કલ્પનાની પાંખો કદી તમને પણ લાગે ખરી?
દ્વાપરથી કલિકાળ માં આવો જો તમે ફરી,
તો શું-શું કરો હરિ?
મથુરા એટલે પોલ્યુશન ને પોલિટિક્સ બસ;
એમાં તવ પ્રિય યમુનાનું આચમન પણ ના શકો ભરી,
તો શું કરો હરિ?
રાધા-મીરાંનો ઇશ્યૂ આ કાળમાં પણ રહેવાનો;
લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ નડશે તમને ફરી,
ત્યારે શું કરો હરિ?
પાંડવ-કૌરવ અહીં એક કાયામાં સૌ સંગે વસે છે;
સિસ્ટમ માલફંક્શનના નામે સઘળું એકમાં દીધું ભરી,
તમે પણ શું કરો હરિ?
ગ્રહો કરતાં અહી આગ્રહો નું નડતર છે મોટું;
સોશિયલ થવાના ચક્કરમાં ભૂલી જશો જો બંસરી,
તો શું કરો હરિ?
માણસ-માણસ રમવામાં અહી ડિપ્રેશન પણ આવે;
એમાં જ “શું”, “કોણ” અને “ક્યાંથી” એ પણ જાઓ જો વિસરી,
તો બોલો શું કરો હરિ??