Instagram: @ smallst0ry
આજકાલ લાંબુ લખવું કે વાંચવું ભલે ચલણમાં ન હોય, સારું વાંચવું એ પહેલા જેટલું જ સરાહનીય ગણાય છે. વાર્તાઓ સમાજમાં બનતી ઘટનાઓના અરીસા જેવી હોય છે. અહીં પ્રસ્તુત Small Stories પણ આવી જ ઘટનાઓ કે અનુભવોનું પ્રતિબિંબ છે. વ્હાલા વાચકો આ વાંચીને પોતાની આસપાસ જોવા મળતા આ વાર્તાઓનાં પાત્રો સમાન લોકો સાથે હૃદયથી જોડાઈ શકશે એવી આશા સાથે…
01. તપસ્યા
અર્ચનાબહેન દિવ્યાંગ દીકરીને મોટી કરવામાં પ્રૌઢત્વને ઉંબરે આવી પહોંચ્યા હતા. શારીરિક કે માનસિક રીતે અક્ષમ લોકો પ્રત્યે દયા કે કરુણા બતાવી શકતો સમાજ આજે પણ, એમને સમાન દરજ્જો આપવાનું સ્વીકારી શકતો નથી જ. તેનાથી વિપરીત અર્ચનાબહેન દીકરીને સાથ આપી શકે તેવો જ જમાઈ પસંદ કરી આવ્યા. બંનેનું માનસિક સ્તર કોઈ નાના બાળક જેટલું અને આ બંને બાળકોની પ્રેમાળ મા કે સાથી એટલે અર્ચના બહેન!
હમઉમ્ર સ્ત્રીઓની જેમ કથા, અનુષ્ઠાન, દેવ-દર્શન કે સભા-કીર્તનમાં ક્યારેય ન જોવા મળતાં અર્ચનાબહેનને ઘરે આજે ઓચ્છવનો માહોલ છે. દીકરીને ત્યાં જન્મેલ પુત્રને આજે છ મહિના પુરા થયા છે અને આજે જ ડોકટરે કન્ફર્મ કર્યું છે કે, બાળક શારીરિક તેમજ માનસિક રીતે તદ્દન સ્વસ્થ છે! આખા જન્મનો પુણ્યપ્રતાપ જાણે આજે ફળીભૂત થયો હોય એમ, પતિ સાથે હિંચકે ઝૂલતાં અર્ચનાબહેનનો ચહેરો સંતોષ અને આનંદથી દમકી રહ્યો છે. (Rasa – Karuna)
—
02. રમત
પાંચેક વર્ષનાં વિનીતનાં માતા-પિતા એવા અજયભાઈ અને મીતાબહેન માટે પાડોશમાં રહેતો મનોજ જાણે વરદાનરૂપ હતો. કૉલેજ પૂરી કરી આગળ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છુક મનોજ ઘરે જ રહેતો. અજયભાઈ અને મીતાબહેન બંને નોકરી કરતાં હોવાને કારણે મોટે ભાગે શનિ-રવિમાં જ વિનીતને સરખો સમય આપી શકતાં. બાકીનાં દિવસોમાં વિનીત બપોરનાં સમયે મનોજ સાથે રમતો એટલે વિનીત, અજયભાઈ, મીતાબહેન અને વિનીતની દેખભાળ માટે રાખવામાં આવેલ આયા બધાં ખુશ હતા. આજે ફરીથી એક રવિવાર; બંને પાડોશી પરિવાર સાથે જમવાનો પ્રોગ્રામ બનાવી, અજયભાઈના ઘરે એકઠા થયેલા છે. રસોઈમાં મદદ કરી રહેલ મનોજ કંઇક કામથી ડ્રોઈંગ રૂમમાં આવ્યો. તેનાં હાથમાં રહેલ ચાકુ જોઈ વિનીત તરત પોતાનાં શોર્ટ્સ ઉતારી ડરતાં–ડરતાં બોલ્યો કે, “આજે તો બધા ઘરે છે, મનોજ ભૈયા! આપણે આજે પણ રમવાનું?” આક્રોશ, ધુત્કાર, આઘાત શાને લીધે એ ખ્યાલ નથી આવી રહ્યો પણ, આટલા મોટા ઘરમાં પણ અજયભાઈ અને મીતાબહેનનો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. (Rasa – Vibhatsa)
—
03. રંગારંગ
સવજીભાઈ એટલે એકદમ સીધો-સાદો ખેડૂત માણસ. સ્વભાવ અને જીવન બંને સાવ સરળ. દીકરો નોકરી લઇ શહેરમાં સ્થાયી થયેલ હોવાથી, સવજીભાઈ પણ હવે શહેરી બન્યા. સવજીભાઈને પાડોશમાં રહેતા મનુભાઈ સાથે સારી ભાઈબંધી થઇ ગઈ હતી. નિર્દોષ ટીખળ, રમૂજ અને અલકમલકની વાતોમાં બંનેનો સમય સરસ પસાર થઇ જતો. આજે સોસાયટીમાં કોઈક ધાર્મિક ઉજવણી માટે સૌને આમંત્રણ હતું. હવે ધાર્મિક કાર્યક્રમો મોટે ભાગે પાર્ટી તરીકે જ ઉજવાય છે ત્યારે અહીં પણ નાચ-ગાનનો રંગારંગ કાર્યક્રમ હતો. મોટેથી વાગતું ફિલ્મી સંગીત અને તેની ધૂન પર વિચિત્ર હાવભાવ અને અંગ-ભંગિમા સાથે નાચતાં લોકો વયસ્કો માટે ક્યારેક અરુચિકર બની રહે છે. બંને મિત્રો એકબાજુ બેસીને આ કાર્યક્રમ જોવા લાગ્યા.
સવજીભાઈ – નાનપણમાં આવા કાર્યક્રમો જોયાનું યાદ આવે કે નહીં?
મનુભાઈ – શું વાત કરો છો! આપણા વખતમાં આવું ક્યાં હતું કંઈ?
સવજીભાઈ – કાં ભવાઈ કે રામામંડળ નથી જોયાં?
એકબીજાને તાળી આપી બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા. (Rasa – Hasya)
—
04. ભાવતાં ભોજન!
શહેરથી દૂર આ પહાડી વિસ્તારમાં રતિ સાથે રજાઓ ગાળવા આવેલ તેજસ તાજાં શાકભાજી લેવા બજારમાં નીકળ્યો છે. અહીં રસોઈયો છે, જે મહેમાનોની પસંદગી મુજબ રાંધી આપે છે. બજારથી પાછાં ફરતા, વ્હાલા લાગે એવા ગોળમટોળ બે બાળકો તેજસની સાથે આવવા લાગ્યા. કોટેજ પર પહોંચતાં જ બંનેએ રસોઈયાને સ્થાનિક ભાષામાં કંઇક કહ્યું. જગ્યા નાની હતી એટલે બધા એકબીજાને ઓળખે એ સ્વાભાવિક છે. એટલે આ બંને બાળકો રસોઈયાની ઓળખાણે જમવાનાં હેતુથી સાથે આવ્યાનું તેજસ સમજી ગયો. તેજસ ફ્રેશ થઇ બહાર આવ્યો ત્યારે જમવાનું પીરસાઈ રહ્યું હતું. રતિને ગાર્ડનમાંથી આવી જવા માટે અવાજ દઈ, પેલા બંને બાળકો સાથે તેજસ ટેબલ પર ગોઠવાયો. રતિ આવી નહીં એટલે તેજસ બોલાવવા જવા લાગ્યો. એવામાં તેની નજર બાળકોએ ભરેલ સૂપનાં બાઉલ પર પડી, અદ્દલ રક્તરંગી સૂપમાં રતિની કપાયેલી આંગળી પડેલી છે. બંને બાળકો તેજસ સામે હસી રહ્યા છે, એમનાં તીક્ષ્ણ પાશવી દાંત એમનાં મનુષ્ય ન હોવાની સાક્ષી પૂરી રહ્યા છે! (Rasa -Bhay)
—
આશા છે આપને આ Small Stories ગમી હશે. આપણે રોજબરોજનાં જીવનમાં આવા સવજીભાઈ, મનુભાઈ, અર્ચનાબહેન કે પછી મીતાબહેનને મળ્યા હોવાનું યાદ કરાવે છે આ વાર્તાઓ? તો, આપ પોતાનાં અણમોલ પ્રતિભાવ વડે અમારા આ પ્રયાસને બિરદાવવાનું ચૂકશો નહીં તેવી કામના સહ, ફરી મળીએ આવતા અઠવાડિયે!