Small story – Monthly Tiny Story | Gujarati Stories – January 2023

small story swatisjournal january 23

ભાષા શીખવા માટે ટૂંકી વાર્તાઓ એક શ્રેષ્ઠ સ્રોત છે. આવી જ નાનકડી વાર્તાઓ અહીં Small Stories તરીકે રજુ કરવામાં આવી છે, જેનાં વિષયો તેમજ કથાવસ્તુ, વાચકના મનને ઊંડે સુધી સ્પર્શી જશે એની અમને ખાતરી છે. વાર્તાનું ફોરમેટ તેને વધુ દિલચસ્પ તેમજ શેયર કરવા માટે સરળ બનાવે છે, તો ચાલો સાથે મળીને માણીએ આ ટચુકડી વાર્તાઓ એટલે કે Small Stories!

Instagram: @ smallst0ry

વાર્તાઓ એક સાધન છે જે મનોરંજનનું કામ તો કરે જ છે સાથે જ માણસને એકબીજા સાથે જોડે પણ છે. એકબીજાનાં અંતરને વાંચતા અને સમજતાં શીખવે એ માધ્યમ એટલે વાર્તા.

01. મોબાઈલ

mobile small story swatisjournal

આજે બીજા ધોરણનાં વર્ગશિક્ષકે બાળકો ભવિષ્યમાં શું બનવા માગે છે અને શા માટે? એવો સ્વપ્નીલ પ્રશ્ન પૂછીને ભૂલકાંઓ માટે સપનાનાં આકાશની બારી ઉઘાડી દીધી છે. કોઈને ડોક્ટર, એન્જીનીયર, સાયન્ટીસ્ટ તો કોઈને મોટા બીઝનેસમેન બનવું છે. રિયાનો વારો આવ્યો, શિક્ષક નજર અને કાન માંડી આ મજાની ઢીંગલી શું જવાબ આપશે તેની રાહ જુએ છે. થોડો વિચાર કરી, રિયા બોલી, “મિસ, મારે મોબાઈલ બનવું છે.” બીજા બાળકો હસી પડ્યા અને ક્લાસમાં કલબલાટ મચી ગયો. શિક્ષક પણ સાનંદાશ્ચર્ય, કારણ જાણવા બધાને શાંત કરતાં બોલ્યા, “મોબાઈલ બનવું છે? કેમ?” રિયાનો ભોળો અને નિર્દોષ ચહેરો કારણ કહેતાં, ખીલી ઉઠ્યો, “મોબાઈલ બનું તો, આખો વખત મને મમ્મી-ડેડીની સાથે, એમની પાસે રહેવા મળે ને?!” ટીચરનું ફીકું સ્મિત વાસ્તવિકતાની કટુતા, રિયાની નિર્દોષ મધુરપ પર ભારે પડતી હોવાની સાબિતી આપી રહ્યું છે. (Rasa – Karuna)

02. પાળિયો

palio small story swatisjournal

અહંકારી, ક્રોધી, વ્યસની અને એટલે જ બેજવાબદાર મહેશભાઈની ઓછી આવકમાં ગુજારો કરનારા મંજુબહેને પત્ની તરીકે કદી જાહેર ન કરેલી પોતાનાં એક ઘરની કામના વર્ષોથી મનમાં ધરબાયેલી હતી. પોતે મહેનત વડે ઘરની જરૂરતો પૂરી કરવામાં મદદ કરી, દીકરાને ભણાવીને સ્થાયી કર્યો છતાં, ક્યારેય પતિ તરફથી પ્રોત્સાહન કે યોગ્ય ભાવનાત્મક બદલો ન પામ્યા. આજે દીકરાએ નવા બનાવેલા ઘરમાં ગૃહપ્રવેશની પૂજામાં આઠ જ મહિના પહેલા જીંદગીની આખરી લડાઈ હારી ગયેલ મંજુબહેન હાજર નથી. તેમ છતાં મહેશભાઈનાં જીવન કે સ્વભાવમાં કોઈ મોટો બદલાવ આવ્યો નથી. ઘરનાં ઉંબરે કુમકુમ વડે સાથીયા કરતી વહુને જોઈ, મહેશભાઈ ઉપહાસનાં સૂરમાં બોલ્યા, “કંકુને બદલે સિંદૂર લગાવો, મા નો પાળિયો બનાવી દીધો છે દીકરાએ!” બીભત્સ હાસ્ય વચ્ચે ડોકિયું કરતાં તમાકુવાળા દાંત જોઈ, દીકરો આજે પિતા તરફથી વારસામાં મળેલ ક્રોધ પહેલી વખત પોતાની નસોમાં દોડતો અનુભવી રહ્યો છે. (Rasa – Vibhatsa)

03. મહેમાન

maheman small story swatisjournal

નવમાં ધોરણમાં ભણતો આકાશ પોતાનાં સગા દાદાનાં મૃત્યુના પ્રસંગે આજે પહેલી જ વખત સ્મશાન ગયો. એક અલગ જ અનુભવ લઇ પાછો ફરેલો આકાશ, મોટાઓની સુચના મુજબ પ્રસંગોચિત્ત ક્રિયાઓ પતાવી, ઘરનાં સ્વાભાવિક રીતે જ બોઝિલ વાતાવરણમાં અવાચક બેઠો છે. વિલાપ કરતાં પરિવારજનોને સાંત્વના આપતાં અમુક વડીલો કહી રહ્યા છે કે, “મનુષ્ય જીવનની વાસ્તવિકતા કહો કે વિડંબના, એકવાર લાકડે ગયેલ કદી કોઈ પાછું આવ્યું છે? આપણે સૌ અહીં ઘડી-બે ઘડીનાં મહેમાન!”… આ સાંભળી આકાશથી આશંકિત નજરે ખૂણામાં ઉભેલ મહેમાન તરફ જોવાઈ જાય છે, જ્યાં સ્મશાનથી જ તેમની સાથે આવેલ એક અજાણી, ભયાવહ આકૃતિ તેની સામે વિકૃત એવું માર્મિક સ્મિત કરી રહી છે! (Rasa – Bhay)

04. ગલગોટા

galgota small story swatisjournal

સુમતિબહેનનો ચિંતન વિદેશની નોકરી સ્વીકારી ત્યાં જ સ્થાયી થઇ ગયો. એમિલીને પરણ્યો, એ પછી અંશુલ જન્મ્યો ત્યારે સુમતિબહેન અને રાજીવભાઈ ત્યાં જઈ, એમની સાથે થોડો સમય રહ્યા. સુમતિબહેનને છોકરી સારી અને સમજુ છતાં વિદેશી હોવાનો ખટકો રહ્યા કરતો. આ વખતે બે વર્ષે ચિંતન એકલો જ આવી, કામ પતાવી પાછો જતો રહેલો. અંશુલ અહીં હોત તો તેનો ઉછેર અલગ જ થયો હોત એમ માનતાં સુમતિબહેન આજે દિવાળી હોવાથી વિડીયો કોલની રાહ જોતાં બેઠા છે. નવા ઘરમાં શિફ્ટ થયા પછી આજે ચિંતન પહેલી જ વખત વિડીયો કોલ કરવાનો છે. થોડી જ વારમાં કોલ પર એમને ત્યાં બનેલ બગીચો અને તેમાં રમતો અંશુલ સ્ક્રીન પર દેખાયા. એમિલી સાથે અંશુલે પણ દાદા-દાદીને પ્રણામ કર્યાં. સુમતિબહેનની આંખોમાં સંતોષ સાથે ચિંતને અહીંથી લઇ ગયેલ બીજ વડે ત્યાં પોતાનાં બગીચામાં ઉગાડેલાં ગલગોટાનો સોનેરી પીળો રંગ ચમકી રહ્યો હતો. (Rasa -shant)

ટૂંકી વાર્તાઓ તેની મર્યાદિત લંબાઈને કારણે વધુ ગ્રાહ્ય બની રહી છે ત્યારે, Swati’s Journal પર બીજી વાર્તાઓ સાથે આ નવા સેગમેન્ટમાં ટચુકડી વાર્તાઓનો આનંદ માણી શકો છો. વિવિધ વિષયોને આવરી લેતી, આ મહીને પ્રસ્તુત થયેલી Small Stories પર આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ લખી જણાવશો.

  • Subscribe to our Newsletter

    You can't resist this cutie! Let her bring you our Friday newsletter.

    *No spam. You can unsubscribe at any time.

  • Leave a Reply

    Swati's Journal

    © 2024 Swati's Journal