા ઉર અને લૂણભર્યા નયનો સંગે

અહીં મનનાં મૃગજળ હેમખેમ છે;

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

બાકી,

થાપણ સઘળી તારી નીકળે કથીર છો ને,

તારી દીધેલી કો ચપટી ભરી વેળુ પણ

મારે મન મોંઘેરું હેમ છે!

આ તો આઠે’ક આસો વિત્યાનો મને વરતારો,

થયું પૂછું કે, હવે તને કેમ છે?

પદારથ = દ્રવ્ય, આથીપોથી = પૂંજી (wealth), ગાંઠડી = ઉપર ગાંઠ મારી વાળેલ પોટલી, અવરવું = સાચવવું, નેમ = વચન, ટેક (promise), ભંજાવું = ભાંગી જવું, મોલાત = પાક, મિલકત, ઉસ/લૂણ = મીઠું, ખારાશ, કો = થોડું, (some) કથીર = તુચ્છ, વેળુ = રેતી (sand), હેમ = સોનું, સ્વર્ણ

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

2 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest