વ્યક્તિમાં સ્વીકારભાવ બહોળો હોય તે એક ઉમદા ગુણ છે પરંતુ, જેમ દરેક સીક્કાની બે બાજુઓ હોય તેમ અહીં પણ જેટલી સ્વીકાર કરવાની કાબેલિયત વધુ તેટલી, અવાંછિત અનુભવોનો સામનો થવાની શક્યતા વધુ! આ મોટા મનનાં વિરલાઓએ પોતાનાં સ્વભાવ, સંસ્કાર અને વર્ષોમાં અર્જિત અનુભવસિદ્ધ સિદ્ધાંતોને સાથે લઈને સતત ટીપાતાં, કુટાતાં, લડતા, ઘવાતા, હારતા, જીતતા તેમજ એક વણમાગ્યો અજંપો સાથે લઈને જીવવાની તૈયારી રાખવી જ રહી… ક્યાં સુધી?? કે જ્યાં સુધી પોતાની જાતને તેમજ બીજા લોકોને એ જેવા છે તેવા જ સ્વીકારી ન લઈએ ત્યાં સુધી!
Read new sad poetry in Gujarati this week. Visit all Gujarati Poems by Author Here.
એક અસાધારણ, લાગણીશીલ માણસ આપણી સાથે જીવતા-જીવતા જે કિંમત ચૂકવી રહ્યો છે એ જાણતો હોવા છતાં ક્યારેય વ્યક્ત ન કરે. પણ, તેને રોજ બહારથી મળતા ઘા રૂઝાય નહીં ત્યાં સુધી પીડે તો ખરા જ ને? એટલે જ કદીક જો આ માણસ પોતાની વેદનાને અને સમાજના કે તેની આસપાસના લોકોનાં વ્યવહારને વાચા આપે તો શું કહે એ જ આ સુંદર રચનામાં વ્યક્ત થયું છે. આપણે કોઈ સાથેના વ્યવહારમાં ભલે એમ સમજતા હોઈએ કે આપણે વધુ ચાલાક છીએ અને સામેવાળાને કશી સમજ નહીં પડે પણ, જેનું સમજદારી અને લાગણીનું સ્તર સામાન્ય માણસ કરતાં વધુ હોય તેનું અનુભવવાનું અને વ્યક્ત કરવાનું સ્તર પણ બીજા કરતા અલગ જ હોવાનું. આવા જ એક લાગણીસભર, સહનશીલ છતાં અસાધારણ વ્યક્તિત્વની ભાવનાઓ વાંચીએ પ્રસ્તુત રચનામાં…
” શિકાર થવા ને સ્વીકાર કરવા હું જ જાણે સર્જાયો છું.
રમકડું છું; રમાઈ ગયે, ઘા થવા સર્જાયો છું.
તલ્લીન થઇને ટીપે-ટીપે, વિલીન થવા સર્જાયો છું.
ઝાકળીયો છું ભીનો-ભીનો; કોઈના તાપે બુંદે-બુંદ, ઉડી જવા સર્જાયો છું.
પ્રેમ જાણે ‘ખો-ખો’ ની રમત, એક ઝાટકે તગેડાયો છું.
કમળની જેમ ઊગી પછી, કાદવ થઇ કચડાયો છું.
લાગણીના વરદ હસ્તે, નાળિયેર થઇ વધેરાયો છું.
અથડાયો છું, કૂટાયો છું, રહેંસાયો છું, રૂંધાયો છું.
જીવતાજીવ અગ્નિદાહ અપાઈ, રાખ થઇ ધૂંધળાયો છું.
વહેતી ગંગાનાં સ્નેહ-વહેણમાં,અસ્થિ બની સમાયો છું
નડતરરૂપે શ્રાદ્ધ-પક્ષમાં હું બહુ જ પંકાયો છું,
કાગડાઓની ચાંચે-ચાંચે, ઓહિયા થઇ હોમાયો છું.
રક્તની માફક લોહીલુહાણ રહેવા હું સર્જાયો છું.
શિકાર થવા ને સ્વીકાર કરવા હું જ જાણે સર્જાયો છું. ”
Find more sad poetry in Gujarati at Kavilok.