આંખોથી આત્મા સુધી પ્રસરી ગયેલી લાગણીઓથી પીછો છોડાવી શકાતો નથી. જુદાઈનું રણ કોઈને પણ જાણ ન થાય એમ અંદરખાને વિસ્તર્યા કરે છે અને શહેરોની વચ્ચે પણ મનની અંદર ક્યારે વેરાન વગડો ઉભો કરી દે છે એ ખબર પણ રહેતી નથી. તો, એવા વગડે ભમતા નજરોનાં હરણાં શું કરે છે એ જોઈએ…
નજરોનાં હરણાં કદી-કદી તો તને શોધવા આવે છે
એ તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
લાગણીઓથી છલી પડેલા સરોવરો પર,
મર્યાદાનાં પાળા ભલેને ચણાઈ ગયા;
તારા નામે કાંકરીચાળો કોઈ કરે તો,
યાદોનાં વારિ નયન હજી છલકાવે છે! એ તો કહે…
નથી હવે એ આમ્રકુંજ ના બાગ-બગીચા,
મુરજાયેલી ભાવના સુકી ભઠ્ઠ ભલે ને;
વિરહનાં તાપે ખરી રહેલી કોમળ કળીઓ,
નામ સાંભળી તારું, મોં મલકાવે છે! એ તો કહે…
તારા સાથની આશનાં વાદળ આઘા છો ને,
કુરંગ નજરોનાં જરા એમ તો જીદ્દીલા છે;
વિછોહી મનનાં દુઝી રહેલા ઘા ને કોરી,
ખુદનાં શોણે મનની પ્યાસ બુઝાવે છે! એ તો કહે…
તને શોધતાં હરણાંઓની ઇહા ફળે ને,
વગડે ભમતા તારો કદીએ સાથ મળે તો;
કંટક વચ્ચે ગુલછડી કેરી આરત સાથે,
હજુ તો હરણાં વિષાદને હંફાવે છે!
હવે તો કહે, તને કેમ શહેરોનાં વગડા ફાવે છે?
*વારિ = પાણી, કુરંગ = હરણ, વિછોહી = વિરહથી પીડાતા, કોરી = કોતરીને,
શોણ = રક્ત, ઈહા = ઈચ્છા, આરત = આશા, વિષાદ = નિરાશા
ખુબજ માર્મિક…
ક્યારેક ટોળા વચ્ચે પણ ચાલતા એકલતા હંફાવી દે છે તો ક્યારેક લાખો ચિચયારીઓ વચ્ચે પણ એક જ સાદ સંભળાય છે, કોઈ લાગણીએ હૃદય માં પાયા નાખી દીધા હોઈ તે ઇમારત તમે ધ્વસ્ત કરી શકો પણ તે પાયા હંમેશા હૃદય ના પોલાણ માં હલચલ કર્યા જ કરવાના.
After very long time ,I read some valuable Guj.letrature,bravo Swati
વરુણ, આટલી હૃદયસ્પર્શી કમેન્ટ બદલ ધન્યવાદ!
સાવ સાચું કીધું કે હૃદયનાં પોલાણમાં હલચલ ચાલુ રહે છે… અને આ હલચલ જ શબ્દોનાં ધરબાયેલા હીરાઓનાં પ્રાગટ્યનું કારણ પણ બને છે.
વાંચતા રહો… મને પરત લખતા રહો… અને જો શેયર પણ કરતા રહો તો તો, સોનામાં સુગંધ!
સાભાર,
સ્વાતિ
Yogeshbhai, thank you very much!
Your words really mean a lot… This encouragement helps me do better every time.
Bless me with your presence here.
Keep writing me back….
Swati