કર્મ તો જાણે કોટવાળ કોઈ;
વીંઝે ચાબખા, પૂરે તુરંગે
આમ માનતો મનુજ મગતરો,
દે કર્મોની બલિહારી!
જીવન જાણે વિઘોટી કર્મ ની;
કષાયનું વ્યાજ ને પુણ્યની મૂડી
ખોળાથી લઈને ખાંપણ સુધી,
બસ કર્મની ખાતેદારી!
નિતાંત તર્કથી કલુષિત કાળજે;
આસ્થા કે વિશ્રંભ વસે ના
મનુજના મનમાં કરપ કર્મની,
ને એની જ તાબેદારી!
જીવતરનાં આ ત્રાજવે કદી જો;
કર્મને તારા તોળશે હરિ તો
એક પલ્લામાં કર્મો તારા,
બીજે પલ્લે પ્રાર્થના મારી!
મારી શ્રધ્ધાનો એક અલગ દરજ્જો;
કર્મ છો તારા રખેવાળ હો
પ્રાર્થના ની તો વાત જ ન્યારી,
ખુદ હરિ એના પ્રતિહારી!!
*તુરંગ= કારાગૃહ, વિઘોટી= મહેસૂલ, કષાય= પાપ, કલુષિત= ભ્રષ્ટ, વિશ્રંભ= વિશ્વાસ, કરપ= ધાક