આ બે મટીને એક થવું ને એકમેક માં ભળી જવું,
આ પ્રેમનાં નામે આવું અઘરું, સાવ મને સમજાય નહીં!
જો તું તું છે ને હું હું છું; તો આપણ-આપણ શાને રમવું?
આ ‘બેબી’, ‘જાનુ’, ‘લવ’ કે ‘ડાર્લિંગ’, સાવ મને સમજાય નહીં!
તું ચાહે એ હું આપું અને જે જોઈએ હું માગી લઉં,
આમ અસમંજસમાં ગગન તાકવું, સાવ મને સમજાય નહીં!
હા એ હા અને ના પણ હા? કોયડા બધા છે અઘરા બહુ,
ગ્રીવાનું જમણું-ડાબું નર્તન, સાવ મને સમજાય નહીં!
ભેંટ-સોગાદો, વ્રત ને વાયદા; સાબિતીનાં સાધન સહુ,
‘પ્રેમ કરું છું’,ક્યાં લખ્યું છે? સાવ મને સમજાય નહીં!
મળવા-ગમવાની તારીખો ને ગણે સંગે વિતતા વર્ષો સૌ,
આ જીવન છે કે કેલેન્ડર? સાવ મને સમજાય નહીં!