સ્વસ્તિશ્રી ધરમપુરમાં વસતાં કરમ કેરાં રાજા,
એતાનશ્રી લોક પ્રથવીથી, એક માણહના રામ-રામ!
સૂરજ ઉજયો-આથમ્યો કેટલીયે વેળ, ને’ દા’ડો મારો પૂરો થયો;
રાત-દન નાં હાંધામેળે, જન્મારો આખો ગયો.
મંછા ઝાઝી, ત્રેવડ ઓછી, સમાજ ચાંપતો અંગારો;
કેવી થાયે લાગણી તૈયે, તુને ના આવે વરતારો.
કામ કુટીને, જાત ઘહીને, ભેગું કરીએ થોડું હખ;
વાંહે-વાંહે જીગા કરીને, પહોળું થાતું આવે દખ.
ભૈ-બુનો ને’ છૈયાં છોરાં, પંડ્ય ને, ભેગી પાછી બઈ!
વેવારુંની સોડ તાણતાં, ખરી આકરી વનેગત થઈ.
બાજરા-જાર ની કોઠિયું ભરતાં, હાંધા મારા ‘વા’ એ ભર્યા;
ભૈ થી બાપા ને’ છોરુએ હવે તો, બાપામાંથી ‘ડોહલ’ કર્યા.
ભણે, ગણે ને વરે-પૈણે હઉ, સઈ ચાકરીનો મોટો ભારો;
દાંડિયા-હાંડીયા હૌનું કરતાં, હાવ છેલવારકો મારો વારો.
ટૂંકો પડું તૈ દુભાઉં ઘણો ને’, ઘોઘરે મારેય ડૂમો ભરાય;
નબળી છાતીએ ડચૂરો બાઝે પણ, મરદથી પોચકા ઈમ નો મુકાય!
કરમનાં રાજા લઈ લે ટીપણું, મેં તો મારી જીવની કહી;
અંતરીયાળે મ્હાયલો જાણે કે ‘બહોત ગૈ ને’ થોડી રૈ!’
કે’શે ‘નાસજે પ્રાણિયા આગ આવે’ ને’, હવે છો જમડા ઘર ગોતે;
ચબરખીએ ચીતર્યું છે જીવતર મેં તો, નીચે લખું છું સઈ દસ્તક પોતે!!
*પ્રથવી=પૃથ્વી, ઉજયો=ઊગ્યો, માણહ=માણસ, હાંધા મેળ=વ્યવસ્થા, વરતારો=અંદાજ, હખ=સુખ,દખ=દુ:ખ, ભૈ-બુનો=ભાઈ-બહેનો, પંડ્ય= જાત(પોતે), બઈ=સ્ત્રી, સોડ તાણતાં= ચાદર બિછાવતાં, વનેગત=દશા, હાંધા=સાંધા, સઈ=સેવા, હૌ=સૌ, છેલવારકો=છેલ્લો, ઘોઘરે=ગળામાં, ઈમ=એમ, કે’શે= કહેશે, મ્હાયલો=અંતરાત્મા, જમડા=યમ