‘મહાત્મા’ તો એમ જ છે બદનામ,
માણસ છે મજબૂરીનું બીજું નામ!
અલગારી બચપણ બાંધવા મથતો;
શિષ્ટાચારથી નાથવા મથતો,
પણ,
પગને પાંખો એ તો બનાવે,
ઊડે બચપણ બેફામ.
માણસ છે મજબૂરીનું બીજું નામ!
અભ્યુદયનો પંથ યુવાની;
દગ્ધ રક્તથી લખે કહાની,
તોયે,
હો કંકુ,કસુંબો ચાહે કટારી,
અભિપ્સાઓ જ બનાવે ગુલામ.
માણસ છે મજબૂરીનું બીજું નામ!
વયસ્ક કેરી વ્યથા અકારી;
વિધેયથી વિચ્છેદ ની તૈયારી,
વૈશ્વાનર ભણી ગતિ અનર્ગલ,
તોયે,
બનતું ના અયન આસાન!
માણસ છે મજબૂરીનું બીજું નામ!
સફર બીજથી વિપાક સુધીની;
એકલતા થી સંગાથ સુધીની,
પારણું, વેદી કે છેલ્લે ચેહ બસ,
ક્યાંય-
મનીષા એની આવે છે કામ?
‘મહાત્મા’ તો એમ જ છે બદનામ,
માણસ છે મજબૂરીનું બીજું નામ!
*અભ્યુદય = Progress,અભીપ્સાઓ =Keen desires,વિધેય = establishment, વિચ્છેદ = separation, વૈશ્વાનર = Fire, અનર્ગલ = Uncontrolled, અયન = Departure, વિપાક = Fruit,વેદી = Altar, ચેહ = Pyre,