સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે!
ખેવનાની ફ્લાઈટ ટાઈમ પર હતી. સ્તુતિ પોતાની વ્હાલી દીકરીને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી રહી હતી. પાછા ફરીને લોક ખોલી, સેલફોન ચાર્જીંગમાં મૂકી અને હજી પાણીનો ગ્લાસ હાથમાં પકડ્યો જ હતો ત્યાં, સ્તુતિએ લેન્ડલાઇન ફોનની રીંગ સાંભળી. સામેનાં છેડે, તેની બહેનથી પણ વિશેષ મિત્ર કાવેરી હતી.
“તારો મોબાઈલ બંધ છે?” સામેથી કાવેરીનો અવાજ રણક્યો.
“હા, બેટરી ગયેલી..” સ્તુતિએ કહ્યું.
“અરે સોરી યાર સ્તુતિ, મારાથી એરપોર્ટ ના પહોંચી શકાયું; ખેવના નીકળી ગઈ કે?”, માફી માંગતા કાવેરીએ કહ્યું.
“હા, ફ્લાઈટ એકદમ ટાઈમ પર હતી. પણ, તું આજે આખો દિવસ ક્યાં હતી? મેં બપોરે પણ તને કૉલ કરેલો.” સ્તુતિએ સહજતાથી પૂછ્યું.
કાવેરીએ થોડા ગંભીર અવાજ સાથે સ્તુતિને કહ્યું, “સ્તુતિ, મેં અત્યારે એ કહેવા જ ફોન કર્યો છે. સાંભળ, અનિરુધ્ધ અહીં છે. અમે સવારથી જ તેની સાથે છીએ અને તેને સીટી હોસ્પિટલમાં એડમીટ કર્યો છે. તેની હાલત સારી નથી.”
સ્તુતિ માટે આ તદ્દન અણધાર્યું હતું.
“હેલ્લો સ્તુતિ, તું સાંભળે છે?”, કોઈ જવાબ ન મળતા કાવેરીએ પૂછ્યું.
એકાદ મીનીટના અંતરાલ બાદ સ્તુતિ માત્ર એટલું જ બોલી શકી, “કાવેરી, હું થોડીવારમાં કૉલ બેક કરું…!”
તેનાથી ફોન મુકાઈ ગયો. એ બાજુના સોફા પર બેસી પડી.
ડિવોર્સ બાદ, છેલ્લા 10 વર્ષમાં ક્યારેય કોઈ સમાચાર નહીં અને આમ અચાનક જ અનિરુધ્ધનું શહેરમાં હોવું એ સ્તુતિ માટે સહજ સ્વીકાર્ય ન હતું.
સ્તુતિ એક જ ક્ષણમાં બાવીસ વર્ષનું અંતર કાપી ગઈ… સાથે જ જોબ કરતાં, મન મળી ગયા અને અનિરુધ્ધ સાથે જાણે કાલે જ સંસાર શરુ કર્યો, પ્રેમ અને સમર્પણ સાથે નવા સજાવેલા સપનાઓ સાકાર કરવામાં વ્યસ્ત સ્તુતિને ખેવના સ્વરૂપે મળેલી ભેંટ દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર મળ્યો હોવાની લાગણી દઈ ગયેલ, સમય જતા બધા સાથે બને છે તેમ જ પતિ-પત્ની બંનેની પ્રાથમિકતાઓ બદલાઈ, કામનો બોજ પણ વધ્યો, આ દરમિયાન બંને વચ્ચે વધતું જતું અંતર સ્તુતિ નજરઅંદાજ કરી શકતી હતી, અનિરુધ્ધ એ કરવા સક્ષમ ન હતો. ધીમે ધીમે તણાવ વધ્યો, ઝગડા વધ્યા અને નાની નાની વાતમાં પણ લાગણીઓ ઘવાવા લાગી. આ બધામાં ખેવના કેવી રીતે, ક્યા વાતાવરણમાં મોટી થઇ રહી છે એ બંને ભૂલી જ ગયા હતા. બસ, આમ જ એક દિવસ અનિરુદ્ધે કહ્યું કે તેનાથી હવે આવી રીતે સાથે આગળ નહીં જ વધી શકાય. સ્તુતિને આંચકો તો લાગ્યો પણ, સરળ તો નહીં જ રહે એ જાણવા છતાં, ત્રણેય માટે કદાચ એ જ યોગ્ય રહશે તેમ માની તેણે પણ અનિરુધ્ધનાં અલગ થઇ જવાના નિર્ણયને કોઈ પ્રશ્ન વિના જ સ્વીકારી લીધો. ત્યારબાદ, અનિરુધ્ધ જીવનમાં આગળ વધી ગયો અને સ્તુતિએ ખેવનાની પ્રગતિને પોતાનાં જીવનનું ધ્યેય બનાવી લીધું.
બધું એકસામટું જ કોઈ ફિલ્મની જેમ સ્તુતિનાં માનસ-પટલ પર તરી આવ્યું.
હવે આટલા વર્ષે અનિરુધ્ધ વિશે આવા સમાચાર સાંભળી અંદરથી હચમચી ગયેલી સ્તુતિ પોતાને સંભાળે ત્યાં, તેના મોબાઈલ પર એક મેસેજ બ્લીંક થયો.
મેસેજ ઓપન કર્યો, “આજે સવારે જ મારી એમની સાથે વાત થઇ… ડેડીને તારી જરૂર છે! તું દુનિયાની સૌથી બહાદુર સ્ત્રી છે. તને હંમેશા ખબર હોય છે કે શું કરવાનું છે અને તું જે કરે તેમાં હું તારી સાથે જ હોઈશ.. લવ યુ મા!” ખેવના નો મેસેજ હતો.
સ્તુતિ માટે બધું એક જ સેકંડમાં સ્પષ્ટ થઇ ગયું હતું.
તેણે મોબાઈલ ઉઠાવી, કૉલ જોડ્યો, “મને વોર્ડ નંબર વગેરે મેસેજ કર, તેં કંઈ ખાધું છે કે કંઈ પેક કરાવતી આવું?”
લગભગ અડધી કલાક બાદ, હોસ્પિટલ તરફ જતી ટેક્સીમાં શાંત અને સ્થિર મન સાથે બેઠેલી સ્તુતિએ હળવેથી આંખો બંધ કરી. ઘરથી હોસ્પિટલનાં રસ્તે દોડતી ટેક્સી જાણે બે સ્થળોનાં અંતર સાથે, સ્તુતિ-અનિરુધ્ધ વચ્ચેનાં વર્ષોનાં અંતરને પણ કાપી રહી હતી!
એકદમ સહજ અંત. આ દાયકા ના દામ્પત્ય નું શબ્દ ચિત્ર.????
આભાર! ?
આપની વાત સાચી છે. અત્યારે સામાજિક વ્યવસ્થાની સાથે સાથે જ લોકોની માનસિકતા પણ ઘણી બદલાઈ છે. પહેલાની અને અત્યારની દરેક વ્યવસ્થાનાં પોતાના લાભાલાભ છે. છતાં, ભારતીય હોવાને નાતે મોટા ભાગનાં ઘરોમાં અનિવાર્ય ન હોય ત્યાં સુધી, કોઈ પણ સંબંધ પર સાવ પૂર્ણવિરામ મુકવું એ પહેલા પણ ચલણમાં ન હતું અને આજે પણ નથી.