સુખ, દુઃખ અને આપણે! – Gujarati Poetry

gujarati poetry sukh dukh ane apne swatisjournal

સતત ચાલતી કોઈ પરિસ્થિતિ મનને આનંદ આપતી નથી. જેમ રોજની એક જ ઘરેડ અણગમાની લાગણી જન્માવે છે તેવી જ રીતે સુખ કે દુઃખ એકધારું રહે તો અકારું લાગે છે. જેમ, ભોજનમાં રુચિ જળવાય તે માટે બધા સ્વાદ હોવા જરૂરી છે તે જ રીતે, જીવનમાં સ્વાદ રહે તે માટે સુખ-દુઃખનું સંતુલિત સંયોજન ખુબ જરૂરી છે, છે ને?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

સુખનો તો સ્વભાવ જ કોઈ મિષ્ટાન્ન સરીખો;

ને, દુઃખ જાણે કાયમનો એક પાડોશી અદેખો,

ન ગળપણ માળું પેટ ભરીને રોજ જમાય,

ને, પાડોશ વિના તો સાવ એકલું કેમ જીવાય?

તો, મધુર કોળિયો પાડોશી સંગ વહેંચીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

સુખ તો જાણે દૂર વસંતો કમાઉ દીકરો;

ને, દુઃખનું કેવું, રોજ ભેળું ને પાછો સ્વભાવ આકરો,

કમાઉ છોરો રોજેરોજ કંઈ આવે નહીં;

ને, ઘરમાં દુઃખને નિત જોવાનું ફાવે નહીં,

દુઃખ પાસેથી કશુંક મેળવી, સુખને ન ઝૂરીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

આપણી આસનાં આકાશે શીત સોમ જ છે સુખ;

પણ, રોજ તપાવી, કંચન કરતો ભાનુ તો દુઃખ!

થીજવી દેતી એકલી ટાઢક શું કરવી છે?

ને, શું ઘાયલ કરતી બળતરાની બરણી ભરવી છે?

એને બદલે, શીત-તપ્તનું સંતુલન જો કેળવીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • 2 Comments

    Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal