Small story – Monthly Tiny Story | Gujarati Stories – February 2023

small story swatisjournal february 23

વાર્તાઓ અમૂર્ત વિચારો અને કલ્પનાઓને વાસ્તવિક પરિસ્થિતિઓનો અરીસો બનાવી રજુ કરવામાં મદદ કરે છે. વાર્તાઓ એક એવું માધ્યમ પણ છે જે બુદ્ધિમાન અને સાધારણ માણસો વચ્ચેની ભેદરેખાને ઓગાળવાનું કામ કરે છે. આવી નાનકડી વાર્તાઓ એટલે કે અમારી Small Stories આપણી વચ્ચેનો સુલભ સેતુ બનશે.

Instagram: @ smallst0ry

વાર્તાઓ એક એવું માધ્યમ પણ છે જે બુદ્ધિમાન અને સાધારણ માણસો વચ્ચેની ભેદરેખાને ઓગાળવાનું કામ કરે છે. આવી નાનકડી વાર્તાઓ એટલે કે અમારી Small Stories.

01. બદામનો ઘસારો

badam no ghasaro small story swatisjournal

મહાનગરમાં સ્થાયી થયેલ દીકરાને ત્યાં બાળકી જન્મી હોવાથી, થોડાં મહિનાઓ માટે એમની સાથે રહેવા આવેલ કુમુદબહેન અને ગોવિંદભાઈએ ઉંમર સાથે અનુભવ,ધીરજ અને સમજદારી સહિત કોઈ પણ પરિસ્થિતિને સહજ સ્વીકારી લેવાનો દુર્લભ ગુણ પણ કેળવ્યો હતો. મોટાભાગનાં ઘરોમાં સમસ્યા બનતી વાતોને આ દંપતી ખુબ હળવાશથી હસવામાં કાઢી શકતું. ગોવિંદભાઈ મોટી વાતને ટીખળ વડે હળવી કરવામાં માહેર!
વહુ આજે સવારથી પાંચ મહિનાની પૌત્રીને બદામનો ઘસારો (પાણી કે દૂધમાં લસોટેલી બદામ) પીવડાવવા કડાકૂટ કરી રહી છે તે જોઇને કુમુદબહેનને થોડી ચિંતા થઇ. કંઈ કહેતા પહેલા, થોડી ધીરજ રાખવાનું નક્કી કરી ચુપ રહ્યા. નસીબજોગે, બાળકીએ મોં વડે ફુવારો કરી, બદામનાં ઘસારાનો સ્પષ્ટ બહિષ્કાર કરી દીધો.
સાંજે બાલ્કનીમાં ચા પીતાં ગોવિંદભાઈએ કુમુદબહેનને ધીમેથી કહ્યું, “આની બા એ ક્યારેક આને બદામનો ઘસારો પાયો હોત તો, આજે કર્યો એ પ્રયોગ ન કર્યો હોત.. શું કહે છે તું?”
કુમુદબહેન કપાળે હાથ દેતાં હસી પડ્યા. (Rasa – Hasya)

02. પર્સનલ લોન!

personal loan small story swatisjournal

છેલ્લા ચાર વર્ષમાં દેવજીભાઈએ જીવનમાં ન જોવાનું બધું જ જોઈ લીધું હતું. દીકરી પર બળાત્કાર, પૂર્વ રાજકારણીનો દીકરો આરોપી છતાં, હિંમતપૂર્વક લડાયેલો લાંબો કોર્ટ કેસ, નિશ્ચિત એવી હારનો સામનો, દીકરીની દુર્ભાગ્યપૂર્ણ આત્મહત્યા અને પરિણામે પત્નીની અસાધ્ય બીમારી!! એક ક્રમ માત્ર લાગતી આ ઘટનાઓએ દેવજીભાઈનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું હતું. છતાં હિંમત એકઠી કરી, બીમાર પત્નીની સેવામાં જીવન પસાર કરી રહેલ દેવજીભાઈ આજે રાબેતા મુજબ સવારનું છાપું વાંચી રહ્યા હતા ત્યારે, નજર એક સમાચાર પર સ્થિર થઇ ગઈ. દીકરીનાં બળાત્કારના આરોપીને કોઈએ ઠાર માર્યો હતો. મોબાઇલમાં આવેલ મેસેજનાં અવાજે વિચારોની વણથંભી વણઝારને અટકાવી. બે મેસેજ હતા, પહેલો મેસેજ બેંક તરફથી હતો કે, લેવામાં આવેલ રૂ. 5 લાખની પર્સનલ લોનનો હપ્તો બે દિવસ પછી કપાશે. બીજો મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી હતો, જેમાં લખ્યું હતું- 5 પેટી Ok. આજે વર્ષો પછી દેવજીભાઈનાં ચહેરા પર સંતોષની રેખાઓ ઉપસી હતી. (Rasa – Raudra)

03. ખરી કમાણી

khari kamani small story swatisjournal

રણછોડભાઈ ગામનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક; અનાજનાં વ્હોલ-સેલનો વર્ષો જૂનો વ્યાપાર એમના દાદા-પરદાદાનાં સમયથી ચાલ્યો આવે. આસપાસનાં ગામોમાં પણ એક પરગજુ શેઠ તરીકે જાણીતા અને નીતિનાં સાફ એવા રણછોડભાઈ મહિનામાં બે વખત અચૂક રીતે શહેરનાં સરકારી દવાખાને જઈ, દાખલ દર્દીઓનાં હાલ-ચાલ પૂછે અને એમને જોઈતી મદદ કરી આવે. હવે, સાથે આવતાં થયેલ પૌત્ર-પૌત્રીઓ કુતુહલવશ પૂછતાં કે, ‘દાદા આપણે અહીં કેમ આવ્યા છીએ?’ ત્યારે રણછોડભાઈ મીઠું મરકીને પ્રેમથી કહેતાં, “દીકરા, આપણે અહીં ખરી કમાણી કરવા આવ્યા છીએ! (Rasa – Karuna)

04. પેઇન્ટિંગ

painting small story swatisjournal

થોડી વધુ આવક માટે ભરતે પાર્ટ ટાઈમ સિક્યોરીટી ગાર્ડ તરીકેની નોકરી સ્વીકારી લીધી. દિવસે એક શોરૂમમાં સેલ્સ પર્સન તરીકે નોકરી કર્યા બાદ, રાત્રે એક બંધ મેન્શનની દેખરેખ કરવાનું કામ ભરત માટે મુશ્કેલ તો હતું પણ, નાઈટ ડ્યુટી માટે પગાર ઘણો સારો મળી રહ્યો હતો. આખા મેન્શનમાં ફરી, બારી–દરવાજા સરખા બંધ છે એ તપાસી, રોજની જેમ ભરત નીચેનાં હોલમાં લગાવેલ મોટા પેઇન્ટિંગ સામે આવીને ઉભો રહ્યો. એક જ પેઇન્ટિંગમાં વિવિધ પ્રદેશનાં બાર લોકો સમવિષ્ટ કરેલા હતાં. અચાનક અંદરનાં ઓરડામાંથી કંઇક અવાજ આવ્યો એટલે, હમણાંથી હળી ગયેલી એક બિલાડી કાઢવા ભરત એ તરફ ચાલ્યો. સવાર થતાં મોર્નિંગ ડ્યુટીનો ગાર્ડ આવી ગયો. ભરત કદાચ આજે વહેલો નીકળી ગયો હતો. એ ગાર્ડ પણ નિયમિત ડ્યુટી મુજબ ઘરમાં ફરીને જોઈ આવ્યો છે પણ, હજી સુધી પેઇન્ટિંગમાં હાજર તેરમી વ્યક્તિ એટલે કે ભરત તેની નજરે ચઢ્યો નથી! (Rasa -shant)

હાસ્ય, કરુણ, ભય તેમજ રૌદ્ર રસને પ્રસ્તુત કરતી આ વખતની Small Stories આપને ગમી ને? ઈમેજ સ્વરૂપે પ્રસ્તુત આ વાર્તાઓ આપ કોઈ પણ માધ્યમ પર શેયર કરી શકશો તો, મિત્રો તેમજ પરિવાર સાથે આ વાર્તાઓ વાંચવાનો આનંદ વહેંચવાનું નહીં ચૂકો ને? અને હું તમારા પ્રતિભાવરૂપે તમારી કમેન્ટ્સની રાહ જોઇશ. તો, મને લખજો જરૂર.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2025 Swati's Journal