તને ગમશે? – Gujarati Poetry

Gujarati poetry tane gamshe written by Swati Joshi

લાગણીનાં સંબંધોમાં જયારે સામાજિક વ્યવહાર, બીજાનાં વિચાર અને આત્મકેન્દ્રી આચાર (behavior) પ્રવેશે ત્યારે એ મૂળ સત્વ ગુમાવી દે છે. ફૂલદાનીમાં રાખેલા સાચા ફૂલો અને પ્લાસ્ટિકનાં નકલી ફૂલોનો ભેદ સમજાતો હોય તો, કોની, ક્યાં અને કેટલી દરકાર કરવી જોઈએ એ સમજી ગયા હશો, ખરું ને?

સંબંધોનાં આયનામાં બસ સોહામણી છબીઓ જ રમશે,
આવું કરવામાં જો હું; હું ન રહું, તો તને ગમશે?

હેતે વસાવેલી લાગણીની નગરીમાં,
અહંની ભૂતાવળ વસવાને આવે;
પ્રેમે છલકાતી મનની નાનકડી ગલીઓમાં,
અહમ્ નાં ઓછાયા પ્રસરશે, તો તને ગમશે?

ભાવનાની ડાળીઓનાં વ્હાલપનાં ફૂલો પર,
આપણાં સંબંધની રૂડી દેવચકલીઓ;
ભારે હૃદયે ને રૂંધાતા કંઠે,
હળવેથી ગાતી અટકશે, તો તને ગમશે?

સતરંગી સપનાની ખેતી છે આપણી,
સ્નેહતણી ઝાકળની પિયત અનિવાર મહીં;
ઠંડા સંબંધોમાં હૂંફનાં અભાવે,
અહીં લવણતા જો વરસશે, તો તને ગમશે?

કહેવાતા શબ્દોમાં ‘સ્વત્વ’ સામેલ હોય,
સમાજ, રિવાજ કે વ્યાવહારિક ખલેલ હોય;
ત્યારે અંતરનાં ભાવની ફોરમતી કુમાશ પર,
વેદનાનું રણ જ વિસ્તરશે, એ તને ગમશે?

બાકી તું કહે તો,
સંબંધોનાં આયનામાં બસ સોહામણી છબીઓ જ રમશે,
આવું કરવામાં જો હું; હું ન રહું, તો તને ગમશે?

*અનિવાર = અનિવાર્ય ,unavoidable , લવણતા = ખારાશ,salanity

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal