મન પુલકિત થાય એવી એક જ ક્ષણ માગું છું.
હું ક્યાં આખો દરિયો કે પૂરું રણ માગું છું?
બસ, પગ ખોડી શકું તેટલો સહારો જ પૂરતો છે
થોડી સ્થિરતા જ માગી છે-
ક્યાં સંગે પરિભ્રમણ માગું છું?
નીચી નજરથી રાખું છું બંધ દરવાજા મનનાં
મર્યાદાનાં વર્તુળ વચ્ચે-
ક્યારેય અતિક્રમણ માગું છું?
કે નથી સરળ કે સહજ કેળવવો સ્વાદ સંતૃપ્તિનો,
એટલે જ તો-
કદી હેત ની સાકર,
કદી વિરહનું લવણ હું માગું છું!
મન પુલકિત થાય એવી એક જ ક્ષણ માગું છું.
હું ક્યાં આખો દરિયો કે પૂરું રણ માગું છું?
*અતિક્રમણ = transgression (ઉલ્લંઘન), લવણ= Salt (મીઠું)