વાર્તાઓ મનુષ્યને પોતાનાં વિશે તેમજ બીજા માણસો વિશે અર્થપૂર્ણ તથ્યો કે નિષ્કર્ષ પર લાવતું એક મનોરંજક સાધન છે. વાંચ્યા પછી આનંદ સાથે મળતો બોધ કે વિચારબીજ એ વાર્તાઓની ખાસિયત કે તેનાં તરફથી આપણને મળતું બોનસ જ છે ને?
Instagram: @ smallst0ry
01. કનેક્ટેડ?
પાંચેક વર્ષથી બધા કનેક્ટેડ રહે એ માટે કોલેજનાં મિત્રોનું એક વોટ્સ-એપ ગ્રુપ બનાવેલું. વાતચીતને નામે બધા પોતાની કે બાળકોની સિધ્ધિઓ, સફળતા કે ફરવા ગયા હોય તો એ ટ્રીપ વિશેનાં સમાચાર ફોટોઝ સાથે અચૂક શેયર કરે. કોઈનો બર્થ ડે, વિમેન્સ ડે, ફ્રેન્ડશિપ ડે અને આવા કંઈ કેટલાએ ડે પર પણ બધા જ વિશ કરે. આજે ઘણાં સમય બાદ મોટાભાગના મિત્રો ઓનલાઈન હતા.
હેમલ – અલ્યા, હમણાં વતન આવું છું, બધા મળીએ.
કાર્તિક – આવ, આવ.. મારા ઘરે જ ઉતરજે.
રોશની, કોમલ, સાધના – અમને પણ બોલાવજો/ બધા ક્યાંક જઈએ સાથે/ ફેમિલીને પણ લાવજો.
કેતન – ભાઈ, મોહિત ક્યાં છે હમણાં કોઈ સમાચાર નથી. હાર્દિકને ખબર હશે..
હાર્દિક – અરે યાર, આપણે વાત નથી થઇ પણ મોહિતે ગયા મહીને સ્યુસાઈડ કર્યું.
હેમલ- ના હોય!!
હાર્દિક – હા કંઇક લોનનું ચક્કર હતું. બહુ તો મને પણ જાણ નથી.
ધીમે-ધીમે બધાનાં ‘RIP’ અને ‘ઓમ શાંતિ’ નાં મેસેજ આવવા લાગ્યા છે!!(Rasa – Karuna)
—
02. કાચ
હરિતા – નયન, તું પી ને ફરી ભાન ખોઈ બેસે એ પહેલા આજે ફાઈનલ કરીએ. ગયા મહીને તેં ફાડી નાખેલા એટલે ફરીથી બનાવડાવવા પડ્યા, તું આ ડિવોર્સ પેપર્સ પર સાઈન કરી આપ પ્લીઝ!
નયન હાથમાં રહેલ કાચનો ગ્લાસ જોરથી જમીન પર પછાડતાં, – (ગાળ) તારે ગયા મહીને જ સમજી જવાનું હતું કે ડિવોર્સ તો નહીં જ મળે.
લગ્નનાં દોઢ જ વર્ષમાં નયનનાં દારૂના વ્યસનને લીધે છિન્નભિન્ન થઇ ગયેલ પોતાનાં જીવનની જેમ વિખરાયેલી પડેલી કાચની કરચો તરફ તાકતી હરિતા જાણે કોઈ નિર્ણય લઇ ચુકી હોય તેમ અચાનક પાસે પડેલી દારૂની બોટલ ટેબલ પર પછાડી, તોડી અને તૂટેલી ધાર નયનનાં ગળા તરફ તાકીને તેની સાઈન લઇ ચુકી અને નયનને શું બની ગયું તે સમજાય એ પહેલા સાંજે જ પેક કરી રાખેલો સામાન લઇ ઘરનાં દરવાજે પહોંચી ગઈ છે.
દરવાજાની સામે રાખેલ અરીસાનો કાચ એક નવી હરિતાનું પ્રતિબિંબ ઝીલી રહ્યો છે.
(Rasa – Raudra)
—
03. પરેજી
ઉત્સાહી અને સતત નવું શીખતા રહેવા તત્પર, વસંતભાઈ માટે નિવૃત્તિ બાદ એક નવું જીવન શરુ થયું છે. બાળકો પાસેથી ઈન્ટરનેટ વાપરતા શીખ્યા પછી તો જાણે એમનાં માટે જ્ઞાનની સીમાઓ વિસ્તરી ચુકી છે.પેન્શનથી લઈને પ્રોસ્ટેટ કે પછી પાડોશી દેશની રાજનૈતિક ચાલથી લઈને પાપડનું શાક, એવું કોઈ ક્ષેત્ર નથી કે જેનો વરતારો વસંતભાઈને ન હોય!! પોતે સાંભળેલી, વાંચેલી હોય કે પછી પોતાની જાણમાં હોય તેવી દરેક વાતની પુષ્ટિ ઈન્ટરનેટ પાસેથી મેળવવી એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ બની ચુકી છે. હમણાં નસોમાં વાયુ ભરાઈ જવાની તકલીફ વધી ગઈ હોવાથી, શ્રીમતીજી સાથે વસંતભાઈ એમના સાળા કમ ફેમીલી ડોકટર પાસે આવ્યા છે. ચીવટપૂર્વક દવાઓ તેમજ પરેજી લખાવી ઘરે આવીને, ચા ની ચૂસકી લગાવતાં વસંતભાઈએ શેની પરેજી રાખવાની એ જોવા માટે પ્રિસ્ક્રીપ્શન ખોલ્યું.. ડોક્ટર સાહેબનાં એકદમ સુવાચ્ય અક્ષરોમાં લખાયેલું હતું ..
-“મેં લખેલ દવાઓ વિશે ગૂગલ કે યુટ્યુબ પર સંશોધન ન કરવું!”
(Rasa – Hasya)
—
04. પી. ટી. એમ.
આજની પેરેન્ટ્સ ટીચર મીટીંગ (પી. ટી. એમ.) માં વંદનાબહેન દીકરા ક્રિશ પાછળ કેટલો સમય ફાળવી, મહેનત કરે છે એ વિશે ટીચરને જણાવી રહ્યા છે.
વંદનાબહેન – હું રોજ કલાક ક્રિશનું ક્લાસવર્ક અને હોમવર્ક લઈને બેસું છું. હું પૂછું ત્યારે બધું આવડે પણ એ એક્ઝામમાં દર વખતે ગરબડ કરે છે.
બીના મેડમ – ક્રિશ કોન્સન્ટ્રેટ કરે તો સારું પરફોર્મ કરી શકે તેમ છે. ઘરે થોડો ભણવાનો સમય વધુ આપી શકે તો નહીં વાંધો આવે.
વંદનાબહેન – એમ તો ઘેર આવીને થોડો ફ્રેશ થવા ટીવી જુએ અને પહેલા બે કલાક રમતો તેને બદલે હવે હું મોબાઈલ એક જ કલાક આપું છું બાકી, મારે ક્રિશથી નાના કિયાનની જવાબદારી પણ ખરી એટલે હું રાત્રે જ ભણાવી શકું છું. તમે તેને વધારે હોમવર્ક આપતા જાઓ.
મમ્મી અને ટીચરની સામે જ બેઠેલા બાળક ક્રિશનું બેફિકર મન ક્યારનું સ્કૂલના કમ્પાઉન્ડમાં દોડાદોડી કરતી ખિસકોલી સાથે દોડી ગયું છે. (Rasa – Vyang)
—
અહીં પ્રસ્તુત વાર્તાઓ અને તેમાંની સંવેદનાઓ આપને અમારી સાથે જોડી શકશે તેવી કામના સાથે, આપના પ્રતિભાવોની રાહ જોઇશ. તો, આ મહીને પ્રસ્તુત Small Stories માણો, શેયર કરો તેમજ ડાબી તરફ ખૂણામાં આપેલ તાળીના નિશાન પર ક્લિક કરી બિરદાવવાનું ભૂલશો નહીં.