હિસાબ ચૂકતે! – Gujarati Poetry
WRITTEN BY Swati Joshi
Shares

ચાલ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ,
પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ.

બહુ લીધું-દીધું તો કંઈ નથી, જો ને નડ્યા આ સમય ને અંતર;
હા, છે થોડી વાતો, થોડા પરિહાસ ને ઢગલો મત-મતાંતર.

લઈએ પ્રેમ ને પીડા અડધા-અડધા, પ્રાર્થનાઓ સૌ તારી;
બસ, તારું મન હું રાખી લઉં છું, બાકી ન કોઈ ઉધારી;

હિજરાવાનો હક્ક હું રાખું, શાતા તારે નામે કરીએ;
વીણી-વીણીનેે કામનાઓની નાની-મોટી ગાંસડી ભરીએ.

એળે ગયેલી મંછાઓનો આખો એક ઓરડો ભર્યો છે;
તારે જોઈએ તો લઇ જા થોડી, મેં એ દાવો જતો કર્યો છે.

આ લાગણીઓનું શું કરવાનું ? બહુ ભારી વિમાસણ છે;
જોખી, સરખી વહેંચી લઈશું , માપનું કોઈ વાસણ છે?

સુખ, શમણાં તું લઇને જાજે, જબરો મોટો ભારો છે;
અજંપાઓને હું રાખી લઉં છું, આ વખતે મારો વારો છે.

અનુકંપાનાં બે-બે અશ્રુ આંખોમાં સાચવી લઈશું;
બાકી, સઘળો હિસાબ ચૂકતે; એમ જ સૌને કહીશું.

તો બસ, આજે છુટ્ટા પડતા પહેલા હિસાબ કરી લઈએ?
પોત-પોતાનાં હિસ્સાની જણસો વહેંચી લઈએ!!

Love what you read? Click on stars to rate it!

As you found this post useful...

Share this post with more readers.

8 Comments
Inline Feedbacks
View all comments

Pin It on Pinterest